અન્નપૂર્ણા યોજના બંધ થવાની તૈયારીમાં

ગુજરાતમાં ગયા વર્ષથી શરૂ કરાયેલી ‘અન્નપૂર્ણા યોજના’માં લાભાર્થીઓની સંખ્યા મોટા પ્રમાણમાં ઘટી ગઇ છે. રાજ્યમાં ‘અન્નપૂર્ણા યોજના ના ૧૧૯ જેટલા કેન્દ્રો ઉપર રોજ એક સમયે ૨૨ થી ૨૪ હજાર શ્રમિકો બપોરના ભાણાંનો લાભ લેતા હતા, તે સંખ્યા અત્યારે ઘટીને માંડ ૨,૩૦૦ ઉપર પહોંચી ગઇ છે. જો કે બચાવ એવો થઇ રહ્યો છે કે, દિવાળી પર્વ ઉપર બાંધકામ મજૂરો તેમના વતનમાં જતાં હોઇ લાભાર્થીઓની સંખ્યા અત્યારે ઘટી છે.

સૂત્રો એવું પણ કહે છે કે, શ્રમિકોને અપાયેલા ઓળખકાર્ડ યાને ‘લાલ ચોપડી’ના નિયમો જડ બનાવી દેવાતાં, પણ લાભાર્થીઓ ઘટી ગયા છે, જેમ કે અગાઉ ‘લાલ ચોપડી’માં કુટુંબમાં જેટલા સભ્યો હોય તેમના માટે એક જ વ્યક્તિ ટિફિન લઇ જઇ શકતી હતી, પણ હવે જેમને જમવાનું જોઇતું હોય તેમને કેન્દ્ર સુધી આવવાનું ફરજિયાત બનાવી દેવાયું છે.

અન્નપૂર્ણા કેન્દ્રો ખાતે રોજગારી ઘટી

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ મારફત ચલાવાતી અન્નપૂર્ણા યોજનાના દરેક કેન્દ્ર ઉપર કોન્ટ્રાક્ટ ધરાવનારી એજન્સી તરફથી અત્યાર સુધી ૨ કૂપન ઓપરેટર, ૨ પીરસવાવાળા અને ૧ ચોકીદાર રખાતા હતા. આમાંથી કૂપન ઓપરેટર ૨ પૈકી ૧ ને દિવાળી પહેલાં છૂટા કરી દેવાયા છે, જ્યારે પહેલી ડિસેમ્બરથી ૨ પૈકી ૧ પીરસવાવાળાની પણ છટણી થવાની છે. આને લઇને શ્રમ અને રોજગાર વિભાગમાં એવી મજાક થઈ રહી છે કે, રોજગાર આપવાને બદલે વિભાગ જ માણસોને છૂટા કરી રહ્યો છે.