અમદાવાદના યોગ ગુરૂ અધ્યાત્માનંદ યોગ વિશે શું કહે છે ?

દિવ્ય જીવન સાંસ્કૃતિક સંઘના સ્વામી અધ્યાત્માનંદજીએ જણાવ્યું કે મહર્ષિ પતંજલિએ કહ્યું છે કે જો યોગનો નિરંતર અભ્યાસ કરવામાં આવે તો આપણામાં રહેલી તમસ પ્રકૃતિનો નાશ થશે અને રજસ પ્રકૃતિ સત્વમાં પરિવર્તિત થશે, તો આપણા વ્યક્તિગત જીવનમાં, સામજિક જીવનમાં કંઈક વિશિષ્ટ ક્ષમતા સંપન્ન કાર્ય કરી શકીએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થને સિદ્ધ કરવા માટે શરીરનું સ્વસ્થ્ય અત્યંત આવશ્યક છે અને તેના માટે નિરંતર યોગનો અભ્યાસ જરૂરી છે.

સવાલ –સ્વામીજી, સમાજમાં જ્યારે યોગનો આટલો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે ત્યારે પણ સમાજમાં એક વર્ગ એવો છે કે જેને યોગને અપનાવવાનીહજીવાર છે કે તે પોતે પોતાના કાર્યમાં ડૂબેલો છે તેના માટે આપ શું કહેશો ?
જવાબ– સમન્વય યોગ છે યોગ ઑફ સિન્થેસીસ એમાં કર્મ છે, એમાં ભક્તિ છે, એમાં જ્ઞાન છે, એ પોતે કર્મઠ છે કર્મના વિવિધ પ્રકારોમાં શરીરના અંદર જે તંત્ર છે, આપણું શ્વસન તંત્ર, રૂધિરાભિસરણ તંત્ર, પાચન તંત્ર, ઉત્સર્ગ તંત્ર, અસ્થિ તંત્ર અને છેલ્લું જે છે સંવેદન તંત્ર, આ બધાનું નિયંત્રણ થાય છે અને તમે એક નવી ચેતના લાવો છો. આ એમનો કર્મ યોગ છે, એમનું પૂરેપુરું સમર્પણ છે તે રાષ્ટ્ર પ્રત્યે છે, એટલે જ્યારે માણસકર્મકરે છેત્યારે કર્તાપણાનો ક્ષય થાય તો એ કર્મ કર્મયોગ બને છે અને તે ક્યારે બને ? જ્યારે તમારી ભક્તિ હોય ત્યારે.આ લક્ષ્ય ઘણું મોટુ છે, એટલે યોગને આપણે સંકુચિત કરીને કુંડાળામાં એ શીર્ષાસન, સર્વાંગાસન સુધી બાંધવો ન જોઈએ.
પ્રમાદ કરશો નહીં, આળસ કર્યા વગર તમે યોગાભ્યાસ કરશો તો સૌથી પહેલું તમારે વહેલા ઊઠવાની ટેવ પાડવી પડશે. એવું નથી કે દિવસમાં યોગાભ્યાસ ન કરી શકાય, ગમે ત્યારે કરી શકાય, ભોજન કર્યા બાદ ત્રણ કલાક પછી કરી જ શકાય. બપોરે કરી શકાય, સાંજે પણ કરી શકાય, પરંતુ સવારે સૂર્યોદયના સમયે કે એના પૂર્વે આપણે કરીએ છીએ ત્યારે સૂર્યની ઊર્જા આપણને મળે છે, સૌથી પહેલા જ્યારે જો આપણે વહેલા ઉઠીશું તો શું થશે વહેલા સુઈ જવાની ટેવ પાડવી પડશે. વહેલા ઉઠે તે વીર, બળ બુદ્ધિ વિદ્યા વધે સુખમાં રહે શરીર. આજે ચારે બાજુ જીમ ખુલવા લાગ્યા છે. હેલ્થ ક્લબો ખૂલવા લાગ્યા છે, આ બધુ છે એ મસલ્સ સુધી સિમિત રહે છે, પરંતુ જ્યારે તમે યોગાભ્યાસ કરો છો એ આપણી તમામ સિસ્ટમ છે એમાં સૌથી પહેલા તો આપણી ભૂખ ઉઘાડે છે, પાચન ક્રિયા ખૂબ સારી કરે છે, ઉંઘ સારી આવે છે,  મનની અંદરથી ઉદ્વેગનો નાશ થાય છે, મન હંમેશા શાંત રહે છે, હવે આટલું છે એ તો કોઈ બજારમાંથી મળતું નથી.

