અમદાવાદ જિલ્લામાં બાવળા ખેત ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આજે ટોકન રૂપે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદીની શરૂઆત થઈ હતી.
બાવળા એ મોટા પ્રમાણમાં ડાંગર પકવતો પ્રદેશ છે. આ વિસ્તારમાં પાણીની જરૂરિયાત સમયે પાણી અને વિજળી પૂરી પાડી ખેડૂતની લાગણી અને માંગણીને વાચા આપી આ વિસ્તારને વિપુલ પ્રમાણમાં ખેત ઉત્પાદન કરતો કર્યો છે.
ટેકાના ભાવે ખરીદીમાં ક્યાંય પણ ગેરરીતી ન થાય તે માટેના ચુસ્ત પગલાં દ્વારા આ સમગ્ર ખરીદી થવાની છે. રાજ્યમાં એક સાથે ૧૮૮ કેન્દ્રો પરથી ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી કરવામાં આવશે.
ગત વર્ષે ડાંગર પ્રતિ ક્વિન્ટલ રૂા. ૧૫૫૦ ના ભાવે ખરીદવામાં આવી હતી તે આ વર્ષે રૂા. ૧૭૫૦ ના ભાવે, ગત વર્ષે બાજરી પ્રતિ ક્વિન્ટલ રૂા. ૧૪૨૫ ના ભાવે ખરીદવામાં આવી હતી તે આ વર્ષે રૂા. ૧૯૫૦ ના ભાવે અને ગત વર્ષે મકાઇ પ્રતિ ક્વિન્ટલ રૂા. ૧૪૨૫ ના ભાવે ખરીદવામાં આવી હતી તે આ વર્ષે રૂા. ૧૭૦૦ ના ભાવે ટેકાના ભાવે ખરીદવામાં આવશે.
જરૂર જણાયે બીજા નવા સેન્ટરોનો પણ પ્રારંભ કરવામાં આવશે. ખેડૂતો પાસેથી મહત્તમ માલ ખરીદવામાં આવશે.