અમદાવાદમાં આશ્રમ સ્થાપવાનું મુખ્ય કારણ રેંટિયો હતું

સાબરમતી આશ્રમના સંચાલક અમૃત મોદીએ મગન નિવાસમાં દેશભરના રેંટિયાઓનું કાયમી પ્રદર્શન શરૂ કર્યું છે. આ પ્રદર્શન યથાયોગ્ય એટલા માટે છે કે આશ્રમનું મહત્વનું યોગદાન ખાદી વખવી અને તે માટે રેંટિયો તૈયાર કરવા સંશોધન કરવું હતું. તે માટે મગનલાલ ગાંધીએ જ બધું કામ કર્યું હતું. ગાંધીજી તો આશ્રમની બહાર જ રહેતાં હતા. સત્યાગ્રહ આશ્રમ સ્થપાયા પછી રેંટિયાનું જ મહત્વનું કામ થયું હતું. દાદાભાઈ નવરોજીએ ભારતની ગરીબી અંગે પ્રથમ અભ્યાસ કર્યો હતો. ગાંધીજીએ તપાસ કરી તો ગરીબીનું મહત્વનું કારણ વિદેશને કાપડ પાછળ ચૂકવવા પડતાં નાણાં હતાં. વિલાયતી કાપડ પેટે ભારતે માંચેસ્ટરને વર્ષે 8 કરોડ રૂપિયા ચૂકવવા પડતાં હતા. ખાંડ ભારતમાં બનાવવાના બદલે મોરેશિયસથી આવતી હતી. દીવાસળી અને સ્ટવ સ્વિડનથી આવતાં હતા. આવી અનેક વસ્તુઓ વિદેશથી આવતી હતી. તે સમયે વર્ષે રૂ.200 કરોડની આયાત 1918માં એટલે કે એકસો વર્ષ પહેલાં કરવી પડતી હતી. તેથી ગાંધીજીએ તેમાં કાપડને મહત્વનું ગણીને તે ભારતમાં જ બને એવું નક્કી કરીને રેંટિયાથી ઘરેઘરે કાપડ બને તે માટે આયોજન તૈયાર કર્યું હતું. તે સમયે કાપડ કાંતવામાં આવતું હતું જેમાં મહિલઓને બે આના મજૂરી મળતી હતી જે ખરેખર 8 આના મળવા જોઈતા હતા. વિનોબા ભાવે પાસે ગાંધીજીએ મજૂરી કેટલી હોવી જોઈએ તે નક્કી કરવા અભ્યાસ કરવા આશ્રમમાં બોલાવ્યા અને તેનું મહેનતાણું નક્કી કર્યું હતું. પછી 8 આના દિવસની મજૂરી નક્કી થઈ હતી. આમ દેશના અર્થતંત્ર માટે આશ્રમનું આ મહત્વનું યોગદાન રહ્યું હતું.

રેંટિયાને રાજકીય શસ્ત્ર બનાવ્યું

સમગ્ર ભારતમાં ખાદી વખતાં શિખવાનું કેન્દ્ર સાબરમતી આશ્રમમાં બનાવવામાં આવ્યું હતું. જ્યા અખિલ ભારત ચરખા મંડળ અને સંઘ બનાવીને ભારતના દરેક પ્રાંતમાંથી ઓછમાં ઓછા બે ઉમેદવારો ખાદી શિખવા માટે એક વર્ષ માટે સાબરમતી આશ્રમમાં બોલાવવામાં આવતાં હતા. આમ સતત ત્રણ વર્ષ સુધી આ રીતે ખાદી શિખવા માટે આશ્રમમાં ઉમેદવારો આવ્યા હતા. તેમનામાં દેશ સેવાની તમન્ના હતી. ગાંધીવાદને માનનારા તે યુવાનો હતા. તેઓ દરેક પ્રાંતમાં જઈને બીજા લોકોને ખાદી વણવાનું શિખવવા લાગ્યા હતા. આમ ગાંધીજીએ ખાદી વણવાના ઉદ્યોગને રાજકીય બનાવીને તેને આઝાદીના જંગ સાથે જોડી દીધી હતી. રાજકારણમાં આવેલી દરેક વ્યક્તિ ખાદી શિખવા લાગી હતી. દેશભરમાં ગાંધીજીએ ખાદી આંદોલન શરૂ કર્યું હતું. સોમનાથ છાત્રાલયનાં 108 ઓરડા ભરાઈ ગયા હતા.