તમારી આજુબાજુના વિસ્તારની અંદર અત્યારે તો ઠેર ઠેર યોગાના વર્ગો છે કે બગીચાઓમાં બધે ચાલવા લાગ્યા છે, જાઓ યોગ વર્ગમાં, કશું ન કરો તો સૂર્યનમસ્કાર શીખો, હડબડિયું ન કરશો, ઉલ્કાપાત થાય તેમ નકરો, શાંતિથી કરો અને 12 સૂર્યનમસ્કાર કરો, શાંતિથી બેસીને ઉંડા શ્વાસ લો અને થોડીવાર માટે સુખાસન, પદ્માસન, સિદ્ધાસન, વજ્રાસન, સ્વસ્તિકાસન, કાંઈ નહીં તો સાદી પલાંઠી વાળીને માથું અને ગળાને સીધા રાખીને ધીરે-ધીરે ઉંડા શ્વાસ લો, તમારી અંદર એક નવી ઊર્જા ઉત્પન્ન થશે. મિત્રો તમારું પોતાનું જીવન એ વ્યક્તિગત જીવન નથી એ પારિવારીક જીવન છે, એ સામાજિક જીવન છે, એ રાષ્ટ્રનું જીવન છે. આપણો પ્રત્યેક વિચાર એ રાષ્ટ્રીય ઉત્કર્ષ અને અભિગમનો વિચાર બની શકે છે, મારું અસ્તિત્વ હું નથી, હું જ્યારે ઉભો રહું છું, ત્યારે હું કહું છું હું ભારત છું, આવું થઈ શકે છે.

હું ટૂંક સમયમાં જ તાઈવાન જવાનો છું અને આપણા અહિં શિવાનંદ આશ્રમમાં અમે દર વર્ષે 20 દિવસની યોગ શિક્ષક તાલીમ શિબિર ચલાવીએ છીએ, જેમાં 220 કલાક ભણાવીએ છીએ. તેમાં માત્ર યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, ક્રિયા, મુદ્રા, બંધ એવું નથી પરંતુ એના ઉપરાંત અમે ભગવદ્ ગીતાના અઢાર અધ્યાય ઉપરાંત પસંદગી કરેલા પાતંજલ યોગ સૂત્રો અને આપણી હોસ્પિટલોમાંથી અને મેડિકલ કોલેજોમાંથી એનોટોમી, ફિઝીયોલોજી, ગાયનોકોલોજી, ઓર્થોપેડિક અને તેના ઉપરાંત ડાયેટિશિયન અને આયુર્વેદ, રેઈકી પ્રથમ અને દ્વિતીય, યોગ સાયકોલોજી અને ફિલોસોફી આ બધું અમે શીખવીએ છીએ અને એની પરીક્ષા લઈને ગુજરાત યુનિવર્સિટીને માન્ય પ્રમાણપત્ર પણ આપીએ છીએ. મે મહિનામાં અને ડિસેમ્બર મહિનામાં, મે મહિનામાં ગુજરાતીમાં કરીએ છીએ અને ડિસેમ્બર મહિનામાં અંગ્રેજીમાં કરીએ છીએ.

