મુંબઈ,તા:૧૭
મંગળવાર શેરબજાર માટે અમંગળ પુરવાર થયો હતો. સ્થાનિક શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. જેથી બજારમાં આ વર્ષનો સુધારો ધોવાયો હતો. ક્રૂડ ઉપરાંત રૂપિયામાં ધોવાણ થતાં શેરોમાં વેચવાલીનું ઘોડાપૂર આવ્યું હતું. વૈશ્વિક બજારો સિવાય સ્થાનિક શેરબજાર પર પણ ક્રૂડનું સેન્ટિમેન્ટ હાવી રહ્યું હતું. ક્રૂડની કિંમતોમાં તેજીની શેરબજારો પર પ્રતિકૂળ અસર થઈ હતી. જેથી સેન્સેક્સ 642 પોઇન્ટ તૂટીને 36,481.09ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ 186 પોઇન્ટ તૂટીને 10,817.60ના સ્તરે બંધ રહ્યો હતો. ક્રૂડ ઓઇલની તેજીને લીધે સતત બીજા દિવસે શેરોમાં વેચવાલી થઈ હતી. ટ્રેડિંગ સેશન દરમ્યાન બેન્ક, ઓટો, રિયલ્ટી અને આઇટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી અઢી ટકા તૂટીને 723 પોઇન્ટ તૂટ્યો હતો.
સ્થાનિક બજારમાં સેન્સેક્સની તુલનાએ બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ પ્રમાણમાં વધુ તૂટ્યો હતો. ઓટો ઇન્ડેક્સમાં પાંચ સપ્તાહનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો, જ્યારે રિયલ્ટી ઇન્ડેક્સમાં પણ ચાર સપ્તાહનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. આ સાથે મિડકેપ ઇન્ડેક્સમાં પણ 313 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. બીએસઈના બધા ઇન્ડેક્સમાં મંદી થઈ હતી. આ સાથે 16મી સપ્ટેમ્બરે વિદેશી રોકાણકારોએ શેરોમાં 751 કરોડની વેચવાલી કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાઓએ 308 કરોડની લેવાલી કરી હતી.
મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 28 શેરોમાં મંદી થઈ હતી અને એનએસઈના નિફ્ટી50 ઇન્ડેક્સમાં 50માંથી 44 શેરોમાં મંદી થઈ હતી. મુંબઈ શેરબજારમાં 1702 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે 890 શેરો સુધરીને બંધ રહ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 1,548 શેરો ઘટીને રહ્યા હતા, જ્યારે 595 શેરો વધીને બંધ રહ્યા હતા. જ્યારે બેન્ક નિફ્ટીના 12એ 12 શેરો ઘટીને સાથે બંધ થયા હતા.
બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ અઢી ટકા કરતાં વધુ ઘટાડો
સરકારી બેન્ક અને ખાનગી બેન્ક શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેથી બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 723 પોઇન્ટ તૂટ્યો હતો. બેન્ક નિફ્ટીના 12એ 12 શેરો મંદીમય હતા. જેથી એક્સિસ બેન્ક 4.68 ટકા, એસબીઆઇ 3.71 ટકા, બેન્ક ઓફ બરોડા 3.84 ટકા, પીએનબી 3.49 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 2.89 ટકા અને એચડીએફસી બેન્ક 1.08 ટકા તૂટ્યા હતા.
ઓટો અને રિયલ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકા કરતાં વધુ તૂટ્યા
ઓટો ઇન્ડેક્સ પાંચ સપ્તાહનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો, જ્યારે રિયલ્ટી ઇન્ડેક્સમાં ચાર સપ્તાહનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. જેથી ઓટો ઇન્ડેક્સ 3.83 ટકા તૂટીને 7,020.75ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે રિયલ્ટી ઇન્ડેક્સ 3.73 ટકા તૂટીને 255.65ના મથાળે બંધ રહ્યો હતો. આ સાથે પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 3.67, મેટલ ઇન્ડેક્સ 2.65 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 2.53 ટકા અને નિફ્ટી મિડિયા ઇન્ડેક્સ અને નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 1.70 ટકા તૂટ્યા હતા.