બે કરોડ રૂપિયાની ખાદી વેંચાતી થઈ

આ બધી પ્રવૃત્તિ મગનલાલ ગાંધી સંભાળતાં હતા. અખિલ ભારત ચરખા સંઘના આચાર્ય પ્રભુદાસ ગાંધી હતા. તેઓ એકી સમયે 100 લોકોને ખાદી શિખવતાં હતા. તેમના સહાયક તરીકે નેપાળના આશ્રમમાં આવેલાં તુલસી મહેરજી હતા. જેમને નેપાળ સરકારે ફાંસીની સજા કરી હતી. પછી તે સજા દેશ નિકાલમાં ફેરવાઈ હતી અને ત્યારથી તેઓ આશ્રમમાં આવ્યા હતા. પહેલાં તો આશ્રમમાં તેમને રાખવાનો ઈન્કાર કર્યો હતો પણ પછી તેમને સ્વિકારવામાં આવ્યા હતા. તેમણે ભાખરી બાનાવવાની એક એવી પદ્ધતિ બનાવી હતી તે ભાખરી 15 દિવસ સુધી ખરાબ થતી ન હતી. સોમનાથ છાત્રાલયમાં જ કાંતણ શિખવવાનું શરૂ કરાયું હતું. જ્યારે શાળના ડેલામાં કાયમી ખાદીવિદ્યાલય અને ચરખાસંઘના ચાલતું હતું. ત્રણ વર્ષ સુધી અખિલ ભારતીય ચરખા સંઘ વસ્ત્રવિદ્યાલય ચાલ્યું હતું અને પછી તે બંધ થયું હતું. પછી ખાદી એક વ્યવયાય બની ગઈ હતી અને ગાંધીજીનું અવસાન થયું ત્યારે દેશમાં રૂ.2 કરોડની ખાદી વેચાતી હતી. તેના 10 વર્ષમાં તે રૂ.20 કરોડ સુધીનું વેચાણ થતું હતું. સરકારના કર્મચારીઓ માટે ખાદી પહેરવી ફરજિયાત કરવામાં આવી હતી.

ગંગાબહેનનો રેંટિયો

ગાંધીજીને વિજાપુરના ગંગાબહેને રેંટિયો આપ્યો હતો તે જ રેંટિયો સુધારા વધારા સાથે દેશનું અર્થતંત્રનો એક મહત્વનો ભાગ બની ગયો હતો અને લાખો લોકોને તેમાંથી રોજગારી મળતી હતી અને રેંટિયો દેશની આઝાદીની લડતનું હથિયાર બન્યો હતો. અખિલ ભારતીય ચરખા સંઘ તરફથી વધું સુતર કાંતે એવો કોઈ રેંટિયો બનાવી આપે તો તેના માટે રૂ.1 લાખનું ઈનામ જાહેર કરાયું હતું. હાલના રેંટિયા કરતાં તે 10 ગણું સુતર કાંતે એવો હોવો જોઈએ એવી શરત હતી.

દેશના પ્રખ્યાત રસાયણશાસ્ત્રીને આશ્રમમાં બોલાવાયા

સૌરાષ્ટ્રમાં તે સમયે 32 પાંખિયાના રેંટિયાથી કાંતવામાં આવતું હતું. આશ્રમનો રેંટિયો 16 પાંખિયાનો હતો. તેની ત્રાંક જાડી અને લાંબી હતી. 6નંબરથી 20 નંબર સુધીનું સુરત કાંતવામાં આવતું હતું. મગનલાલ ગાંધીએ પોતાનું જીવન ગાંધીજીને સમર્પિત કર્યું હતું. તેમણે પોતાનું સમગ્ર ધ્યાન ખાદી માટે રાખવાનું શરૂ કર્યું હતું. તેમણે જોયું કે રંગીન ખાદી લોકોને ગમે છે તેથી તેમણે ખાદી રંગાવવાનું નક્કી કર્યું હતું. બંગાળના જાણીતા રસાયણશાસ્ત્રી પ્રફુલ્લચંદ્ર રાયને ગાંધી આશ્રમમાં તેડાવ્યા હતા અને રસાયણ વગરના વનસ્પતિ રંગથી ખાદી રંગવા માટે તેમને કહેવામાં આવ્યું હતું. એક વર્ષ સુધી ખાદીના તાકા તેઓ આશ્રમમાં રંગાવતાં રહ્યાં હતા. જે રંગ વનસ્પતિમાંથી બનેલા હતા. એક વર્ષ પછી મગનલાલ ગાંધી એવા નિર્ણય પર આવ્યા હતા કે, ખાદીને વનસ્પતિ રંગોથી રંગવામાં આવે છે પણ તે કાપડ સુંદર કે આકર્ષક નથી લાગતું. તેથી તેમણે ગાંધીજી સમક્ષ દરખાસ્ત મૂકી કે ખાદી રંગવા માટે જર્મન બનાવટના રંગો વાપરવાની મંજૂરી આપવા કહ્યું હતું જેની ગાંધીજીએ વિદેશી વસ્તુ વાપરવાની છૂટ આપી હતી. રેંટિયાની ત્રાક જર્મનીની સારી આવતી હતી તેથી તે આયાત કરવાની મંજૂરી આપી હતી. આમ આશ્રમમાં રંગ, ત્રાક અને ઘડિયાળ વિદેશી બનાવટના હતા. ગાંધીજીએ વિદેશી ચીજવસ્તુ નહીં પણ દેશની જ વાપરવાનો આગ્રહ આશ્રમમાં રાખ્યો હતો. પણ તેમણે ઉદારતાથી આ ત્રણ વસ્તુઓ વિદેશી વાપરવાની છુટ આપી હતી.

