શાંત ચૂંટણી પહેલાનું તોફાન
ભાજપના પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવકતા ભરત પંડ્યા સામ સામે આવી ગયા છે. બન્ને વચ્ચેના યુદ્ધમાં લાલજી મેરે ભાજપમાંથી રાજીનામું આપી દેતાં ભાજપનું આંતરિક યુદ્ધ પરાકાષ્ટા પર છે. નેતાઓની ખટપટના કારણે રાજીનામું આપ્યું છે. જેનાથી ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપમાં ચાલી રહેલું આંતરિક યુદ્ધ બહાર આવ્યું છે. ધંધુકા વિધાનસભા બેઠક સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં આવે છે. તેથી સુરેન્દ્રનગરનો અને જસદણનો જંગ ધંધુકામાં ખેલાયો છે. ભાજપનો જૂથવાદ રાજીનામાં પછી હવે કોળી વાદમાં ફેલાઈ રહ્યો તેથી કોળી બેઠક એવી જસદણ અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તેની અસર પડશે. કોળી યુદ્ધ એવું ફાટી નિકળ્યું છે કે જેમાં જસદણ વિધાનસભાની પેટા ચૂંટમી અને સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે મોટો ફટકો પાડે તેમ છે. હાર્યા જુગારી બમણું રમે તેમ અહીં ભાજપના હારેલા ત્રણ નેતાઓ પક્ષની અંદર વિખવાદોને જન્મ આપી ચૂક્યા છે. માત્ર કોંગ્રેસમાં જ જૂથવાદ છે એવું થોડું છે, ભાજપમાં તો ગળાકાપ યુદ્ધ શરૂ થયા છે.
કોળી જૂથમાં ભાજપ માટે શું છે નિવેદન
કોળી ગૃપમાં લખવામાં આવ્યું છે કે, ધંધુકા બેઠક પર ભાજપના હારેલા ઉમેદવાર કાળુભાઇ ડાભી ધોળકાના રહીશ છે, તેથી તેમણે ધોળકાથી ચૂંટણી લડવી પડે ધંધુકાથી નહીં. કાળુભાઈ આયાતી ઉમેદવાર હતા. કોળી સમાજના પ્રમુખના લેબલનો ગેરલાભ લઇ પોતાની ટિકિટ મેળવી હતી અને સ્થાનિક ઉમેદવારની ઉપેક્ષા કરી હતી. ધોળકામાં ભુપેન્દ્રસિંહે પોતાના રાજકીય રોટલા શેકવા તમને પોતાના બનાવવા ધંધુકાની ટિકિટ કાળુભાઈને અપાવી હતી. ભાજપે સત્તાલાલચુને ટિકિટ આપી અને લાલજીભાઈની ટિકિટ ઝુંટવી લીધી હતી. કાળુભાઈ કહે છે કે, લાલજીભાઈના કારણે હાર્યા હતા. આયાતી હોવાથી લોકોએ હરાવ્યા હતા. કોળી સમાજના પ્રમુખ થઈ કોળી સમાજના આગેવાન મેર પર કાદવ ઉછાળો છો ? ધંધુકા વિધાનસભાના કોળી સમાજે ટિકિટ નહીં લેવા કાળુભાઈને પાંચ વખત વિનંતી કરેલી હતી. ભાજપના લોકો પોતાના સ્વાર્થ મારે કાળુભાઈનો ઉપયોગ કરી રહ્યા છે. કોળી સમાજને શરમ માંથી છોડવવા કાળુભાઈ તમે શરમાઈને પ્રમુખ પદ છોડો. લાલજીભાઈ કોળી સમાજને જોડવાનું કામ કરે છે અને કાળુભાઈ તોડવાનું કામ કરે છે. લાલજીભાઈ સમાજના વિધાર્થીઓ માટે હોસ્ટેલો બંધાવી છે જ્યારે તમે હોસ્ટેલો વેચાવી છે. લાલજીભાઈ એ સમાજને આપ્યું છે જ્યારે તમે સમાજ પાસે થી ઝુંટવી લીધું છે. તેમ લખમણ બાપા કોળી ગૃપમાં લખવામાં આવ્યું છે.
તો કાળુભાઈ કેમ હાર્યા
કોળી સમાજના વોટ્સએપ ગૃપમાં આગેવાને એક પોસ્ટ મૂકીને ભાજપના નેતાઓ સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. 2012માં ભરત પંડ્યાએ લાલજીભાઈને 28,500ની લીડ જીતાડેલા. હવે 2017માં આ સીટ પર ભાજપના ઉમેદવાર અને કોળી સમાજના પ્રમુખ કાળુભાઇ ડાભીનો 6500 મતથી કારમો પરાજય થયેલો હતો. જો ભરત પંડ્યા આ સીટ પર 2012માં જીત આપવી શકતા હોય તો 2017માં તેને પાર્ટી નું કામ કર્યું નથી તેવું સાબિત થાય છે. કારણ કે 2017માં ભાજપના 34000 (27500 + 6500 )મતો તૂટેલા છે. સ્પષ્ટ છે કે કોળી સમાજના પ્રમુખ કાળુભાઇ ડાભી ને હરાવવામાં માત્ર અને માત્ર ભરત પંડ્યાનો જ હાથ અને ષડયંત્ર છે, તેવું તે પોતે જ પોતાના નિવેદન થી કહેવા માંગતા હોય તેવું જણાઈ આવે છે. આ વિધાનસભા વિસ્તારનો કોળી સમાજ ભરત પંડ્યાને આવા ષડયંત્ર માટે ક્યારેય માફ નહીં કરે. તેણે કોળી સમાજના પ્રમુખને હરાવી કોળી સમાજ સાથે દગો કેમ કર્યો ? કોળી સમાજ સાથે આવી આવું રાખવાનું કારણ શું ? કોળી સમાજ 2019માં તેનો જવાબ આપશે.
