અમદાવાદની મેટ્રો ટ્રેનના 3 કોચ મુન્દ્રા પહોંચ્યા

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. લોકો કાગડોળે મેટ્રો ટ્રેન દોડવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે નજીકના જ દિવસોમાં મેટ્રોની ફર્સ્ટ ટ્રાયલ શરૂ થશે. ત્યારે મેટ્રોના ત્રણ કોચ પહેલી જાન્યુઆરી સુધીમાં અમદાવાદ આવી પહોંચશે.
મેટ્રો ટ્રેનને લઈને અમદાવાદીઓમાં ખુબ જ આતુરતા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મેટ્રોની પ્રથમ ટ્રાયલ થોડા જ દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. મેટ્રો ટ્રેનના ત્રણ કોચ દક્ષિણ કોરિયાના હુન્ડાઇ રોટેમ પોર્ટથી મુન્દ્રા પોર્ટ મોકલવા રવાના કરાયા હતા. જે મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યા છે. અને પહેલી જાન્યુઆરી સુધીમાં અમદાવાદ પહોંચી જશે. આ કોચ દક્ષિણ કોરિયાથી શિપ મારફતે ગુજરાતમાં મોકલાવવામાં આવ્યા હતા.
મુન્દ્રા પોર્ટ પરથી આ ત્રણેય કોચને અમદાવાદ ખાતે લાવવામાં આવશે. 15 જાન્યુઆરીની આસપાસ મેટ્રો ટ્રેન ટ્રાયલ બેઝીઝ પર વસ્ત્રાલથી એપેરલ પાર્ક વચ્ચે દોડાવવામાં આવશે. સૂત્રો દ્વારા મળેલ જાણકારી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી મહિનામાં આ ટ્રેનનું ઉદ્ઘાટન કરવા માટે અમદાવાદ આવશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ મેટ્રો ટ્રેનના એક કોચને રિવરફ્રન્ટ ખાતે લોકોના પ્રદર્શનમાં મુકવામાં આવ્યો છે.