અરવલ્લી જિલ્લામાં બેરોકટોક ક્ષમતા કરતાં વધારે મુસાફરોને બેસાડાય છે જીપમાં

મોતની સવારી કરવી હોય તો રાજ્યનાં બોર્ડર જિલ્લા અરવલ્લી જવું પડે. કેમ કે આ જિલ્લામાં હાઈ વે પોલીસનાં મેળાંપીપણાંમાં વાહનોમાં ઘેંટાબકરાંની જેમ ઠસીઠસીને મુસાફરોને ભરવામાં આવે છે. અને રાજસ્થાન તરફ જતાં નેશનલ હાઈ વે પર માતેલાં સાંઢની જેમ મુસાફરોથી ઠસોઠસ ભરેલું વાહન પૂરપાટ ઝડપે દોડતું પણ નજરે પડે છે.
અરવલ્લી જિલ્લો ગુજરાતનો સરહદી જિલ્લો છે અને આ વિસ્તારમાંથી રોજે રોજ રાજસ્થાન જનારાઓની સંખ્યા પણ વધારે હોય છે. રાજ્ય સરકાર દ્વારા દાવા કરવામાં આવ્યાં છે કે, રાજ્યનાં છેવાડાનાં ગામડાંઓમાં પણ બસની સુવિધા શરૂ થઈ ગઈ છે. પરંતુ અરવલ્લી જિલ્લા જેવા વિસ્તારોનાં છેવાડાંનાં ગામડાંના લોકો આજે પણ બસની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે આ સંજોગોમાં સ્થાનિક ટ્રાવેલ્સવાળા દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. અને આટલું ઓછું હોય એમ નાની જીપમાં જેમાં સાતથી આઠ મુસાફરોની ક્ષમતા હોય તેમાં 25થી 30 મુસાફરોને બેસાડવામાં આવે છે. હવે એવો પણ વિચાર આવે કે આટલાં બધાંને બેસાડતાં કેવી રીતે હશે. તો વીડિયોમાં દેખાય છે કે, જીપનાં છાપરા પર કેરિયર લગાવીને તેનાં ઉપર પણ મુસાફરોને બેસાડવામાં આવે છે. હકડેઠઠ ભરેલી જીપ માતેલાં સાંઢની માફક પૂરપાટ ઝડપે રાજસ્થાન તરફ હાઈ વે પર દોડતી હોય છે. અને હાઈ વે પોલીસ પણ આવાં વાહનચાલકો સામે કોઈ કેસ કરતાં નથી હોતાં. કેમ કે, આ વાહનચાલકો અને ટ્રાવેલ્સવાળા સાથે તેમની સાંઠગાંઠ હોય છે. આ સાંઠગાંઠનાં ધંધામાં લોકોનાં જીવ જોખમમાં મૂકાતા હોય છે એ તંત્રને નથી દેખાતું.
રાજ્ય સરકાર દ્વારા પણ અનેકવાર જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ આ વાહનચાલકોને કશી જ પડી નથી. તેમને તો બસ માત્ર પોતાની કમાણીમાં જ રસ હોય એવું લાગે છે. લોકોનાં જીવ સાથે રમત રમીને આ પ્રકારે વાહનો જઈ રહ્યાં છે તે વીડિયોમાં તેમ જ હાઈ વે પોલીસ અને જિલ્લા વહિવટીતંત્રને નજરે પડતું હોવા છતાં કોઈ પગલાં નથી લેવાતાં. આ પ્રકારે આટલાં બધાં મુસાફરોને લઈને જઈ રહેલાં વાહનો સામે કાર્યવાહી કરવા વહિવટી તંત્ર કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યું હોય એમ લાગ છે.