ભારતમાં કિન્નર અને વેશ્યાઓ આર્થિક રીતે સધ્ધર હોવાથી અને અંગ્રેજો સામેના બળવા વખતે તેનો ઉપયોગ થયો હોવાથી આ બન્ને સમુદાયોને તોડી પાડવા માટે લોર્ડ મેકલેએ 377ની કલમ લગાવી હતી. જેમાં સ્ત્રી, પુરૂષ કે પ્રાણીઓ સાથેના માનવીના સંભોગને ગેરકાયદે ગણવામાં આવ્યો હતો. ભારતમાં કિન્નર અન વૈશ્યા બાળકો પેદા કરે તેવી સ્થિતિમાં ન હોવાથી તેમને શારીરિક સંબંધો સમાજમાં માન્ય હતા. આ સબંધો ભારતમાં લીગલ હતા પરંતુ રાણી વિકટોરીયાએ તેને ગેરકાયદે બનાવી દીધા હતા.
1857માં અંગ્રેજો સામે ભારત દેશમાં બગાવતની રણશિંગુ ફૂંકાયું હતું. અગાઉ અંગ્રેજો ભારતીયોને શાંત સમજતા હતા. પરંતુ બળવા બાદ તેઓને ખ્યાલ આવ્યો હતો કે ભારતીયો પણ બગાવત કરી શકે છે. બ્રિટનની મહારાણી વિકટોરીયા પણ બળવાની ઘટનાથી ભારતીયોથી પ્રભાવિત થયા હતા. ઇંગ્લેન્ડના રાજા અને રાણી સર્વોપરી હતા અને રાણીએ ભારતમાં જાસૂસો દ્વારા તપાસ હાથ ધરી હતી કે, બળવો કેવી રીતે થયો અને તેની પાછળ કોનું પીઠબળ હતું.
સરદાર પટેલ યુનિવર્સિટીના વલ્લભ વિદ્યાનગરના ડીપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક દ્વારા એમ.પી.પટેલ હોલ ખાતે કલમ 377 વિષય પર પરિસંવાદનું આયોજન કરાયું હતું. જેમાં રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલના પ્રયાસોથી તાજેતરમાં ભારતમાં કલમ 377 સર્વોચ્ચ અદાલતે કાઢી નાંખતા તેનો વિવાદ ચાલી રહ્યો છે. અકુદરતી સબંધો પર પ્રતિબંધ મુકવાનું કામ બ્રિટીશરોએ ભારતમાં કર્યું હતું.
માનવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, અંગ્રેજોએ બનાવેલા કાયદાનું ભારત દેશમાં શું કામ છે? પોતે ભારતીય સંસ્કૃતિને જ અનુસરતા હોવાનું જણાવતા તેઓએ જણાવ્યું હતું કે, હું સંપૂર્ણ દેશી કપડાં, મોજડી, સેન્ડલ, ચંપલ પહેરું છું. બુટ એ અંગ્રેજોની સંસ્કૃતિ હતી. કલમ 377 અંગ્રેજોએ પોતાના ફાયદા માટે બનાવી હતી. કોઇ સ્ત્રી સ્ત્રી સાથે કે પુરૂષ અન્ય પુરૂષ સાથે એકબીજાની સંમતિથી શારીરિક સુખ માણે તો કોઇ ગુનો બનતો નથી. દેશમાં મહિલાઓ, બાળકો અને પ્રાણીઓને પ્રોટેકટ કરવા માટે પોતે અને પોતાની ટીમ સતત કાર્યરત રહેશે તેમ માનવેન્દ્રસિંહે જણાવ્યું હતું.
વડોદરા પોલીસ અનૈતિક સંબંધ બાંધે છે
વિદ્યાનગરમાં કલમ 377 અંગેના પરિસંવાદમાં ઉપસ્થિત રાજપીપળા સ્ટેટના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, વડોદરા ખાતે એચઆઇવી પોઝીટીવ લોકો માટે તેઓ લ-ય ટ્રસ્ટ ચલાવી રહ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકરો આ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. રાજય સરકાર દ્વારા તેમની સંસ્થાને એચઆઇવી અંગેના જાગૃતિ કાર્યક્રમો અને સાચી સમજ જનતા સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં એચઆઇવીને અટકાવવા માટે ટ્રસ્ટના કાર્યકરો દ્વારા વિનામૂલ્યે કોન્ડોમનું વિતરણ કરવામાં આવે છે. આ અંગે દુ:ખ સાથે માનવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, વડોદરામાં અમારા કાર્યકરો દ્વારા કોન્ડોમ વહેંચણી દરમ્યાન પોલીસ દ્વારા મારઝૂડ કરવામાં આવે છે, બિભત્સ ગાળાગાળી અને ધરપકડ કરીને લોકઅપમાં પૂરી દેવાય છે. જયાં પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ દ્વારા અમારા કાર્યકરો સાથે અનૈતિક સંબંધ બાંધવામાં આવે છે.