લાલજી મેર શું કહે છે.
ભાજપમાંથી રાજીનામું આપતી વખતે લાલજી મેર દ્વારા કહેવાયું હતું કે, ધંધુકાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાની નીતિથી ભાજપને નુકસાન થયું છે. તેમણે 2009ની લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કર્યું હતું. ભરત પંડ્યા શું કરે છે તે બધાં જાણે છે. ભાજપની નીતિથી નારાજ થઈને રાજીનામું આપ્યું છે. ભરત પંડ્યાએ મને હરાવવાનો પ્રયાસ કર્યો હતો. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી વખતે પંડ્યાએ ભાજપ વિરુદ્ધ કામ કર્યું હતું. જેના કારણે હું 4400 મતોથી હાર્યો હતો. આ મામલે મે તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆતો કરી હતી. ભાજપ રાજકારણ માટે વેર-ઝેર અને વિગ્રહ કરાવી રહ્યું છે. પક્ષ અને સરકારમાં કોઈ કામો થતાં નથી. પક્ષના અનેક ધારાસભ્યો નારાજ છે. વારંવાર રજૂઆતો છતાં નિરાકરણ આવતું નથી. ધારાસભ્ય તરીકેના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે 52 સંકલન મિટિંગમાં ખેડૂતોના પ્રશ્નો માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા તેમનું કોઈ પણ જાતનું નિરાકરણ આવ્યું નથી. પક્ષમાં અનેક ધારાસભ્યો પક્ષની આવી નિતી રીતિથી ભારે નારાજ છે. પક્ષના ધારાસભ્યોના પ્રશ્નો અને પક્ષમાં કે સરકારમાં કોઈ કામો થતાં નથી. કેબિનેટમાં પણ ધારાસભ્યોના પ્રશ્નો અંગે નિર્ણય લેવાતા નથી. જેનાથી ધારાસભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોના પ્રશ્નો હોય કે જમીન મોજણીના પશ્નો હોય. આ મામલે સરકાર અને પક્ષમાં રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં ખેડૂતોના પ્રશ્નોનો કોઈ જ નિકાલ આવતો નથી. ધોલેરાના ખેડૂતોના પણ અનેક પ્રશ્નો છે, ખેડૂતો પાસે પ્રીમિયમના પૈસા નથી. આવા અનેક મુદ્દાઓ છે પણ તે અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.
2012ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન અનેક નામો ચર્ચામાં હોવા છતાં પક્ષ દ્વારા તે નામોને સાઈડ લાઈન કરીને લાલજી મેરને ધંધુકા વિધાનસભા બેઠક પરથી ટિકિટ ફાળવી હતી અને તેઓ ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષ દ્વારા તેમને ફરીથી ટિકિટ આપવામાં આવી ન હતી તેથી તેઓ પક્ષથી નારાજ હતા. તેમના સ્થાને બગોદરાના કાળુભાઈ ડાભીને ભાજપે ટિકિટ આપી હતી. અને તેમાં ભાજપનો પરાજય થયો હતો અને કોંગ્રેસના રાજેશ ગોહિલ વિજયી બન્યા હતા.
ભરત પંડ્યા શું કહે છે
ભરત પંડ્યાએ જાહેર કર્યું હતું કે, કોઈ પોતાનો વ્યકિગત સ્વાર્થ સાધવા માટે બીજાને બદનામ કરવાનો પ્રયાસ કરતો હોય છે. જે વ્યક્તિ પહેલાં કોંગ્રેસ, અપક્ષ, ભાજપ અને ફરીથી ભાજપ છોડીને ચાર વાર પક્ષપલટો કરે અને હવે તે ભાજપના અખંડ અને નિષ્ઠાવાન કાર્યકર્તા ઉપર જૂઠ્ઠા આક્ષેપો કરે છે. હું 30 વર્ષથી ભાજપનો અખંડ સૈનિક છું. મારે કશું વ્યક્તિગત કહેવું નથી. 2011માં કૈલાસ માનસરોવર ખાતે 2012ની ચુંટણી નહીં લડવાનો નિર્ણય મેર દ્વારા કરાયો હતો. ચાર ચૂંટણીઓ હારી જનાર લાલજીભાઈને 2012માં જીતાડવા સંપૂર્ણ શક્તિથી કામ કર્યું હતું. બીજાને બદનામ કરવાનો પ્રયાસ છે. 10 વર્ષના ધારાસભ્યના કાળમાં ધંધુકા મતવિસ્તારના લોકોની સેવા કરી છે. પાર્ટી છોડનારને દુ:ખે છે પેટ અને કૂટે છે માથું આ જનતા બધું જાણે છે.