કોંગ્રેસના નવા નિયુક્ત થયેલા જિલ્લા પ્રમુખ અર્જુન સોસાએ પદ સંભાળતાની સાથે જ આક્રમકતા ધારણ કરીને જાહેર કર્યું છે કે અમરેલી લોકસભાની બેઠક પર ભાજપના સાંસદને હરાવીને અમરેલીને ભાજપ મુક્ત બનાવીશું. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સામે ભાજપના કોઈ પણ ઉમેદવાર આવે તેનો ઘોર પરાજય આપવા માટે અમરેલીની પ્રજા તૈયાર છે.
તેમણે જણાવ્યું હતું કે, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણીની જેમ લોકસભામાંથી પણ ભાજપને હાર આપવા અમે તૈયાર છીએ. પ્રજા ઈચ્છે છે કે, અમરેલી જિલ્લો ભાજપ મુક્ત બને.
અમરેલી જિલ્લામાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજળી કે પાણી મળતા નથી. પાકવીમો, જમીન રી-સર્વે, પોષણક્ષમ ભાવો સહિતનાં અનેક પ્રશ્નો જોવા મળે છે. જિલ્લામાં હજારો યુવાનો બેરોજગાર બન્યા છે. તો હીરા ઉદ્યોગ સહિત નાના-મોટા વેપાર-ધંધા પણ પડી ભાંગ્યા છે.
જિલ્લાની જનતા ભાજપ શાસનથી ત્રાહીમામ છે. કોંગ્રેસપક્ષ જનતાનાં હિતમાં કામ કરશે. અમરેલી જિલ્લામાં શરૂ થયેલા ભાજપ મુક્ત અભિયાનને લોકસભાની ચૂંટણીમાં વધારે ગતિ મળશે અને અમરેલીથી લઈને નવી દિલ્હી સુધી કોંગ્રેસનો વિજય થશે.
અમરેલીમાં કરોડો રૂપિયાનું સસ્તા આનાજ કૌભાંડ અને ભાજપના રાજના બીજા કૌભાંડો અંગે તેઓએ કંઈ કહ્યું ન હતું, પણ તેમણે કહ્યું હતું કે, ભાજપ સરકાર દેશમાં મોંઘવારી, બેરોજગારી, આતંકવાદ, નકસલવાદ ઘટાડવામાં સદંતર નિષ્ફળ નિવડી છે. દેશનાં કરોડો પરિવારોની હાલત અતિ દયનીય બની ચૂકી છે. નોટબંધી, જીએસટીને લીધે દેશનું અર્થતંત્ર ડામાડોળ બની ગયું છે. જેમાં અમરેલીમાં પણ ગંભીર અસર થઈ છે. હીરા ઉદ્યોગ મંદીમાં છે કેટલાંક કારખાના બંધ થવાની તૈયારીમાં છે.