બારડોલી રેંટિયો

બારડોલીમાં 16 પાંખીયાના રેંટિયા બનાવવાનું કારખાનું શરૂ કરાયું હતું. જે બારડોલી રેંટિયા તરીકે જાણીતો બન્યો હતો. તેમાંથી વાંસની ખપાટ વાળો હળવો રેંટિયો સુરતના નટવરલાલ માળવીએ શોધ્યો હતો. જેમાં ગાંધીજીએ સુધારા સુચવેલાં હતા. જેનું નામ યરોડાચક્ર નામ આપવામાં આવ્યું હતું. માળવીએ દાવો કર્યો કે તેણે યરોડાચક્ર રેંટિયો શોધ્યો છે તેથી તેનું નામ જાહેર કરવું જોઈએ. પણ ગાંધીજીએ કહ્યું કે તેમાં સ્વતંત્ર રીતે શોધ સંશોધન કરવા પડ્યા છે. લક્ષ્મીદાસ આસરે બારડોલીમાં રેંટિયાનું કારખાનું શરૂં કરીને દેશભરમાં જાણીતું બનાવ્યું હતું. 1921થી 1932નો 12 વર્ષનો સમય ગાંધીજીના જુવાળનો સમય હતો. તે સમયે કાંતણ અને વણાંટ કામ સમગ્ર ગુજરાતમાં ફેલાઈ ગયા હતા. 25 રેંટિયા વચ્ચે એક કે બે હાથશાળ કામ કરતી હતી.

નવો રેંટિયો શોધાયો પણ એક લાખ કોઈને  ન મળ્યા

એક લાખના ઈનામને કારણે સંશોધકોએ નવા નવાં રેંટિયા બનાવ્યા હતા. આશ્રમમાં તે બધા રેંટિયાનું પરીક્ષણ મગનલાલ ગાંધીએ કર્યું હતું. હરીફાઈ માટે અડધો રૂમ ભરાય એટલાં રેંટિયા દેશભરમાંથી આવ્યા હતા. તેમાંથી એક પણ રેંટિયાએ ઈનામ જીત્યું નહીં. ગાંધીજીએ સુરતના સંશોધકને માલિકી હક્ક આપવા માટે એક રૂપિયો મોકલાવ્યો હતો. 35 વર્ષ પછી એકંબરનાથે એક રેંટિયો શોધ્યો હતો પણ ત્યારે એક લાખનું ઈનામ અસ્તીત્વમાં ન હતું. આ રેટિંયાના શોધકના નામ પરથી તેનું નામ અંબર ચરખો રાખવામાં આવ્યું હતું. જેને પેટી રેંટિયો પણ કહે છે.

રેંટિયા અંગે ગાંધીજી શું કહે છે ?

રેંટિયા અંગે ગાંધીજીએ જે કહ્યું હતું કે અક્ષરશઃ આ પ્રમાણે છે.

જ્યારે હું અમદાવાદમાંથી પસાર થયો ત્યારે ઘણા મિત્રોએ અમદાવાદ પસંદ કરવા કહ્યું, ને આશ્રમનું ખર્ચ તેમણે જ ઉપાડી લેવાનું બીડું ઝડપ્યું. મકાન શોધી દેવાનું પણ તેમણે જ કબૂલ કર્યું.

અમદાવાદ ઉપર મારી નજર ઠરી હતી. હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારે સેવા કરી શકીશ એમ માનતો હતો. અમદાવાદ પૂર્વે હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં જ વધારે સારી રીતે થઈ શકશે એવી પણ માન્યતા હતી. ગુજરાતનું પાટનગર હોવાથી અહીંના ધનાઢય લોકો ધનની વધારે મદદ દઈ શકશે એ પણ આશા હતી.

સન 1908 સુધીમાં રેંટિયો કે સાળ મેં જોયા હોય એવું મને સ્મરણ નથી. છતાં ‘હિંદ સ્વરાજ’માં રેંટિયાની મારફતે હિંદુસ્તાનની કંગાલિયત મટે એમ મેં માન્યું. ને જે રસ્તે ભૂખમરો ભાગે તે રસ્તે સ્વરાજ મળે એ તો સહુ સમજી શકે એવી વાત ગણાય. સન 1915માં દક્ષિણ આફ્રિકાથી દેશમાં આવ્યો ત્યારે પણ મેં રેંટિયાનાં દર્શન તો ન જ કર્યાં.

