અધિકારીઓ અને રાજકારણીઓને સંતાનોને સરકારી શાળામાં ભણાવવાનું ફરજિયાત કરો

બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.દિપક દરજીએ પોતાના સંતાનોને સરકારી શાળામાં ભણાવ્યા છે. છેલ્લા બે વર્ષમાં 60 હજારથી વધુ બાળકોએ ખાનગી શાળાઓ છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. તેઓ અન્ય શિક્ષકો પણ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં જ ભણાવે તેઓ આગ્રહ રાખી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં 2350થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં 4.10 લાખ બાળકો અભ્યાસ કરે છે. 14 હજાર શિક્ષકો છે. બનાસકાંઠામાં સરકારી શાળાઓમાં ભણતા બાળકોનું શિક્ષણસ્તર ખાનગી શાળાઓની સરખામણીમાં નીચું છે જેની પાછળ શિક્ષકો સરકારનાં ઉત્સવો સાથે વાલીઓની જાગૃતતાના અભાવ હોવાનું માની રહ્યાં છે.

સરકારી શાળાઓના શિક્ષકો સરેરાશ રૂ.50 હજારનો પગાર લઈ રહ્યા છે એની સામે ખાનગી શાળાઓમાં શિક્ષકોને રૂ.5થી 10 હજારનો નજીવો પગાર અપાય છે. તેમ છતાં સરકારી શાળા કરતાં ખાનગી શાળાનું પરિણામ ખૂબ સારું આવે છે.

બીજી બાજુ મોટાભાગના સરકારી શિક્ષકો પોતાના બાળકોને ખાનગી શાળામાં ભણાવે છે. સરકારી શાળામાં તેઓ ભણાવતાં નથી. ડીસાના દામાં ઠાકોરવાસની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય મીનાબેન નાયી પોતાન સંતાનો ખાનગી શાળામાં ભણાવે છે. સરકારી ઉત્સવનાં કારણે પણ શિક્ષણમાં ધ્યાન આપવામાં આવતું નથી.

જ્યાં સુધી રાજકારણીઓ, સરકારના તમામ અધિકારીઓ અને શિક્ષકોના બાળકોને સરકારી શાળામાં ભણાવવાનું ફરજિયાત નહીં કરાય ત્યાં સુધી ખાનગી શાળાઓનું મહત્વ વધતું રહેશે અને જેમાં ઊંચી ફી લેવાતી રહેશે. તેથી શિક્ષણ મોંઘું રહેશે. હાલની મોટાભાગની શાળાઓ ભાજપના નેતાઓની છે તેથી શિક્ષમ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આવો નિયમ નહીં બનાવે.