તાઈવાનની અંદર અમારી પાસે એટલે કે અહિંથી શિવાનંદ આશ્રમથી શીખીને ગયેલા 300થી વધુ યોગ શિક્ષકો છે અને શિવાનંદ યોગ સ્ટુડિયોના તો 2000થી વધારે શિષ્યો છે, વિશ્વમાં સર્વત્ર અત્યારે આજે જે થઈ રહ્યું છે એની અંદર મને લાગે છે કે આ માધ્યમથી આપણે ત્યાં આયુષ નામનું મંત્રાલય છે તે આ યોગ બાબતમાં જાગૃતિ સેવી આપણે ત્યાંના જે યોગ શિક્ષકો છે તેનું કેન્દ્રીયકરણ કરવું જોઈએ. મને લાગે છે કે આયુષ મંત્રાલય આ બાબતમાં જાગૃત થઈ અને જે ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, સૌજન્ય, શીલ, લજ્જા, મર્યાદા એની યોગમાટે એક દિવાલ ઉભી કરે તો અત્યારે જે ગોટ યોગા, હોટ યોગા, ડ઼ોગ યોગા અને હવે થયું છે વાઈન્ડ યોગા. યોગ એ પ્રકૃતિ છે, વિકૃતિ નથી, આ એક ગંભીર વાત છે, જે જાણવી જોઈએ.

યોગનું શિક્ષણ પદ્ધતિસરનું લેવામાં, શીખવામાં અને એનો નિયમિત અભ્યાસ કરવામાં આવે એમાં કોઈ દોષ નથી અને થોડુંક પણ નિયમથી કરશો તો મહાન ભયથી તમારું રક્ષણ થઈ શકશે. સાધારણ રીતે કમરના દુઃખાવા, ઢીંચણના દુઃખાવા, સર્વાઈકલ સ્પૉંડિલૉસિસ, ગેસ, ઉધરસ, ખાંસી, અસ્થમા, બ્લડ પ્રેશર આ બધાનું યોગથી નિરાકરણ થઈ શકે છે.

આરોગ્ય
આળસ છોડો, પોતાના જીવનને સમજવું પડશે, ઘણું જાણવું પડશે કે હું માણસ છું, આપણે શાકાહારી થઈએ. શાકાહારી ભોજન જે છે તે વધુમાં વધું છ કલાકમાં પચી જાય છે, અને આપણે દિવસમાં ત્રણ વખત ભૂખ લાગવી જ જોઈએ અને ખાવું જ જોઈએ, જ્યારે માંસાહાર છે તેને પચતા 24 કલાક થાય છે, પણ જ્યારે મેંદો અને મેંદાની બનાવટની બધી વસ્તુ ખાઈએ છીએ, બહારના બધા પીણા પીએ છીએ, તો મેંદોની વસ્તુ પેટમાં પડ્યા પછી આ બધા પરદેશી પીણાઓ પીધા પછી એ ખોરાક 24 કલાક પછી તો પચવાનો ચાલુ થાય છે. એટલે એ બધા સંયમ સાથે યોગ કરીએ તો આપણે સારૂ જીવન જીવી શકીએ.

યુવાનો

યોગમય જીવનશૈલી માટે હું મારા યુવાનોને એમ જ કહીશ કે તમે યુવાન થઈ ને રહો, કારણ કે આપણું શરીર જે છે તેને માયકાંગલુ ન બનાવીએ, જો આપણે સીધા ઉભા જ રહી નહીં શકીએ તો શું કરીશું. થોડું ચાલવાનો પ્રયત્ન કરો, સૂર્યોદય થાય તે પહેલા ઉઠવાનો પ્રયત્ન કરો, તમારા જીવનનું લક્ષ્ય નક્કી કરો, પાયો નક્કી કરો, તમે શું કરવા માંગો છો, તમારા જીવનના પાયાને પાકો કરો, બહારની ખાણીપીણી, નશો, પાન-મસાલા-ગુટખા, મોડી રાત સુધી કોમ્પ્યુટરનો ઉપયોગ ટાળો, મોબાઈલ પર અર્થ વગરનો વાર્તાલાપ તમારા જીવનને એવી દિશામાં લઈ જાય છે જ્યાં તમારું જીવન અંધકારમય બની જશે. મિત્રો કૃપા કરીને તમે તમારા મિત્રો બનો, તમારી દરેક સમસ્યાનું
સમાધાન તમારી અંદર જ છે, You are the problem, you are the solution.