સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટની શરૂઆતથી લઈને 1965 સુધી મેનેજીંગ ટ્રસ્ટી રહેલાં સોમાભાઈ પટેલ એક દિવસ આમરણાંત ઉપવાસ પર બેઠા. 2005માં ટ્રસ્ટના ચેરમેન દેવેન્દ્રકુમાર આર. દેસાઈએ એક અખબારને લખેલા પત્રમાં કહ્યું હતું કે, જમીન વાવવા માટે દર વર્ષે સોમાભાઈ આપતાં હતા. જે પરત મેળવવા માટે કાયદાકિય પ્રક્રિયા કરવા માટે ઊણાં ઉતર્યા અને તેમને ટ્રસ્ટીશીપ 1965માં છોડવી પડી હતી.
સાબરમતી આશ્રમની અંદર થયેલા ભ્રષ્ટાચાર અને જમીનોના ગોટાળા ઉપર તે સમયના ગુજરાતના રાજ્યપાલ કે કે વિશ્વનાથન દ્વારા એક તપાસ પંચ નિમવાની જાહેરાત કરી હતી. રાજભવનમાં આશ્રમના ગોટાળાની ચર્ચા થઈ હતીહરિજન આશ્રમ ગૌશાળાના તપાસ પંચ તરીકે બળવંતસિંહ અને સોમાભાઈ પટેલ રહેશે. આમ રાજ્યપાલે તેની નિયુક્તિ કરી હતી. આ તપાસ પંચમાં રવિશંકર મહારાજનો વિરોધ થયો હતો. સચિવ કક્ષાના એક અધિકારીને વધારાના સભ્ય તરીકે તેમાં નિયુક્ત કરાયા હતા. આ પ્રક્રિયા પૂરી થતાં રાજ્યપાલે ઉપવાસી એવા સોમાભાઈને પારણાં કરાવ્યા હતા.
સોમાભાઈ પટેલનો પત્ર, ભ્રષ્ટાચાર સામે ઉપવાસ
ગાંધીજીના મીઠાના સત્યાગ્રહ વખતે દાંડી યાત્રીઓ હતા તેમાં સોમાભાઈ પટેલ એક હતા. તેઓ ગાંધીના માર્ગે ચાલનારા સાચા સત્યાગ્રહી હતા. 22 નવેમ્બર 1974માં સાબરમતી આશ્રમમાં જ આમરણાંત ઉપવાસ વખતે સોમાભાઈ પટેલે એક પત્ર લખ્યો હતો તે ઘણો ચોંકાવરાનો છે. જે તે સમયે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ તેના કેટલાંક અંશ છાપ્યા હતા. આ બધી બાબતો તપાસ પંચે તપાસવાની હતી.
ગાંધીજીએ લખ્યું છે કે, “સત્યના પૂજારીએ તો ઘણી સાવધાની રાખવી જોઈએ. કોઈના મન ઉપર ખરી ખાતરી વિના વધારેપડતી અસર પાડવી એ પણ સત્યને ઝાંખપ પહોંચાડનારી વસ્તુ છે. મને કહેતાં દુઃખ થાય છે કે, આ વસ્તુ જાણવા છતાં ઉતાવળે વિશ્વાસ મૂકીને કામ લેવાની મારી પ્રકૃતિને હું છેક સુધારી શક્યો નથી. તેમાં હું ગજા ઉપરાંત કામ કરવાના લોભનો દોષ જોઉં છું. એ લોભથી મારે અકળાવું પડયું છે તેના કરતાં મારા સાથીઓને બહુ વધારે અકળાવું પડયું છે.”
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કહેલી આ વાત અમદાવાદના ગાંધી આશ્રમમાં એકદમ સાચી પડી હતી.
સોમાભાઈ પટેલે આમરણાંત ઉપવાસ પર જતાં લખ્યું હતું કે,
“હું ઉપવાસ કરું છું કારણ કે આશ્રમના વહિવટી તંત્રમાં તથા મહાત્મા ગાંધીએ વારસામાં આવેલી બીજી સંસ્થાઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલે છે. એન.ડી.ડી.બી.ને વહીવટ સોંપવાનો મારો વિરોધ છે. આશ્રમ અને ગૌશાળાનું વહિવટી તંત્ર અંતેવાસીઓને ત્રાસ આપે છે. ગાંધીજીના સિધાંત પ્રમાણે આશ્રમ ચાલતો નથી. ગૌશાળાના ટ્રસ્ટીઓએ બંધારણની વિરૂદ્ધ જઈને પ્રવૃત્તિઓ કરે છે.”
