કેન્દ્ર સરકારે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન વધુ ચાર લાખ ટન અડદ દાળની આયાત કરવાની મંજૂરી આપી છે. આ આયાત મંજૂરી દાળ મિલો અને રિફાઇનરોને આપવામાં આવી છે જેથી બજારમાં દાળની સપ્લાય વધે અને ભાવને અંકુશમાં રાખી શકાય. આ પહેલા પણ સરકારે માર્ચ 2020 સુધી દોઢ લાખ ટન અડદ દાળની આયાતની મંજૂરી આપી હતી. વિદેશ વેપાર વિભાગ (ડીજીએફટી) દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ અડદની માટે વાર્ષિક આયાત ક્વોટા ચાર લાખ ટન રાખવામાં આવ્યો છે. આ ક્વોટા હેઠળ અડદની આયાત માત્ર મિલો, રિફાઇનરીઓ સુધી જ મર્યાદિત રહેશે. પરિપત્રમાં કહેવાયું છે કે, આ પ્રતિબંધ, સરકારના કોઇ પણ દ્વિપક્ષીય અથવા ક્ષેત્રીય સમજુતી હેઠળ કરાયેલી આયાત પ્રતિબદ્ધતા ઉપર લાગુ થશે નહીં. ભારતીય કઠોળ અને અનાજ સંઘ (આઇપીજીએ) એ ચેરમેન જીતૂ ભેડાએ અડદકાળના આયાત નિયમોમાં રાહત આપવાની માંગણી કરી છે. આ દરમિયાન સરકારે નક્કી કર્યું છે સ્થાનિક સ્તરે સપ્લાય વધારવા અને ભાવને સ્થિર કરવા માટે તેઓ પોતાના બફર સ્ટોકમાંથી 8.47 લાખ કઠોળનો જથ્થો વેચશે. કેન્દ્ર સરકારે 3.2 લાખ ટન તુવેર, બે લાખ ટન અડદ, 1.2 લાખ ટન ચણા, દોઢ લાખ ટન મગ અને 57 હજાર ટન મસુરનું વેચાણ કરવાની રજૂઆત કરી છે.