અમરેલીનું કરોડોનું અનાજ કૌભાંડ વિજય રૂપાણીએ દબાવી દીધું

ગુજરાતના સૌથી મોટા અનાજ કૌભાંડમાં આખરે ભાજપની વિજય રૂપાણી સરકારે પડદો પાડી દીધો છે. અમરેલી જિલ્‍લામાં ભારે ચકચારી બનેલ રેશનિંગ કૌભાંડનું પ્રકરણ ભીનું સંકેલાયું હોય સમગ્ર કૌભાંડની તટસ્‍થ તપાસ કરવાની માંગણી આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ કરી છે. અમરેલી એક જ જિલ્‍લામાં વિવિધ તાલુકાની 24થી વધુ રેશનિંગની દુકાન સામે 350થી વધુ રેશનિંગની દુકાનથી ખોટા ફિંગર પ્રિંટ આપી બીજાના નામે અનાજ ઉપાડી ગયાની વિગતો પુરવઠા વિભાગને આપી હતી. આઠ મહીના થયા છતાં 350માંથી માત્ર 11 દુકાનદારો સામે જ પોલીસ ફરિયાદ કરેલી છે.

10 દુકાનોમાં પોલીસ અને પુરવઠા અધિકારીઓએ મીલી ભગત કરીને તપાસનું ફીંડલું વાળી દીધું છે. ગરીબોને આપવાનું સસ્તું અનાજ અધિકારીઓ અને દુકાનદારોએ વેચી મારી કરોડો રૂપિયાના ગોટાળા કર્યાં હતા. ગુજરાત સરકારનું સોફટવેર ચોરીને તેના આધારે કરોડોના રેશનિંગનાં સરકારનાં ઘઉં, ચોખા, ખાંડ, મીઠુ અને કેરોસીનનો જથ્‍થો બારોબાર વેંચી મારી રાજય સરકારની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડેલું હોવા છતાં વિજય રૂપાણીની સરકારે કંઈ જ કર્યું ન હોવાથી તેમની સામે હવે આંગળી ચિંધવામાં આવી રહી છે કે તેઓ ગોટાળો કરનારા લોકોને અને અધિકારીઓને સીધા બચાવી રહ્યાં છે.

સરકારની ગરીબલક્ષી યોજના રફે-દફે કરી નાખેલ છે. અમરેલીમાં રેશનિંગ સબબ પોલીસ ફરિયાદ દાખલ થયેલ તેવી જ સુરત પોલીસમાં 8 ફરિયાદ દાખલ થયેલ જેમાં હાલ સુધી કોઈ આરોપીને જામીન થયેલા નથી. તો એક જ રાજયનાં બે જિલ્‍લામાં આવી બાબત પાછળ તપાસમાં આર્થિક-નાણાંકીય કે રાજકીય દબાણ સિવાઈ શકય નથી.

તેમણે મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં જણાવેલું છે કે, મૃતક લોકોનાં રેશનિંગ કાર્ડ ચાલું કરનાર મામલતદાર,  પુરવઠા અધિકારી અને તલાટી અભિપ્રાય હોય તેની તપાસ થવી જોઈએ જે થઈ નથી. રેશનકાર્ડ એ.પી.એલ.માંથી બી.પી.એલ. કે એ.એ.વાય. બન્‍યું તો તેના અભિપ્રાય કરનાર કર્મચારી અને મંજૂર કરનાર મામલતદારની તપાસ થવી જોઈએ.

રેશનિંગની દુકાનો અગાઉ અનેકવાર માત્ર લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરી ભીનું સંકેલી દેવાયું છે તેની તપાસ થવી જોઈએ. જે દુકાનમાં ખોટા કાર્ડ કે લાભાર્થીની હાજરી વગર જથ્‍થો અપાયો હતો તેમાં 4થી 10 કાર્ડ ધારકના નામ-પુરાવા આપ્‍યા તેટલી જ તપાસ કેમ કરી ? આખી દુકાનમાં રહેલા તમામ કાર્ડની તપાસ કેમ ના કરી ? તેની તપાસ થવી જોઈએ.

અમરેલી જિલ્‍લાની પોલીસ ઘ્‍વારા પકડેલા સરકારના રેશનિંગના જથ્‍થાને ક્યાં વેચી મારવામાં આવ્યો હતો તે અંગે કોઈ તપાસ કરી નથી. અમરેલી પુરવઠાના છેલ્‍લા 2 વર્ષમાં લાખોનો પુરવઠાને ઘઉં, ચોખા, કેરોસીન વિગેરે સોંપેલા તેની તપાસમાં પોલીસ ફરિયાદ કરી નથી. અમરેલી તાલુકાના રીકડીયા ગામનાં રેશનિંગમાં 31 જૂલાઈ 2017માં ગેરરીતિ મળી તેમાં પોલીસ ફરિયાદ શા માટે દાખલ ના કરી ? તેની તપાસ કરવામાં આવે તો ભાજપના જ લોકો તેમાં સંડોવાયેલાં મળી આવે તેમ છે.

રેશનિંગની 10 પોલીસ ફરિયાદમાં એકપણ આરોપીની પોલીસે ધરપકડ કરી નથી. કોર્ટમાં આગોતરા જામીન થવા દીધા અને આરોપીના જવાબ પણ લેવામાં આવ્યા નથી. રેશનિંગ ચોરી કરનારને જવા દેવામાં આવ્યા છે.

સુરત કેસમાં આવી જ ફરિયાદમાં સોફટવેર વેંચનાર, તમામની ધરપકડ થઈ તો અમરેલીના કેસમાં કોઈની ધરપકડ કરી નથી. આમ કરીને કેસને પુરાવા વગરનો બનાવીને આરોપીએને કોર્ટમાં બચાવનો મુદ્દો આપી દેવામાં આવ્યો છે. અમરેલી જિલ્‍લામાં કરોડોની ચોરી રેશનિંગનાં જથ્‍થાની થઈ તો પુરવઠા અધિકારી-પુરવઠા ઈન્‍સપેક્ટર, પુરવઠા મામમલતદાર, તાલુકા વિકાસ અધિકારી સામે કોઈ ખાતાકીય તપાસ કે પગલાં નથી ભરાયા. અમરેલી પુરવઠા વિભાગમાં વર્ષોથી ઘણા અધિકારી, કર્મચારી ફરજ બજાવે છે તેની પણ તપાસ થવી જોઈએ અને જવાબદારી નકકી કરી તેમની સામે પગલાં ભરવા માંગણી કરી છે.

અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગના સૂત્રો કહે કે, અનાજ કૌભાંડમાં માત્ર અધિકારીઓ સંડોવાયેલાં નથી તેમાં ભાજપના ટોચના નેતાઓ પણ સંડોવાયેલાં છે. જો ન સંડોવાયેલાં હોત તો આકરા પગલાં ભરવામાં આવ્યા હોત. આ બધા રાજકીય વ્યક્તિઓના નામ ખૂલે તેમ હોવાથી તેની તપાસ કરવામાં આવી નથી. કોંગ્રેસ પક્ષના કેટલાંક નેતાઓ એ પણ આ મુદ્દે સરકાર સાથે સમાધાન કરી લીધું છે અને પોતાના ફાઈલો મંજૂર કરાવી લીધી છે.