અનામતમાં આદિવાસી રાઠવાને કોળી બનાવી દેવાતાં વિવાદ

આદિવાસી રાઠવા જાતિના દાખલા મુદ્દે લાંબા સમયથી ગુજરાત ભરમાં વિવાદ ચાલી રહ્યો છે. રાઠવા જાતિના આદિવાસીઓમાં છોટાઉદેપુર જિલ્લાના મૂળ રહેવાસી છે. રેવન્યુ રેકોર્ડમાં રાઠવાઓના બદલે કોળી લખાયેલું છે. આવો મોટો વર્ગ છે. કોળી લખેલું હોવાથી આદિવાસી નથી એવું સરકારી અધિકારીઓ માની લે છે. રાઠવા કોળી પર સવાલ ઉઠાવવામાં આવે છે. થોડા સમય પહેલા ગુજરાતમાં ડી.વાય.એસ.પી તરીકે બે રાઠવા ઉમેદવારોની પસંદગી થઈ હતી. તેમના સહિત ત્રણ રાઠવા ઉમેદવારોના અનુસૂચિત જન જાતિના દાખલાને અમાન્ય ગણાવવામાં આવ્યા હતા. જેને લઈ વિસ્તારમાં રાઠવા આદિવાસીમાં ભારે વિરોધ સાથે આંદોલનો થયા હતા. પરંતુ અનુસૂચિત જન જાતિના દાખલાના પ્રશ્નનો કોઈ ઉકેલ ના આવતા ચૂંટાયેલા નેતાઓને આવેદનપત્ર આપવામાં આવી રહ્યાં છે.

સમસ્ત આદિવાસી એકતા મહાસંઘ, મધ્યગુજરાતના આગેવાનોએ મુખ્યમંત્રીને સંબોધી આવેદન પત્ર લખી સાંસદો અને ધારાસભ્યોને પાઠવ્યાં છે અને 15 ઓક્ટોબર સુધી પ્રશ્ન નો કાયમી હલ કરવા રજૂઆત કરી છે, જો એમ નહીં થાય તો આવનારી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવા તેમજ સરકારની તમામ સુવિધાનો ત્યાગ કરી ફરીથી આદિવાસી જીવન જીવવાની ચીમકી ઉચ્ચારી છે. સમસ્ત આદિવાસી એકતા મહાસંઘ ના આગેવાનોએ છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ અને ભાજપના સાંસદો તેમજ ધારાસભ્યોને રાઠવા અને કોળી જાતિના દાખલા મુદ્દે કાયમી ધોરણે વિસંગતતા દૂર કરવા માટે આવેદન પત્ર પાઠવ્યું છે.