પાંચ દિવસના ઉપવાસ પછી ઈશ્વર પટેલે ધમકી આપી
પાંચ દિવસના ઉપવાસ પછી પણ સોમાભાઈની ખબર પૂછવા કે તેમની સાથે ચર્ચા કરવા માટે આશ્રમના એક પણ ટ્રસ્ટી કે સંચાલકો આવ્યા નહીં. વળી આશ્રમના ટ્રસ્ટી શિવાભાઈ રાતના અંધારામાં ફાનસના અજવાળે ચોરી છુપીથી સોમાભાઈની તંદ્રા અવસ્થામાં એક કાગળ પર સહી લેવા માટે આવ્યા હતા. કાગળમાં લખ્યું હતું કે, મારી સાથે આશ્રમના સંચાલકો એક મહિના પછી ચર્ચા કરવા તૈયાર હોવાથી ઉપવાસ છોડું છું. સોમાભાઈના ટેકેદારો દોડી આવ્યા અને કાગળ વાંચ્યો ત્યારે સોમાભાઈને ખબર પડી કે કાગળમાં શું લખ્યું છે.
આ સમયે આશ્રમના એક ખૂણે ઉબેલા ગૌશાળાના મેનેજીંગ ટ્રસ્ટી નવલ શાહ, હરિજન આશ્રમના પ્રમુખ ડાહ્યાભાઈ નાયક, મૂળદાસ વૈશ્ય પાસે શાવાભાઈ તુરંત પહોંચી ગયા. આમ તેઓની હાજરીમાં આવી છેતરપીંડી વાળી સહીઓ લેવાનું નક્કી કર્યું હતું. આજે ગાંધીનગરમાં જે કાવાદાવા થાય છે તેના કરતાં પણ વધારે ખતરનાક કાવાદાવા તે સમયે ગાંધી આશ્રમમાં થતાં હતા તેનો આ પુરાવો છે.
હરિજન સેવક સંઘના મંત્રી ઈશ્વરભાઈ પટેલ કેટલાંક અજાણ્યા છતાં ગુંડાજેવા લાગતાં માણસોને લઈને ઉપવાસીની છાવણી પર ઘુસી આવે છે. તેમણે દાંડીયાત્રી કે જે ભ્રષ્ટાચારના વિરોધમાં ઉપવાસ પર બેઠા હતા તેને ઘમકી આપી. “આ છાપરી બાપરી ઉખાડીને ફેંકી દેવી પડશે, ઉપવાસ કરવા હોય તો ઘેર જઈને કરો.” આ વાત ઈન્ડિયન એક્સપ્રેસ સમાચાર પત્રની ફાઈલમાંથી મળી આવે છે. સારા માણસને ન શોભે એવું કામ તેમણે કર્યું હતું. ઈશ્વર પટેલ જ્યારે ઉત્તર ગુજરાતથી અમદાવાદમાં આવ્યા ત્યારે ફૂટપાથ પર સૂઈ જતાં હતા. ભૂખે ન મરવું પડે આશ્રમમાં સાવરણો લઈને ઝાડુ મારવાનું કામ કરતાં હતા. આ ગુંડાગર્દી સ્ટાઈલથી તેઓ આશ્રમના સંચાલકોમાં પ્રિય થઈ ગયા. ત્યાર બાદ તેની પ્રગતિ દિવસે ન વધે એટલી રાતના વધવા લાગી. તેમણે આશ્રમને કબજે કરવાની શરૂઆત કરી દીધી. પછી તો ગુજરાતભરના સંડાશના કોન્ટ્રાક્ટ તેને મળવા લાગ્યા અને કરોડો રૂપિયા એકઠા કરી લીધા. ગાંધીજીના દાંડીયાત્રીને ધમકી આપ્યા બાદ તેના દિવસો બદલાયા હતા. ઈશ્વર પટેલે ધમકી આપ્યા બાદ ઉપવાસીઓએ પોલીસનું રક્ષણ માંગ્યું હતું. જે અંગે ડાહ્યાભાઈ નાયક અને નટવરલાલ શાહે એક નિવેદન ઈશ્વર પટેલના બચાવમાં જારી કર્યું હતું.
