અમરેલીમાં કાછડિયા કેમ કંઈ ન કરી શક્યાને વિવાદો ઊભા કર્યા

અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયાએ ચૂંટણી આવતાં પોતાના મત વિસ્‍તારનો પ્રવાસ શરૂ કર્યો છે. તેઓએ જનતા અને ભાજપના કાર્યકરોની વેદના સાંભળવાનું શરૂ કર્યું છે. પણ તેઓએ ભાજપમાં સાચો અવાજ રજૂ કરનાર ભાજપના કાર્યકરોને સાથે રાખતાં હોવાથી તેમની સામે વિરોધ શરૂ થયો છે. ભાજપના નેતાઓએ આવા કાર્યકરોનો અવાજ સાંભળવાના બદલે તેમને બળવાખોર જાહેર કરી દીધા છે, તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારે લોકો પૂછે છે કે, પ્રજાનો અવાજ જાણવા આવો છો ત્યારે પહેલાં ભાજપના સાચા કાર્યકરોનો અવાજ તો જાણો.

કાછડીયાએ જાફરાબાદનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં જઈને લોકોની ખબર પૂછી હતી. બધા એક જ અવાજે કહેતાં હતા કે તેમનો કૃષિ પાક નિષ્ફળ ગયો છે તેથી તેનો વીમો ઉતરાવેલો હોવા છતાં વીમા કંપની વીમો મંજૂર કરતી નથી.

સાંસદે આભાર માન્યો અને બધી બેઠકો ગઈ

11 ડિસેમ્બર 2017ના દિવસે વિધાનસભાની ચુંટણીનું મતદાન પૂરું થયું અને અમરેલાના સંસદ કાછડીયાએ અમરેલી સંસદીય મત વિસ્‍તારની સાતેય વિધાનસભાની બેઠકો ઉપર મતદારોનો આભાર માન્યો હતો. તેમણે જાહેર કર્યું હતું કે,  અમરેલી સંસદીય મત વિસ્‍તારની અમરેલી કુંકાવાવ, ધારી બગસરા ખાંભા, સાવરકુંડલા લીલીયા, લાઠી બાબરા, રાજુલા જાફરાબાદ, મહુવા અને ગારીયાધાર જેસર એમ સાતેય વિભાનસભા સીટ ઉપર ભારતીય જનતા પાટીઙ્ઘનો ભવ્‍ય વિજય થશે. પણ ભાજપ અમરેલીની તમામ બેઠક હારી ગયું હતું ત્યારે લોકો કહેતાં હતા તે અમરેલી ભાજપ મુક્ત થઈ ગયું છે.

રોષ જોઈ તુરંત વીમો આપવા કહ્યું

અમરેલી જિલ્‍લામાં ઓછા વરસાદને પાકો નિષ્‍ફળ ગયા છે. તેથી અમરેલી જિલ્‍લાને અસરગ્રસ્‍ત જાહેર કરવાની માંગણી નારણ કાછડીયાએ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્‍દ્રીય કૃષિ મંત્રી પરશોતમભાઈ રૂપાલાને કરી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તેથી લોકો એવું કહી રહ્યા છે કે, સાંસદનું જો કંઈ ઉપજતું ન હોય તો પછી ખેડૂતો શું વિસાતમાં.

મગફળી અને કપાસના વાવેલા મોંઘા ભાવના બીયારણ મોટા ભાગના વિસ્તારમાં બે વખત ઉગીને બળી ગયા હતા. છેલ્લાં એક વરસાદની ખેંચથી લીલો પાક સાફ થઈ ગયો. ખેડુતોએ જોયેલું સ્‍વપ્‍ન ધુળધાણી થઈ ગયું. સુકાતા પાક માટે પાણી નથી. કપાસ અને મગફળીનો પાક 90 % નિષ્‍ફળ ગયો હતો. 10 ટકા ખેડૂતોને પાક થયો તેના ભાવ નથી અને 50 ટકા ઉત્પાદન થયું છે. ઘાસ નથી. દુષ્કાળ જાહેર કરવા ખેડૂતો સાંસદ પર દબાણ વધારી રહ્યાં છે.

ઓડિયો સાંભળે છે

ખેડૂતના દેવા માફી અને અલ્પેશ કથીરિયાની મુક્તિ, અનામત મુદ્દે અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા અને નરેશ વિરાણી (ખેડૂત સમાજ)ની વાતચીતનો ઓડિયો સમગ્ર અમરેલીમાં વાયરલ થયો હતો. જ્યારે સાંસદ ગામમાં આવવાના હોય ત્યારે લોકો તે ઓડિયો સાંભળે છે. જેમાં નારણ કાછડીયાએ જવાબ આપ્યો હતો કે, હાર્દિક પટેલ અને અનામત માટે તમે મેહનત કરો અમારે એમાં અમારે કઈ કરવાનું નથી. ખેડૂતોના દેવા માફી, અનામતના મુદ્દે અને અલ્પેશ કથિરીયાની મુક્તિ માટે તમે શું કરવા માંગો છો. આટલું બોલતા જ નારણભાઇ બોલી ઉઠ્યા હતા કે, તમે મહેનત કરો અમારે કંઇ નથી કરવાનું.

