ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા બિન અનામત જ્ઞાતિઓના વિદ્યાર્થીઓ અને ધંધો-રોજગાર કરવા માગતા લોકો માટે વિવિધ યોજનાઓ લોન અને સહાય સાથે જાહેર કરાઇ છે. જેમાં હાલ જે રીતે વિદેશ જવા માટે વિદ્યાર્થીઓને ઘેલુ છે તે જોતા સૌથી વધુ ૧૫ લાખ રૂપિયાની લોન ધોરણ ૧૨ પછી વિદેશમાં અભ્યાસ કરવા માટે જવું હોય તો આપવાની મહત્વની જાહેરાત કરાઇ છે. તે માટે વાર્ષિક આવક મર્યાદા પણ ૪.૫૦ લાખ રૂપિયા સુધીની રખાઇ છે. સવર્ણ કે બિન અનામત વિદ્યાર્થી અને તેમના કુટુંબને સેલ્ફ ફાયનાન્સ ઉચ્ચ અભ્યાસ ક્રમનો પણ મોટો આર્થિક બોજો પડતો હોય છે તેને ધ્યાનમાં રાખીને મેડીકલ-ઇજનેરી વિગેરેમાં ૧૦ લાખ સુધીની ટ્યુશન ફી ની લોન ૪ ટકાના સાદા વ્યાજ દરે આપવાની પણ જાહેરાત કરાઇ છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે યોજનાઓ વિશે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, શૈક્ષણિક યોજનાઓની પાત્રતા અને ધિરાણના માપદંડ નક્કી કરાયા છે. જેમાં પાંચ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પૂર્ણ કર્યાના એક વર્ષ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તા ભરવાના રહેશે. જ્યારે નાના વ્યવસાય લોન મેળવ્યાના ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા હપ્તામાં લોનની વસૂલાત કરવાની રહેશે.
તેમણે જણાવ્યું હતું કે, શૈક્ષણિક અને સ્વરોજગારલક્ષી યોજનામાં લોનની કુલ રકમ ૭.૫૦ લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીન ખત રજૂ કરવાનું રહેશે. તે સાથે ૭.૫૦ લાખથી વધુ હોય તો તેટલી રકમની પોતાની કે સગા-સંબંધીની સ્થાવર મિલકત નિગમની તરફેણમાં ગીરો કરવી પડશે. જે લોન ભરપાઇ થશે તેના નાણા પહેલા વ્યાજ પેટે જમા ગણાશે તેમજ અગાઉથી પણ પરત ચૂકવણી થઇ શકશે.
સ્વરોજગારલક્ષી જે યોજનાઓ છે તેમાં વાહન મળ્યું હોય તો તે નિગમને ગીરો મૂકવું પડશે. નાના વ્યવસાય માટે લોન લીધી હશે તેણે ૩ માસમાં તે શરૂ કરીને ૩ માસ પછી પાંચ વર્ષમાં માસિક સરખા હપ્તામાં લોન પરત આપવી પડશે.