પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનાં મૃત્યુ બાદ વિવાદ શરૂં થયો છે. અટલ બિહારીના ભત્રીજી કરુણા શુક્લાએ નરેન્દ્ર મોદીની આકરી નીંદા કરીને કહ્યું છે કે મોદી અને અમિત શાહે અટલ માટે કંઈ કર્યું નથી. માત્ર 15 ઓગસ્ટે જ તેમનો તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. મોદી અને અમિત શાહ એટલા માટે અટલને હવે યાદ કરી રહ્યા છે કારણ કે 2019ની લોકસભાની ચૂંટણીમાં અટલની નિષ્ઠા, પ્રણિકતા અને દેશ ભક્તિનો લાભ ખાટવા માટે પૂર્વ વડા પ્રધાનનાં મૃત્યુનો ઉપયોગ કરી રહી છે.
અટલના ભત્રીજી કરુણા શુકલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે,’ ભાજપ સ્વાર્થી છે અટલ બિહારી વાજપેયીના નામનો ઉપયોગ કરીને રાજકારણ રમી રહ્યો છે. તેઓ વર્ષ ૨૦૧૯ની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યાં છે. અટલના જીવનકાળ દરમિયાન તેમના નામે લાભ મેળવ્યા હતા અને હવે તેમના મૃત્યુ પછી પણ રાજકીય લાભ મેળવવા તેમના નામનો ઉપયોગ થઈ રહ્યો છે. વાજપેયીના ભત્રીજી કરુણા શુક્લા લોકસભાના પૂર્વ સાંસદ છે અને વર્ષ 2014માં ટિકિટ ના મળતાં તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે જણાવ્યું હતું કે, નેતાઓ અટલજીના આદર્શોના રાહ પર બે ડગલાં ચાલશે તો દેશનું ભલું થશે.
અસ્થિયાત્રામાં અટલના કુટુંબીજનો નજરઅંદાજ થયા
ગ્વાલિયરમાં રહેતા અટલજીના પરિવાર તરફ કોઈનું ધ્યાન નહોતું. કળશ યાત્રામાં સેંકડો કારનો કાફલો ચાલી રહ્યો હતો પરંતુ અટલજીના વૃદ્ધ ભત્રીજી અને જમાઈને ઓટો રિક્ષામાં બેસીને શ્રદ્ધાંજલિ સ્થળે પહોંચવું પડયું. બીજીતરફ છત્તીસગઢમાં અટલજીના અસ્થિકળશના વિસર્જન દરમિયાન કૃષિ પ્રધાન વ્રજમોહન અગ્રવાલ અને આરોગ્ય પ્રધાન અજય ચંદ્રાકર હાસ્ય વેરી રહ્યાં હતા. સંસદીય સચિવ અને ભાજપના વિધાનસભ્ય પણ હસતા મુખે કળશ સાથે તસવીરો ખેંચાવી રહ્યાં હતા. આમ ભાજપના નેતાઓ પોતાના નેતાઓના મૃત્યુને પણ મત મેળવવા માટે વટાવી ખાય છે. એવું હવે લોકોમાં પણ ચર્ચા થઈ રહી છે.