ઇતહાસકાર ઇરફાન હબીબે ભાજપના અધ્યક્ષ અમિત શાહને પોતાનું નામ બદલવા સલાહ આપ્યા પછી નવો જ વિવાદ સર્જાયો છે. તેલંગણામાં એક રેલીને સંબોધતાં એઆઈએમઆઈએમના વડા અસાદુદ્દીન ઓવૈસીએ પણ ભાજપઅધ્યક્ષને પ્રશ્ન કર્યો છે કે તેઓ પોતાનું નામ ક્યારે બદલી રહ્યા છે? ભાજપે ઉત્તર પ્રદેશનાં શહેરોનાં નામ બદલતાં વિરોધપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યો છે.
ઓવૈસીએ મેદનીને સંબોધતાં કહ્યું હતું કે, ‘ઉત્તર પ્રદેશનાં શહેરોનાં નામ બદલાઈ રહ્યાં છે. અલ્હાબાદનું નામ બદલી નાખ્યું, આગરાનું નામ બદલાઈ રહ્યું છે, ફૈઝાબાદનું નામ બદલાઈ ગયું. અમિત શાહ પોતાનું નામ ક્યારે બદલી રહ્યા છે? શાહ તો ફારસી શબ્દ છે. નામ બદલવાના વાયરામાં આ પણ બદલી નાંખવું જોઈએ.’
શું એક ગાય મને પણ મળશે? : ઓવૈસી
તેલંગણા વિધાનસભાની ચૂંટણી સંદર્ભમાં એક રેલીને સંબોધતાં ઓવૈસીએ ભાજપ મુસ્લિમો સાથે ભેદભાવ કરી રહ્યો હોવાના આક્ષેપ કર્યા હતા, તેમણે કહ્યું કે, ‘વર્ષ ૨૦૧૮ના ચૂંટણી ઢંઢેરામાં ભાજપે વચન આપ્યું છે કે તે સમગ્ર રાજ્યમાં એક લાખ ગાયોનું વિતરણ કરશે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે એક ગાય મને પણ આપશે કે કેમ? હું વચન આપું છું કે પૂરાં સન્માન સાથે ગાયને રાખીશ. પ્રશ્ન એ છે કે શું તેઓ ગાય આપશે?’
ગુજરાત પણ ઈરાની મૂળનું નામ શબ્દઃ ઇરફાન
આ પહેલાં ઇતિહાસવિદ ઇરફાન હબીબે કહ્યું હતું કે ભાજપે સૌપ્રથમ પોતાના અધ્યક્ષ અમિત શાહનું નામ બદલવા પર ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું હતું કે શાહ તે ગુજરાતી શબ્દ નથી પણ ઈરાની મૂળનો શબ્દ છે. એએમયુના ૮૭ વર્ષના અધ્યાપક ઇરફાને કહ્યું હતું કે ગુજરાત પણ ઈરાની મૂળનું નામ છે. પહેલાં તેનો ઉચ્ચાર ગુજરાતરા થતો હતો. આ રાજ્યનું નામ પણ બદલવું જોઈએ.ઇરફાન હબીબે કહ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા શહેરોનાં નામ બદલવાં તે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની હિંદુત્વની નીતિનો ભાગ છે. પાકિસ્તાનમાં પણ જે બાબતો ઇસ્લામિક નહોતી તેને ખતમ કરી નાખવામાં આવી છે, એ જ રીતે સંઘ અને હિંદુવાદી સંગઠનો ખાસ કરીને ઇસ્લામિક મૂળના હોય કે નોન-હિંદુ હોય તે તમામ બાબતનાં નામ બદલવા માગે છે