ગોટાળા જાહેર કર્યા
સોમાભાઈ પટેલે ઉપવાસ દરમિયાન લખ્યું હતું કે, “હું ગૌશાળામાંથી નિકળી ગયો ત્યાર બાદ અંબાલાલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તેણે છાત્રાલયના વિદ્યાર્થીનું રૂ.1500નું ખોટું બિલ મૂકીને રકમ લીધી છે. આંબાની કલમોમાં પણ 50 ટકાની ઉચાપત થઈ છે. ખેતીના ટ્રેક્ટરની ખેડના બે ગણાં બિલ મૂકેલા છે. દૂધની અંદર પાણી નાંખીને આશ્રમના સંચાલકો ભેળસેળ કરી પૈસા બનાવી રહ્યાં છે. અમદાવાદના લોકો દૂધ અને ઘી લેવા માટે આશ્રમની ગૌશાળા પર ભારે વિશ્વાસ મૂકે છે જેનો ગેરફાયદો લેવામાં આવી રહ્યો છે. આશ્રમના પ્રખ્યાત પેંડામાં અખાદ્ય પદાર્થોની ભેળસેળ કરવામાં આવે છે. આશ્રમના કન્ઝુમર્સ સ્ટોરમાંથી તો મનફાવે તે રીતે આશ્રમના વ્યવસ્થાપકો દિવાસળીની પેટીથી લઈને ઘીના ડબ્બા પણ ઘરભેગા કરી રહ્યાં છે. નેશનીંગના ચપટી ખાંડ અને ચપટી ચોખા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતાં હતા ત્યારે આશ્રમના સેવકો સેંકડો બોરી ખાંડની ઉચાપત કરેલી છે. જે અંગે કોર્ટમાં કેસ પણ ચાલે છે.”
અનટુ ધિસ લાસ્ટના સિદ્ધાંતોની વિરૂદ્ધ કામ
ગાંધીજીના જીવનને પરિવર્તન કરી નાંખનારું પુસ્તક ‘અનટુ ધિસ લાસ્ટ’ હતું. અહીં તો ગાંધીજી હતા જેમમે લાખો લોકોનું જીવન પરિવર્તન સાબરમતી આશ્રમમાં કર્યા હતા. પણ આશ્રમની એ ચંડાળ ચોકડીએ આશ્રમના તમામ સિદ્ધાંતો નજીકના દૂધેશ્વરના સ્મશાન ગૃહમાં પધરાવી દીધા હતા.
ગાંધીજી લખે છે, “પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો ઇરાદો કર્યો.”
“ એવાં પુસ્તકોમાં જેણે મારી જિંદગીમાં તત્કાળ મહત્ત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો એવું તો આ પુસ્તક જ કહેવાય. તેનો મેં પાછળથી તરજુમો કર્યો, ને તે ‘સર્વોદય’ને નામે છપાયેલું છે.
મારી એવી માન્યતા છે કે જે વસ્તુ મારામાં ઊંડે ભરેલી હતી તેનું સ્પષ્ટ પ્રતિબિંબ મેં રસ્કિનના આ ગ્રંથરત્નમાં જોયું, ને તેથી તેણે મારી ઉપર સામ્રાજ્ય જમાવ્યું ને તેમાંના વિચારોનો અમલ મારી પાસે કરાવ્યો. આપણામાં જે સારી ભાવનાઓ સૂતેલી હોય તેને જાગ્રત કરવાની શક્તિ જે ધરાવે તે કવિ છે. બધા કવિની બધા ઉપર સરખી અસર થતી નથી, કેમ કે બધામાં બધી સારી ભાવનાઓ એકસરખા પ્રમાણમાં હોતી નથી.
‘સર્વોદય’ના સિદ્ધાંતો હું આમ સમજ્યોઃ
- બધાના ભલામાં આપણું ભલું રહેલું છે.
- વકીલ તેમ જ વાળંદ બન્નેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એકસરખો છે.
- સાદું મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.
પહેલી વસ્તુ હું જાણતો હતો. બીજી હું ઝાંખી જોતો હતો. ત્રીજીનો મેં વિચાર જ નહોતો કર્યો. પહેલીમાં બીજી બન્ને સમાયેલી છે. એ મને ‘સર્વોદયે’ દીવા જેવું દેખાડયું. સવાર થયું ને હું તેનો અમલ કરવાના પ્રયત્નમાં પડયો.”
ગાંધીજીનું જીવન આ એક પુસ્તકે બદલી નાંખ્યું હતું. પણ ગાંધી આશ્રમમાં અનેકના જીવન ગાંધીવાદીઓએ બરબાદ કરી નાંખ્યા હતા. જેમાં એક સોમાભાઈ પટેલ છે. તેઓ ગાંધી આશ્રમમાં ચાલતા અસત્યના પ્રયોગો જોઈને રહી શક્યા ન હતા. તેમણે ભ્રષ્ટાચાર સામે ઉપવાસ શરૂ કર્યા હતા. તો તેમને ગુંડા અને મવાલી જેવા કહેવાતાં ભ્રષ્ટ ગાંધીયન લોકોએ પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. અનટુ ઘ લાસ્ટના સિદ્ધાંતો ગાંધીજીએ અપનાવી આશ્રમ સ્થાપ્યો પણ એ જ સિદ્ધાંતોને ગાંધીજીની અનુગામીઓએ સાબરમતી નદીમાં પધરાવી દીધા હતા.
આખરે રાજ્યપાલે તેમના ઉપવાસનો અંત આવે તે માટે તપાસ પંચ નિયુક્ત કરવા માટે મંત્રણા કરવા આમંત્રણ આપ્યું હતું.