હિન્દુત્વના નામે સત્તા લાલસા સંતોષવા સાથે ધાર્મિક ઉત્સવો અને નવરાત્રી વેકેશનથી વોટ બેન્ક ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહેલાં ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, ભાજપના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ સહિત ભાજપ સરકારનાં પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની અંબાજી મંદિરમાં આગતા સ્વાગતા કરવા લાખો રૃપિયા ખર્ચવામાં આવ્યા છે.
પ્રસાદ ધરવાના બદલે શિષ્ટાચારનાં બહાને લખ લૂંટ ખર્ચ કરાવતાં ભાજપના નેતાઓના અસલી ચહેરાનો પર્દાફાશ થયો છે. ચા-નાસ્તા, જમવાથી લઈ ભેટ પાછળ બે વર્ષમાં રૂપિયા ૭.૪૦ લાખ જેટલો ખર્ચ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવો પડ્યો તે ખોખલા હિન્દુત્વ માટે શરમજનક હોવાનું કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે.
પ્રસિદ્ધ અંબાજી માતાના મંદિરમાં લાખો ભક્તો દ્વારા કરોડો રૂપિયા, જર-ઝવેરાત અને સોનું મા ના ચરણોમાં મૂકવામાં આવે છે.ભાજપનાં નેતાઓના દર્શનનાં બહાને આગતા – સ્વાગતા પાછળ મંદિર – ટ્રસ્ટમાં લાખો રૂપિયાનો ખર્ચ પડાવી હિન્દુત્વનાં નામે ધર્મનો વેપલો કરી રહ્યા છે.
માતાજીનાં ફોટા, પંચધાતુનાં સિક્કા, કેલેન્ડર્સ, શ્રીયંત્ર ભેટમાં આપીને રૂપિયા ૪,૩૩,૯૦૯નો ખર્ચ પાડવામાં આવ્યો છે. જ્યારે ચા-નાસ્તો, ભોજન, રહેવા માટે રૂપિયા ૩,૦૫,૪૦૧નો ખર્ચ ઉધારવામાં આવ્યો છે. ગરીબ – મધ્યમ વર્ગના ભાવિકોની એક – એક પાઈને હિન્દુત્વનો નકલી ચહેરો ધરાવતી ભાજપ સરકારનાં મંત્રીઓનાં પીએ-પીએસ, ક્લેક્ટરથી લઈ ઉચ્ચ અધિકારીઓ, ડીએસપીથી લઈ ડીઆઈજી વગેરે અધિકારીઓ અને તેમનાં સગાંઓએ મહેમાન બની લૂંટી લેતાં તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આમ અંબાજી મંદિર ઉપરાંત રાજ્યભરમાં દ્વારકા, સોમનાથ વગેરેમાં પણ શિષ્ટાચારનાં નામે ‘ભાજપનાં હિન્દુત્વ’નો શિષ્ટાચાર બંધ કરાવવો જોઈએ. જ્યારે સત્તા કે હોદ્દાનાં નામે આવાં ધાર્મિક સ્થળોએ સરમુખત્યાર બની જતાં રાજકારણીઓ કે અધિકારીઓ સામે નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ સુઓમોટો કરી કાનૂની કાર્યવાહી કરવા ડૉ. હિમાંશુ પટેલે અપીલ કરી છે.