અંધશ્રદ્ધાના કારણે વધુ એક પરિવારનો માળો વિખાયો છે. પોતાનું મોત આવતું હોવાના આભાસે એક માતાને પોતાના જ પાંચ બાળકો સાથે કૂવામાં કૂદીને મોત વ્હાલું કરવા માટે મજબૂર કરી છે. પોતાના મોત બાદ બાળકોનું શું થશે તેવા ભયને કારણે માતા પાંચ બાળકો સાથે કૂવામાં કૂદી પડી હતી. જોકે આ ઘટનામાં એક બાળકી સહિત માતાનો જીવ બચી ગયો છે. તો અન્ય ચાર બાળકો મોતને ભેટ્યા છે. શું છે આ અંધશ્રદ્ધાની સમગ્ર ઘટના આવો જાણીએ આ અહેવાલથી…..
તળાજા તાલુકાના પાંચ પીપળા ગામની એક વાડીના ખૂલ્લા કૂવામાં માતાએ પોતાના પાંચ બાળકો સાથે આપઘાત માટે ઝંપલાવવાની ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી હતી. જેમાં ઝાંઝમેર ગામે રહેતી ગીતાબહેન ધરમશીભાઇ ભાલિયા નામની મહિલા કે જે પાંચ વર્ષ અગાઉ આ જ વાડીમાં ભાગિયા તરીકે કામ કરતી હતી. અને આ મહિલાને થોડા દિવસોથી સ્વપ્નમાં પોતાનું મોત દેખાતું હોવાની અંધશ્રદ્ધા કે માનસિક અસ્થિરતાના કારણે પોતાના મોત બાદ તેમના બાળકોનું શું થશે તેમ વિચારી સામૂહિક આપઘાતનું પગલું ભરવાનું નક્કી કરી ઝાંઝમેરથી પાંચ પીપળા ગામની વાડીમાં આવીને પોતાના બાળકોને કૂવામાં ફેંકી પોતે પણ કૂવામાં ઝંપલાવ્યું હતું.
જે કુવામાં ઝંપલાવ્યું હતું તે કૂવો 100 ફૂટ ઊંડો અને 50 ફૂટ પાણીથી ભરેલો હતો. નાના અને માસૂમ બાળકો આ કૂવાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કૂવામાં પડેલી માતાએ કુવામાંથી બચાવો-બચાવો બુમો પાડતા આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો ત્યાં દોડી ગયા હતા. જ્યાં ડૂબી રહેલ ગીતાબહેન તથા તેની મોટી દીકરીને દોરડા વડે બહાર કાઢવામાં સફળતા મળી હતી. પરંતુ જ્યારે અન્ય ચાર બાળકો પણ કૂવામાં હોવાનું જણાવતા તાકિદે સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા પોલીસ તંત્ર દોડી આવ્યું હતું. જ્યારે બચાવ દળ ચાર કલાકે પહોંચ્યું હતું. સ્થાનિક તરવૈયાઓએ કૂવામાં ડૂબકી લગાવી બાળકોને શોધવા પ્રયાસો કર્યા હતા. જે ઊંડા પાણીના કારણે નિષ્ફળ રહયાં હતાં. ત્યારબાદ આ કૂવામાં પાણીની મોટરો ઉતારી કુવાનું પાણી ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને ત્યારબાદ ક્રમશઃ ચારેય બાળકોની લાશ બહાર કાઢી પી.એમ માટે મોકલી આપવામાં આવી હતી.
આ ઘટનામાં ગીતાબહેન ભાલિયાના પતિ ધરમશીભાઈ નવરાત્રિ અનુષ્ઠાનમાં હતા તે દરમિયાન ગીતાબહેનના આત્મઘાતી પગલાંએ તેમના ચાર બાળકોનો જીવ લઈ લીધો હતો. એટલે કે સ્વપ્નમાં આવતી મોતની ઘટના, અંધશ્રદ્ધા કે માનસિક અસ્થિરતાના કારણે જે માતાએ બાળકોને જન્મ આપ્યો હતો. તે જ માતા પોતાના બાળકોના મોતનું કારણ બની હતી. જેમાં ત્રણ દીકરા કુલદીપ, કાર્તિક અને રુદ્ર તેમજ એક દિકરી અક્ષિતા મોતને ભેટ્યા હતા. જ્યારે સૌથી મોટી દિકરી ધર્મિષ્ઠા બચી જવા પામી હતી. બચી ગયેલી આ દીકરી પોતાના ભાઈ બહેનના મોતને લઈને સ્તબ્ધ બની ગઈ હતી. હાલ માતાને સારવાર માટે ખસેડવામાં આવી છે. જ્યારે પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો ચાર માસુમોના મોત માટે જવાબદાર માતા સામે હત્યાનો ગુનો નોંધાઈ શકે છે.