1 ઓક્ટોબર 2018થી જે તાલુકામાં સવાસો મિલિમીટરથી ઓછો વરસાદ વરસ્યો છે ત્યાં પણ પહેલી ઓક્ટોબરથી અછત જાહેર થઈ જશે તેવો નિર્ણય કર્યો છે. વાવણી કરવી હોય તો આટલો વરસાદ જોઈએ. તેથી ખેડૂતો એવું કહી રહ્યાં છે કે, જ્યાં 10 ઈંચ વરસાદ પડેલો છે ત્યાં સદંતર પાક નિષ્ફળ ગયો છે તેથી આવા તમામ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવા જોઈએ.
ગુજરાતના 13 તાલુકામાં દુષ્કાળ જાહેર કરવો પડે આવી સ્થિતી, તેની સાથે કૂલ 54 તાલુકાઓમાં પાક નિષ્ફળ ગયો હોવાથી દુષ્કાળ જાહેર કરવો પડશે. ગુજરાતમાં 33 જિલલાના 251 તાલુકા છે જેમાં 3890 ગામોમાં ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ ગયો છે. બીજા તાલુકાના ગામો ગણી લેવામાં આવે તો 18 હજાર ગામોમાંથી 5000 ગામમાં ખેડૂતો માટે અત્યંત ખરાબ સ્થિતી આવીને ઊભી છે. જેમને તાકીદે સહાય મળવી જોઈએ. પાકને જીવતો રાખવા માટે ઓછામાં ઓછો 10 ઈંચ વરસાદ પાંચ વખત પડે તો જ પાક બની શકે છે. જ્યાં 10 ઈંચ કરતાં ઓછો વરસાદ પડેલો હોય એવા પાંચ હજાર ગામો છે. તેથી ગુજરાત સરકારે તુરંત ખેડૂતો માટે સહાય જાહેર કરવી પડે તેવી સ્થિતી છે.
કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. નવા ઢોરવાડા શરૂ થશે, પાંજરાપોળ-ગૌશાળાઓ અને ઢોરવાડાઓને રાહત દરે ઘાસ ઉપરાંત પશુદીઠ સબસીડી ચૂકવાશે. અછતગ્રસ્ત તાલુકાઓમાં લોકોનું સ્થળાંતર રોકાય અને રોજગાર મળે માટે વિવિધ રાહત કામગીરી શરૂ થશે. મુખ્યમંત્રીએ કચ્છ ઉપરાંત રાજ્યના અન્ય જે વલસાડથી મોટી માત્રામાં ઘાંસ લાવવાનું ટેન્ડર અપાઈ ચૂક્યું છે અને રેલવે મારફતે કચ્છમાં ટૂંક સમયમાં ઘાસ પહોંચાડવાનું શરૂ થશે. અછત રાહતની કામગીરી અંતર્ગત કચ્છમાં કોલસો પાડવાની પણ છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે. ગાંડા બાવળના લાકડામાંથી કોલસો પાડવા પર પ્રતિબંધ છે. કોલસો પાડવાની છૂટ મળતાં લોકોને રોજગારનો વધારાનો એક વિકલ્પ મળશે.
પશુ ઘાસચારા ઉપરાંત પેયજળ સંદર્ભે વિવિધ કામગીરી માટે રાજ્ય સરકારે તત્કાળ અસરથી 296 કરોડ રૂપિયા મંજૂર કર્યાં છે. આ નાણાં ટપ્પરથી અંજાર, ભુજ, મંગવાણા સુધી નવી પાઈપલાઈન નાખવા, અંજાર પમ્પિંગ સ્ટેશનનું નવિનીકરણ કરવા સહિતની કામગીરીમાં વપરાશે. આ કામગીરી તાકીદના ધોરણે શરૂ થઈ જશે તેમ રૂપાણીએ ઉમેર્યું છે.
ટપ્પર ડેમ નર્મદા નીરથી ભરાઈ રહ્યો છે માળિયાથી ખીરઈ અને ખીરઈથી વર્ષામેડી સુધી પહોંચતા નર્મદા નીરના જથ્થામાં પણ વધારો કરવામાં આવશે. તેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરતાં કહ્યું હતું.
અછતગ્રસ્ત જિલ્લો જાહેર થયા બાદ કચ્છમાં સરકારી ધોરણે ચાલી રહેલી અછત રાહતની કામગીરીની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવાશે. આ સમિતિમાં પ્રજાએ ચૂંટેલાં પ્રતિનિધિ, સરકારના પ્રતિનિધિ, માલધારીઓના પ્રતિનિધિ અને મહાજનના પ્રતિનિધિઓનો સભ્ય તરીકે સમાવેશ કરાશે. આ સમિતિની દર પખવાડિયે બેઠક યોજાશે.