અમદાવાદમાં તલાટીની કાર આંતરી ધોકા વડે હુમલો-લૂંટ

સર્વિસમાં આપેલી કાર લઈને ગાંધીનગર પરત ફરી રહેલા બનાસકાંઠાના તલાટીને આંતરીને એક ટોળકીએ ધોકા વડે કાર અને યુવક ઉપર હુમલો કરી સોનાન દાગીના તેમજ રોકડ 40 હજારની લૂંટ ચલાવી છે. ચાંદખેડા પોલીસે ફરાર આરોપી સામે ધાડનો ગુનો નોંધી તેમની શોધખોળ આરંભી છે.

ગાંધીનગર સેકટર-2 બીમાં રહેતા અને મૂળ મહેસાણા જિલ્લાના શોભાસણ ગામના વતની સુરેશ અજમલભાઈ દેસાઈ  છેલ્લા સાડા ત્રણ વર્ષથી બનાસકાંઠાના દિયોદર તાલુકાના જાલોઢા ગામે ગ્રામ પંચાયતના તલાટી તરીકે ફરજ બજાવે છે. સુરેશ દેસાઈ શનિવારે સવારે પોતાની હ્યુન્ડાઈ કાર ચાંદખેડામાં આવેલા બગ્ગા હ્યુન્ડાઈ શો-રૂમના સર્વિસ માટે મુકી ગયા હતા. રાતે આઠેક વાગે સુરેશભાઈ તેમની કાર લેવા આવ્યા ત્યારે સર્વિસ સેન્ટરવાળાએ કોઈ ભાઈ તમારી ગાડી વિશે પૂછતા હતા, ગાડી કોણ લઈને આવ્યું છે તેમ સુરેશભાઈને જણાવ્યું હતું. સુરેશ દેસાઈ શો-રૂમની સામે આવેલા ઈન્ડીયન પેટ્રોલ પંપ ઉપર ડીઝલ પુરાવી ગાંધીનગર ઝુંડાલ તરફ જવા નિકળ્યા હતા. આ સમયે ફોન આવતા સુરેશભાઈએ કાર ધીમી કરી હતી. દરમિયાનમાં નંબર પ્લેટ વિનાની એક વર્ના કાર આગળ આવી જતા સુરેશભાઈએ કાર ઉભી રાખી દીધી હતી. વર્નામાંથી ચાર શખ્સો નીચે ઉતર્યા હતા. જેમાં ત્રણની પાસે ધોકા હતા. કારના કાચ ઉપર ધોકા ફટકારી સુરેશ દેસાઈને બહાર ખેંચી કાઢી ધોકા વડે માર માર્યો હતો. આ સમયે એક લાલ રંગની બ્રિઝા કારમાંથી બે-ત્રણ જણા નીચે ઉતર્યા હતા અને સુરેશભાઈના હાથમાં પહેરેલી એક-એક તોલાની બે સોનાની વિંટી, ગળામાં પહેરેલી ત્રણ તોલાની મગમાળા અને 40 હજાર રૂપિયા રોકડા ખિસ્સામાંથી કાઢી લીધા હતા.

રોડ ઉપર અન્ય કારના ચાલકો હોર્ન મારવા લાગતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સુરેશ દેસાઈ પણ ડરના માર્યા કારમાં બેસી પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી સરગાસણ ચોકડી પાસે પોલીસને જોઈ તેમની પાસે મદદ માંગતા મામલો ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.