અમેરિકામાં અમૂલ ડેરી રૂ.16 કરોડનો ધંધો કરતાં હવે ડેરી નાખશે

અમૂલ ડેરી એટલે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા યુએસએમાં નવો ડેરી પ્લાન્ટ સ્થાપવા માટેની કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન સહિત ડિરેક્ટર્સ દ્વારા યુએસની મુલાકાત લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ અગાઉ અમૂલ ડેરી દ્વારા એનઆરઆઇ સાથે કરાયેલા ત્રીપક્ષીય કરાર આધારિત ન્યુજર્સી પાસે આવેલા વોટરલૂ ખાતે ડેરી પ્લાન્ટમાં ઘી અને પનીરનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું.

અમૂલ ડેરી અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.-જીસીએમએમએફના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, અમૂલ ડેરીની બોર્ડ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર પાંચ ડિરેક્ટર યુએસની મુલાકાતે ગયા છે. અમૂલ ડેરી દ્વારા યુએસએમાં નવો ડેરી પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું છે. જે અંતર્ગત ડિરેક્ટર્સ યુએસએમાં જુદા જુદા સ્થળોની મુલાકાત લઇને ડેરી પ્લાન્ટ માટે યોગ્ય સ્થળની પસંદગી સહિતના વિવિધ પાસાની ચકાસણી કરશે. યુએસ ગયેલા અમૂલ ડેરીના પ્રતિનિધિ મંડળમાં અમૂલ ડેરીના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, ડિરેક્ટર ચંદુભાઇ પરમાર, જુવાનસિંહ ચૌહાણ, તેજશ પટેલ અને ધીરુભાઇ ચાવડાનો સમાવેશ થાય છે.

અમૂલ ડેરી દ્વારા પાંચેક વર્ષ અગાઉ ન્યુજર્સી પાસે આવેલા વોટરલૂ ખાતેના ડેરી પ્લાન્ટમાં ઘી અને પનીરનું ઉત્પાદન શરૂ કર્યું હતું. ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં ગુજરાતીઓ સહિત એશિયનોની વસ્તી વધુ છે, જેથી ઘી અને પનીરની ડિમાન્ડ વધુ રહે છે. યુએસએમાં સ્થાયી થયેલા ભારતીયોને અમૂલની પેદાશો ઝડપથી અને તાજી મળી રહે તે માટે નવો પ્લાન્ટ શરૂ કરવા માટેની કવાયત શરૂ કરી છે.