દેશ દ્રોહી પ્રવૃત્તિ, પછી મૌન બની ગયા

અમરેલીના પીપાવાવ બંદર અને કસ્ટમ અને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા મીલીભગતથી આંતરરાષ્ટ્રીય દેશદ્રોહી પ્રવૃત્તિ થાય છે, પારાવાર ગેરરીતિ થાય છે, એવો આરોપ સાંસદે મુક્યો હતો. ભાજપની કેન્દ્ર સરકારના DRI દ્વારા દરોડો પાડ્યા બાદ તેમાં બહુ મોટી લેવડદેવડ થઈ હોવાનો તેમણે આરોપ મૂક્યો હતો. પીપાવાવ બંદરમાં કરોડો નહીં અબજો રૂપિયાના માલસામાનની આંતરરાષ્ટ્રીય હેરાફેરી થાય છે. કસ્ટમ વિભાગમાં બીજા કોઈને એન્ટ્રી નથી. પ્રેસ મીડીયાને પણ નહીં આને કારણે દેશની સુરક્ષા માટે મોટો ગંભીર ખતરો ઉભો થયો છે. થોડા સમય પહેલા ત્રણ ચાઈનીઝ માણસો પકડાયેલ હતા. દેશના ખતરાની ઘંટી વાગી હતી પણ આ માલખાઉ ઓફિસર દલાલો ભારત દેશને વેચી નાખશે. જો તેની ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો અને આ ચાઈનાની 4 વ્યક્તિ કોણ હતી અને તે કોના દ્વારા પીપાવાવ બંદર સુધી આવી હતી તેનો જવાબ માંગ્યો હતો. પણ આજ સુધી સાંસદે તા જાહેર કર્યો નથી. પીપાવાવ બંદર ગૌચરની જમીનમાં દબાણ કરી ભાડાની મોટી રકમ પણ વસૂલ કરે છે એવો આક્ષેપ પણ કર્યો હતો.

ઊભી પૂંછડીયે કાછડીયા ભાગ્યા

અમરેલીના ધારી તાલુકાના દેવળા ગામે ઉજ્જવલા યોજનાની ગેસકિટના વિતરણ કાર્યક્રમને સાંસદ કાછડીયાએ પોતાની વાહવાહ ભાષણમાં શરૂ કરતાં ગરીબ મહિલાઓએ ઉગ્ર વિરોધ ચાલુ કર્યો હતો. મહિલાઓએ ખેતીના પોષણક્ષમ ભાવ ન મળતાં હોવાનું કહી હોબાળો મચાવતા સાંસદ તથા ભાજપના આગેવાનોએ કાર્યક્રમ અધવચ્ચે જ છોડી ઊભી પુંછડીએ જતા રહેવું પડ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે આજે ગામના લોકો જૂએ છે અને મોજમસ્તી કરે છે. પોલીસે શાંત પાડવાની કોશીષ કરી પણ લોકો શાંત થયા ન હતા. કાછડીયાએ એવું જુઠાણું ફેલાવ્યું હતું કે આવો કોઈ બનાવ બન્યો નથી. પણ વિડિયો તો તેમના જુઠનો પર્દાફાશ કરે છે.

રેલવે લાઈન લાવ્યા

અમરેલી  જિલ્લામાં બ્રોડગેજ રેલવે લાઈન માટે રૂ.1980 કરોડ મંજૂર કરાવી લાવ્યા છે. જેનાથી પાંચ રેલવે લાઈન બ્રોડગેજમાં પરિવર્તીત થશે. પણ તે કામ આજ સુધી શરૂ થયું નથી. અને જો ચૂંટણી પહેલાં શરૂ નહીં થાય તો સાંસદ બહાર નિકળી નહીં શકે એવો માહોલ છે. વચન આપો છો તો તે પૂરું કરો એવો લોકો સ્પષ્ટ પણે કહી રહ્યાં છે. તેઓ ફ્રી રોગ નિદાન કેમ્પમાં નિયમિત હાજર રહે છે. પણ અમરેલીને સારી હોસ્પિટલ મળે તે માટે કોઈ પ્રયાસ કરતાં નથી. અમરેલી એક ગામડું બની ગયું છે. હીરા ઉદ્યોગની મંદી પરેશાન કરે છે. જીએસટીની આંટીઘુંટીના કારણે વેપારીઓ હેરાન થઈ રહ્યાં છે.