અમરેલી જિલ્લા પંચાયતની સામાન્યસભામાં સમિતિઓના સભ્યો નક્કી કરી દેવાયા બાદ તેમાં ફેરફાર કરવામાં આવતાં ભારે હોબાળો થઈ ગયો હતો. ભાજપના સભ્ય રેખા મકવાણા ચાર સભાથી ગેરહાજર રહેતાં હોવાથી તમને તુરંત સસ્પેન્ડ કરવાની માંગણી કોંગ્રેસના સભ્યોએ કરી હતી. જેમાં 19 સભ્યોએ પગલાં ભરવાની માંગણી કરતાં અને 6 સભ્યોએ વિરોધ કરતાં મામલો ગરમ બન્યો હતો. તેમનું સભ્ય પદ રદ કરવા માટે બહુમતીએ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને પંચાયતના પ્રમુખ રવજી વાઘેલાએ મંજૂરી આપી હતી. આ મુદ્દે કેટલાંક સભ્યોએ સભા ત્યાગ કર્યો હતો.
અમરેલી જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં ભાજપના સભ્ય રેખા મકવાણાની સામે સસ્પેન્શનના પગલાંને લઈને ભારે હંગામો મચી ગયો હતો. તો બાંધકામ સમિતિનાં 2 સભ્યોની ગેરકાયદેસર નિમણુંક થઈ હોવાનો આક્ષેપ સત્તાધારી કોંગ્રેસના સભ્ય રમીલા માલાણીએ કરતાં સભામાં થોડી વાર માટે ટાંકણી પડે એવો અવાજ ન આવે એવી શાંતિ છવાઈ ગઈ હતી.
જિલ્લા પંચાયતમાં કૂલ 34 સભ્યોમાંથી કોંગ્રેસનાં 29 છે. જેમાં કોંગ્રેસનાં 3થી 4 સભ્યો અલગ થઈ ગયા છે અને ભાજપ સાથે મળી ગયા છે. તેથી છેલ્લાં 3 વર્ષમાં પહેલી વખત સામાન્ય સભા તોફાની બની હતી. મામલો શાંત પાડવા માટે પ્રમુખે પ્રયાસો કરતાં શાંત થયો છે. પણ હવે ગમે ત્યારે ભડકો થઈ શકે છે.
આગામી દિવસોમાં કોંગ્રેના નારાજ સભ્યો કોંગેસના નેતાઓએ તેમના શાસનમાં ગેરરીતિ કરી છે તે બહાર લાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. ગમે ત્યારે કૌભાંડોનો ર્દાફાશ કરવા તેઓ તૈયારી કરી રહ્યાં છે. જિલ્લા પંચાયતમાં જો કોઈ ભ્રષ્ટાચાર થયો હશે અને તેનો પર્દાફાશ થશે તો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મુશ્કેલીનો સામનો કરવો પડશે.