અમરેલીમાં કોંગ્રેસનું પ્રભુત્વ સ્થાપિત કરનાર વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી માટે પણ અમરેલીનો અમર પટ્ટો લોકોએ લખી આપ્યો નથી. અહીં એક સમય હતો કે ભાજપના નેતાઓનો દબદબો હતો. લોકોએ તે નેતાઓને ફેંકી દીધા છે. જેમને હવે રાજ્યસભા અથવા બોર્ડ કોર્પોરેશનમાં પદ આપીને જીવાડવા પડી રહ્યાં છે. તેવું જ હવે પરેશ ધાનાણી માટે થઈ રહ્યું છે. અમરેલી અને તેની આસપાસના વિસ્તાર પરેશ ધાનાણી માટે હવે વિપરીત થઈ રહ્યાં છે.
સાવરકુંડલામાં કોંગ્રેસની હાલત કથળી રહી છે
સાવરકુંડલા વિસ્તારમાં 6 મહિનાથી કોંગ્રેસની સ્થિતી ખરાબ બની રહી છે. સાબરકુંડલા નગરપાલિકામાં સત્તા ગુમાવ્યા બાદ હવે માર્કેટયાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો હારી ગયા છે. કોંગ્રેસના સહયોગથી બનેલી ભાજપ પ્રેરિત પેનલમાં ત્રણ ટર્મના પૂર્વ ધારાસભ્ય કાળું વિરાણીએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, પણ ભાજપ પ્રેરીત પેનલને કારમો પરાજય સહન કરવો પડયો હતો. વળી હવે તાલુકા પંચાયતની ઘાંણલા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થયો છે.
પ્રતાપ દૂધાત પરેશની પરેશાની વધારે છે
સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત કોંગ્રેસને મોટું નુકસાન કરી રહ્યાં છે. તેની અણઆવડત કોંગ્રેસને નડી રહી છે. તેમની કાર્યશૈલીથી પ્રજા નારાજ છે. જે આખરે પરેશ ધાનાણીને નડતરરૂપ થઈ રહ્યું છે. સાવરકુંડલામાં ઘણા વર્ષો બાદ કોંગ્રેસની સ્થિતી પાટીદાર આંદોલલનાં કારણે સુધરી હતી. પણ તે સ્થિતી દુધાત જાળવી શક્યા નથી.
દીપક માવાણી કેમ નિષ્ક્રિય થયા
કોંગ્રેસપક્ષનાં આગેવાન દીપક માલાણીએ પોતાની જાતને પક્ષથી અલગ કરી દીધી છે. પછી પક્ષની હાલત અતિ નાજુક બની છે. વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં ગઢ સમા સાવરકુંડલા પંથકમાં આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 20 હજાર મતોનું નુકશાન થઈ શકે તેવી હાલત ઊભી થઈ છે. જો તેમ થશે તો ધાનાણીના ભાવિ પર પ્રશ્નાર્થ થશે.
તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ગુમાવી
અમરેલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની ખરાબ હાર થઈ છે. તેથી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢના કાંગરા ખરી રહ્યાં હોવાનું મતદારોએ ઈશારો આપી દીધો છે. 6 બેઠકમાંથી 3 બેઠક ભાજપ પાસે ગઈ છે. જે તમામ કોંગ્રેસને મળવી જોઈતી હતી પણ પેટા ચૂંટણીના પરિણામોથી પરેશ ધાનાણીના પોતાના વિસ્તારમાંથી કોંગ્રેસને જાકારો મળી રહ્યો છે. 3 બેઠક પર ભાજપનો વિજયી થતાં અમરેલી પંચાયતમાં ભાજપની સંખ્યા વધી છે. કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા, ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીનું માર્ગદર્શન અને સાંસદ નારણભાઈ કાછડીયા, અમર ડેરીના ચેરમેન – ઉમેદવાર અશ્વિનભાઈ સાવલીયા, જિલ્લા ભાજપ મહામંત્રી કૌશિક વેકરીયા, પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉંઘાડ, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ધનશ્યામભાઈ ત્રાપસીયા સામુહિક રીતે પોતાના પક્ષને જીતાડવા 6 બેઠકો પર ભારે પ્રચાર કર્યો હતો. તેથી 3 બેઠક ભાજપ જીતી શક્યો છે. જો આ નેતાઓ ન હોત તો કોંગ્રેસનું પલ્લું ભારે થયું હોત. જે બતાવે છે કે, પરેશ ધાનાણી પોતાના વિસ્તારમાં પૂરતું ધ્યાન આપી શકતાં નથી.
