અમરેલી યુદ્ધનું મેદાન કેમ બની ગયું છે

ગુજરાતનાં રાજકારણમાં રાજકોટ, ખેડા, મહેસાણા અને અમરેલી એપી સેન્‍ટરછે. તેમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને અમરેલીની લોકસભાની બેઠક જીતવા તમામ કાવાદાવા કરી રહ્યા છે. ભાજપ આ બેઠક હારવા નથી માંગતો અને કોંગ્રેસ આ બેઠક જીતવા માંગે છે તેથી અહીં કાયમ પણછ ખેંચાયેલી રહે છે. તેથી અહીં ભાજપ અને કોંગ્રેસ ઘણાં સમયથી રણનીતિ તૈયાર કરી લીધી છે.

પાટીદારોનાં ગઢ સમાન ગણાતી અમરેલી લોકસભા બેઠક પર વર્ષ 1960થી 1995, 2004, 2009માં કોંગ્રેસ જીતી હતી. 1991થી 1999 અને 2009, 2014માં ભાજપનાં ઉમેદવાર જીત્યા હતા.

બીજી તરફ વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં હોમ ગ્રાઉન્‍ડની આ બેઠક ભાજપ પાસેથી છીનવીને વિપક્ષી નેતા તેનું રાજકીય કદ વધારવા આતુર છે. તેની સામે કેન્દ્રીય કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી અહીં પોતાનું પ્રભુત્વ ઘટાડવા નથી માંગતા. પણ તેમને હાલના સાંસદની કાર્યપદ્ધતિ નડી રહી છે.

અમરેલી લોકસભામાં કૂલ 7 વિધાનસભા બેઠક આવે છે. જેમાં કોંગ્રેસ પાસે 5 બેઠક છે અને ભાજપ પાસે માત્ર 2 બેઠક ગારિયાધાર અને મહુવા છે. આ બે બેઠક પર કોંગ્રેસે પોતાનું પ્રભુત્વ વધારી દીધું છે. તેથી ભાજપે હવે 7 વિધાનસભા બેઠક માટે જીવ પર લડવું પડે તેમ છે. પણ ભાજપના નેતાઓ એવું માની રહ્યાં છે કે કોઈનો જાદુ ચાલે અને અમે જીતી જઈશું.

બીજી તરફ કોંગ્રેસ પાસે પાંચ ધારાસભ્‍યો છે, ભાજપથી નારાજ થયેલ પાટીદારો, દલિતો, લઘુમતી, ઓબીસી મતદારો છે. લોકોને અમરેલીને સારું શહેર બનાવવા માટે અપાયેલા વચનોનું પાલન ન થતાં મતદારો નારાજ છે. કોંગ્રેસ પાસે એ જમા પાસું છે. વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ભાજપનાં ગંજાવર નેતાઓ  પરસોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી અને બાવકુ ઉંઘાડને પરાજિત કરીને ભોંયભેગા કર્યા હોવાથી કોંગ્રેસમાં આત્‍મવિશ્વાસ જોવા મળે છે.