ગુજરાતમાં સારી પેઠે ભટક્યા પછી ગાયકવાડના વિજાપુરમાં ગંગાબહેનને રેંટિયો મળ્યો. ઘણાં કુટુંબોની પાસે રેંટિયો હતો તે તેમણે મેડે ચડાવી મેલ્યો હતો. પણ જો તેમનું સૂતર કોઈ લે તો ને તેમને પૂણી પૂરી પાડવામાં આવે તો તેઓ કાંતવા તૈયાર હતા. ગંગાબહેને મને ખબર આપ્યા, ને મારા હર્ષનો પાર ન રહ્યો. પૂણી પહોંચાડવાનું કામ અઘરું લાગ્યું. મરહૂમ ભાઈ ઉમર સોબાનીને વાત કરતાં તેમણે પોતાની મિલમાંથી પૂણીનાં ભૂંગળાં પૂરાં પાડવાનું કામ માથે લીધું. મેં તે ભૂંગળા ગંગાબહેનને મોકલ્યાં, ને સૂતર એટલા વેગથી તૈયાર થવા લાગ્યું કે હું થાક્યો.

બીજી તરફથી આશ્રમમાં હવે રેંટિયો દાખલ થતાં વાર ન લાગી. મગનલાલ ગાંધીની શોધકશક્તિએ રેંટિયામાં સુધારા કર્યા, ને રેંટિયા તથા ત્રાકો આશ્રમમાં બન્યાં. આશ્રમની ખાદીના પહેલા તાકાનું ખર્ચ વારના સત્તર આના પડયું. મેં મિત્રો પાસેથી જાડી કાચા સૂતરની ખાદીના એક વારના સત્તર આના લીધા ને તેમણે હોંશે આપ્યા.

ગંગાબહેન જે ભાવ આપતાં હતાં તેની સરખામણી કરતાં જોયું કે હું છેતરાતો હતો. બાઈઓ ઓછું લેવા તૈયાર નહોતી, તેથી તેમને છોડવી પડી. પણ તેમનો ઉપયોગ હતો. તેમણે શ્રી અવંતિકાબાઈ, રમીબાઈ કામદાર, શ્રી શંકરલાલ બýકરનાં માતુશ્રી અને શ્રી વસુમતીબહેનને કાંતવાનું શીખવ્યું, ને મારી ઓરડીમાં રેંટિયો ગુંજ્યો.

આ પ્રકારના સ્વદેશીમાં હું માનું છું કેમ કે તે વાટે હિંદુસ્તાનના ભૂખે મરતાં, અરધા ધંધા વિનાનાં બૈરાંને કામ આપી શકાય. તેઓ કાંતે તે સૂતર વણાવવું ને તે ખાદી લોકોને પહેરાવવી એ મારી વૃત્તિ છે ને એ ચળવળ છે. રેંટિયાપ્રવૃત્તિ કેટલી સફળ થશે એ તો હું નથી જાણતો. હજુ તો માત્ર તેનો આરંભકાળ છે. પણ મને તેમાં પૂરો વિશ્વાસ છે. ગમે તેમ હોય પણ તેમાં નુકસાન તો નથી જ. હિંદુસ્તાનમાં ઉત્પન્ન થતા કાપડમાં જેટલો વધારો આ ચળવળથી થાય એટલો લાભ જ છે. એટલે આ પ્રયત્નમાં તમે કહો છો તે દોષ તો નથી જ.

રેંટિયા બારસ – ગાંધીજીનો જન્મદિવસ

ગાંધીજીએ કહ્યું હતું કે ‘મારો નહીં પણ મારા રેંટિયાનો જન્મદિવસ ઉજવજો’ અને એટલે જ ભાદરવા વદ બારસ ‘રેંટિયા બારસ’ તરીકે ઓળખાય છે – એ કેટલાને ખબર હોય છે? મમ્મી કહે છે કે એ જમાનામાં રેટિંયા બારસ ઉજવાતી, અને કાંતણયજ્ઞ ચાલતો.. ગુજરાત વિદ્યાપીઠથી બધા કોચરબ આશ્રમ જતા રેંટિયો કાંતવા. પ્રભાતફેરી પણ થતી, અને એમાં ગાંધીજીના, દેશભક્તિના ગીતો ગવાતા હતા. આજે બધા તે ભૂલી ગયા છે. ગાંધી આશ્રમમાં જે લોકો મુલાકાતે આવે છે તેમને રેંટિયો કે ચરખો કાંતતા બતાવવામાં આવે છે. લોકો પોતે કાંતતા શિખવેનો પ્રયાસ કરે છે.