ઉપવાસ એ આંદોલન નથી
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમરેલી જીવરાજ મહેતા ચોક ખાતે ઉપવાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં અમરેલી ધારાસભ્યઓ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો જોડાયા હતા. ખેડૂતોની વિવિધ માંગણી માટે એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા હતા. લોકો આક્રમકતા માંગે છે. તેમના માટે મરી ફીટવાની લાગણી કોંગ્રેસમાં જોવા મળી ન હતી. લોકો માટે ઉપવાસ આંદોલન એ આંદોલન નથી. તેમને તો પરિણામ જોઈએ છે. જે હવે મળી શકતું નથી.
બાબરામાં બળવો નડી શકે
બાબરા તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના અદ્યક્ષની ચૂંટણીમાં ભારે વિવાદ સર્જાયો હતો. અધ્યક્ષ માટે કોંગ્રેસ દ્વારા કુલદીપ બસીયા નક્કી કરાયા હતા. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અશોક ખાચર ઘ્વારા મેન્ડટ કુલદીપને જીતાડવા માટે આદેશ કરાયો હતો. તેમ છતાં પક્ષના સત્તાવાર ઉમેદવાર કુલદીપ હારી ગયા હતા અને કોંગ્રેસના બળવાખોર ગીતા ખાત્રોજા જીતી ગયા હતા. તાલુકા પંચાયતના પ્રમુખ ધખુબેન વહાણી, ઉપપ્રમુખ કિશોરભાઈ દેથળીયા સહિતનાં કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહૃાા હતા.
કોંગ્રેસ કેમ છોડે છે
અમરેલી જિલ્લા કોંગ્રેસ આઈ.ટી. સેલના પૂર્વ મહામંત્રી હરેશ જોષી અને લીલીયા શહેર યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોહિલ મકવાણા કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યાં છે. નાના નાના કાર્યકરો આ રીતે પક્ષ છોડીને જઈ રહ્યાં છે. જોકે ભાજપ અમરેલીમાં કોંગ્રેસના વગદાર કાર્યકરોને ગમે તે ભોગે પક્ષાંતર કરાવવા એક વર્ષથી પ્રયાસ કરે છે. તેમાં ભાજપને સફળતા મળી નથી. એ પરેશ ધાનાણીની મોટી સિધ્ધી છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે સાવરકુંડલા શહેર કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખનાં ઘરે ભાજપના નેતાઓ મુલાકાત લીધી હતી. જે બતાવે છે કે કોંગ્રેસના નેતાઓને ભાજપ તમામ નીતિ બાજુ પર મૂકીને પક્ષાંતર કરાવવા પ્રયત્નો કરી રહ્યો છે.
ભાજપે અમરેલીને પછાત રાખ્યું
ગુજરાતને મુખ્ય પ્રધાન તરીકે ડો. જીવરાજ મહેતા અમરેલીમાંથી આપ્યા હતા. અમરેલીને છેલ્લાં 22 વર્ષના ભાજપના શાસનમાં સતત અન્યાય થયો છે. તે વાતની મોટી કરીને પરેશ ધાનાણી પોતાનું રાજકીય કદ વધારી શક્યા છે. પણ જ્યારે તેઓ કોંગ્રેસમાં બીજા નંબરના નેતા હોવા છતાં અમરેલીને માટે કોઈ મોટો ફાયદો કરાવી શક્યા નથી. અમરેલીના લોકોના અન્યાય મુદ્દે તેઓ કેમ હવે કંઈ બોલતા નથી કે આક્રમક બનતાં નથી તેવો પ્રશ્ન લોકો પૂછી રહ્યાં છે. અમરેલી શહેરમાં 2 લાખની વસતી છે. જેના રોડ રસ્તા સારા નથી. અમરેલી એક ગામડું હોય એવું લાગે છે. અહીંના લોકો બ્રોડગેજ રેલવે ઈચ્છી રહ્યાં છે. પણ તે થઈ શકતું નથી કે તે માટે કોંગ્રેસ આંદોલન કરતી નથી. હોસ્પિટલ, શાળા, રાષ્ટ્રીય ધોરી માર્ગ, બેરોજગારી, હીરા ઉદ્યોગ કે બીજા ઉદ્યોગ માટે સુવિધા મળતી નથી. લોકો હિજરત કરી રહ્યાં છે, તેથી અમરેલી ભાંગી રહ્યું છે. અહીં હીરાના વેપારીઓએ જેટલાં નાણાં આપ્યા છે એટલા નાણાં સરકારે પણ આપ્યા નથી.
ગુજરાતી
English



