આણંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમૂલ ડેરીનાં ચોકલેટ પ્લાન્ટનાં ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જે વાત કરવામાં આવી તે તદ્દન ખોટી હોવાનું ખેડૂત અગ્રણીઓનું માનવું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતનાં પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે ખેડૂતોની અને પશુપાલકોની હંમેશા ચિંતા કરી અને તેમને લાભકારી યોજનાઓનો પ્રારંભ કરાવ્યો હતો, જે અગાઉની કોઈ સરકારે ક્યારેય દરકાર રાખી નહોતી તે દરકાર રાખવાનું શરૂ કર્યું. આજે રાજ્યની સૂજલામ સૂફલામ, સૌની યોજના વગેરે દ્વારા રાજ્યનાં અંતરિયાળ વિસ્તારોમાં પણ ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહ્યું છે. જે બતાવે છે કે રાજ્યનાં વિકાસ માટે નરેન્દ્રભાઈએ જે પાયાં નાંખ્યા તેનો ફાયદો આજે ખેડૂતોને મળી રહ્યો છે અને તેઓ સારો પાક પણ મેળવી રહ્યાં છે.
આ મામલે ખેડૂત અગ્રણી બળવંતસિંહ પઢેરિયાનો સંપર્ક સાધતાં તેમણે આક્રોશપૂર્વક કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સદંતર જૂઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. અને જે યોજનાઓ થકી સિંચાઈનું પાણી મળી રહ્યું હોવાની વાત કરે છે તે પાણી અંતરિયાળ ગામોનાં ખેડૂતોનાં ખેતર સુધી તો શું જે તે કેનાલ સુધી પણ નથી પહોંચ્યું.
તો બીજી બાજુ ગુજરાત ખેડૂત સમાજનાં મંત્રી સાગર રબારીએ કહ્યું કે, જો સૂજલામ સૂફલામ અને સૌની યોજના મારફતે લોકોને સિંચાઈનું પાણી મળતું હોત તો થોડાં સમય પહેલાં ભાવનગર જિલ્લામાં પાણીનાં બચાવ અને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે ખેડૂતોએ પોતે બંધારા ન બાંધ્યા હોત.
છેલ્લાં 22 વર્ષથી રાજ્યમાં ભાજપનું શાસન છે અને આ સમયગાળા દરમિયાન અનેકવાર ખેડૂતોના પ્રશ્ને વિવિધ આંદોલનો થયાં પણ ખેડૂત વિહોણી ભાજપ સરકારે ક્યારેય ખેડૂતોનાં પ્રશ્ને નિરાકરણની વિચારણા નહિ કરી હોવાનો આરોપ કોંગ્રેસનાં નેતાઓ દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોનાં હિત માટેનું કાર્ય કરવામાં આવ્યું હોત તો તાજેતરમાં જ પાસનાં કન્વીનર હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોનાં દેવામાફી માટે આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉઠાવવાની કે સપ્ટેમ્બરમાં બે દિવસ માટે મળેલાં વિધાનસભાનાં સત્રનાં પહેલાં દિવસે કોંગ્રેસે ખેડૂતોનાં સમર્થનમાં આક્રોશ રેલીનું આયોજન ન કરવું પડ્યું હોત.