ક્રૂડ ઓઇલમાં બીજા દિવસે તેજી
ક્રૂડ ઓઇલમાં આજે પણ પ્રારંભમાં તેજી રહી હતી. જેથી બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 69 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યું હતું. આ સાથે નાયમેક્સ ક્રૂડ ઓઇલ પણ 61 ડોલર પહોંચ્યું હતું. જોકે ઊંચા મથાળે ક્રૂડ ઓઇલમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. જોકે ક્રૂડ ઓઇલમાં તેજીને પગલે શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ઓઇલ અને ગેસ શેરોમાં પણ ભારે વેચવા જોવા મળી હતી.
એમએમટીસી અને એસટીસીમાં ઘટાડો
એમએમટીસી અને એસટીસીન શેરોમાં 16 ટકાનો ઘટાડો નોંધાયો હતો. મિડિયા અહેવાલો અનુસાર સરકાર રાજ્યની માલિકીની ટ્રેડિંગ કંપનીઓ બંધ કરવાની તૈયારી કરી રહી છે. જેના પછી રોકાણકારોએ સેન્ટિમેન્ટ ખરાબ થયું હતું. જેથી રોકાણકારોએ આ શેરોમાં ભારે વેચવાલી કરી હતી. વેપાર અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે આ પીએસયુ માટે ક્લોઝર અથવા મર્જરનો વિકલ્પો ખુલ્લા છે.
દેશમાં અધૂરા પડેલા ઘરોને પૂરા કરવા રૂ. 90,000 કરોડની જરૂર
દેશભરમાં વિવિધ કારણોસર ફસાયેલા 7.4 લાખ મકાનોને બાંધવા માટે આશરે રૂ. 90,000 કરોડની જરૂર છે,એમ એક રિયલ્ટી કંપનીએ જણાવ્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને પાછલા સપ્તાહે અફોર્ડેબલ અને મધ્યમ આવકની શ્રેણીમાં નિર્માણ માટે ફંડ બનાવવાની જાહેરાત કરી હતી. હાઉસિંગ ક્ષેત્ર માટે સરકારે આ માટે આશરે રૂ. 10,000 કરોડ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે ભવિષ્યમાં પણ પગલાં લેવાની જાહેરાત કરી હતી.
મંદીના પૂરમાં પ્રાઇમરી માર્કેટ તણાયું
શેરબજાર પર અનેક પ્રતિકૂળ પરિબળોને કારણે સેન્ટિમેન્ટ એટલું ખરાબ થઈ ગયું છે કે ચાર વર્ષ પછી સપ્ટેમ્બરમાં એક પણ કંપનીનો ઇશ્યુ આવ્યો
નથી. હવે શ્રાદ્ધપક્ષ શરૂ થઈ ગયો હોવાથી આઈપીઓ આવવાની કોઈ ધારણ જોવામાં આવતી નથી. બીજી તરફ એસએમઈ પ્લેટફોર્મ પર પણ જ્યારથી સક્રિયતા વધી છે ત્યારથી એટલે કે 2012 પછી સપ્ટેમ્બરમાં એક પણ આઇપીઓ આવ્યો નથી.
બજેટ પછી શેરબજારની ચાલ ખરડાઈ જવાની સાથે સેન્ટિમેન્ટ પર એકદમ કથળી ગયું છે. મંદીના પૂરમાં પ્રાઇમરી માર્કેટ પણ તણાઈ ગયું હોવાની સ્થિતિ સર્જાઈ છે. દેશનો આર્થિક ગ્રોથ ધીમો થવાની સાથે કંપનીઓએ પણ ભાવિ મૂડીખર્ચ યોજના ઉપર બ્રેક મારી દીધી હોવાનું આઇપીઓ માર્કેટમાં આવેલી મંદી પુરવાર કરે છે.
આમ તો કેલેન્ડર વર્ષ 2019ના પ્રારંભથી IPO માર્કેટ પર ગ્રહણ ઊતરી આવ્યું હોવાનું વાતાવરણ છે. માત્ર સપ્ટેમ્બર જ નહીં ફેબ્રુઆરી અને મે મહિના પણ આઇપીઓ માર્કેટ માટે ડ્રાય રહ્યા હતા. કેલેન્ડર વર્ષની શરૂઆતથી અત્યાર સુધી મેઇન પ્લેટફોર્મ પર માત્ર 10 જ આઇપીઓ આવ્યા છે, જેના દ્વારા રૂ.10,324 કરોડ જ ઊભા થયા છે. છેલ્લાં ચાર વર્ષની આ સૌથી નબળી સ્થિતિ છે.