અમદાવાદ, 20 જાન્યુઆરી 2020
હાર્દિક સામે 17 જેટલા ગુના રાજ્યની ભાજપ સરકારે નોંધાયેલા છે. હાર્દિકે અગાઉ કહ્યું હતું કે, મારો ગુનો ફક્ત એટલો જ છે કે હું ભાજપ સામે ઝૂક્યો નહીં. આ સત્તા સામે લડવાનું પરિણામ છે.
રાજદ્રોહના ચકચારભર્યા કેસમાં કોર્ટમાં ગેરહાજર રહેતા કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ સામે એડિશનલ સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ બિનજામીનપાત્ર પકડ વોરંટ કાઢ્યું હતું. જેને પગલે સાઇબર ક્રાઈમે વિરમગામ પાસેથી હાર્દિકની ધરપકડ કરી હતી.
રવિવારે જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવતાં કોર્ટે હાર્દિક પટેલને ૨૪મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કર્યો છે. બીજીબાજુ, આ સમગ્ર મામલે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટિ્વટ કરી ભાજપ પર નિશાન સાધતાં જણાવ્યું હતુ કે, ભાજપ યુવાઓના રોજગાર અને ખેડૂતોના હકની લડાઈ લડનારા યુવા હાર્દિક પટેલને વારંવાર પરેશાન કરી રહ્યો છે.
હાર્દિકે અવાજ ઉઠાવ્યો અને તેના માટે નોકરીઓ માંગી, છાત્રવૃત્તિ માંગી અને ખેડૂત આંદોલન કર્યું. ભાજપ તેને દેશદ્રોહ કહી રહ્યો છે. પ્રિયંકાએ ભાજપના આ પ્રકારના વર્તનની ભારોભાર ટીકા કરી હતી.
વર્ષ ૨૦૧૬માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના કન્વીનર હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. આ કેસની કાનૂની કાર્યવાહી સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે.