અલ્પેશનું વૈભવી યાત્રાનું ખરેખર રાજકારણ શું છે ?

વાદ-વિવાદ – દિલીપ પટેલ

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરે ખેડૂતોના પ્રશ્નો અને બેરોજગારી મુદ્દે અલ્પેશ ઠાકોરે 20 જાન્યુઆરી 2019માં ક્ષત્રિય ઠાકોર સેના એકતાયાત્રા કાઢી છે. જેમાં લોકો જોડાઈ રહ્યાં છે. પણ અલ્પેશ ઠાકોરનો રાજકીય ગેમ પ્લાન શું છે તે સમજવા જેવું છે. દારૂના દુષણને દૂર કરવા માટેની સમાજિક યાત્રા નથી તે સંપૂર્ણ રાજકીય છે. 12 દિવસ ચાલનારી આ યાત્રાનું ગાંધીનગરમાં સમાપન થશે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એકતાયાત્રા પોતાનું શક્તિ પ્રદર્શન તો છે જ પણ અનેક રાજકીય ગણિત તેમાં કામ કરી રહ્યાં છે.

કોંગ્રેસમાં અસંતોષ

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના નેતાઓ સામે અસંતોષ જાહેર કરીને જૂથવાદ કર્યા બાદ આ યાત્રા કાઢી છે. તે ભાજપમાં ભળે તેવી અટકળો વચ્ચે આ યાત્રા કાઢવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓ સામેનું આ શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. તેઓએ કોંગ્રેસના અમિત ચાવડા અને બીજા નેતાઓ સામે શિસ્તભંગ ગણાય એવા ઉચ્ચારો કર્યા હતા. ત્યાર બાદ તેઓ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દિલ્હી મળવા ગયા હતા. જ્યાં તેમને રાહુલે મળવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. કારણ કે તેમણે ગુજરાતમાં નેતાઓ સામે ઉચ્ચારો કર્યા હતા. તેથી રાષ્ટ્રીય નેતાઓ પણ ખફા છે. તેવા સંજોગોમાં એકતા યાત્રા તેમણે કાઢી છે. ભાજપે પણ એકતા યાત્રા કાઢી હતી અને એકતા માટે સદભાવના ઉપવાસ કર્યા હતા. ત્યારે મતોનું ધ્રુવિકરણ થયું હતું અને ભાજપ કેન્દ્ર સરકારમાં સત્તા સ્થાને આવ્યું હતું.

ભાજપને જ્યાં મત નહીં ત્યાં યાત્રા

ભાજપને ગુજરાત વિધાનસભામાં જ્યાં મત મળ્યા નથી ત્યાં એકતા યાત્રાનો માર્ગ નક્કી કરાયો છે. ત્યારે કોંગ્રેસમાં એવો પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે આ વિસ્તારોમાં તો કોંગ્રેસનું પ્રભુત્વ છે તો પછી શા માટે યાત્રા કાઢવામાં આવી રહી છે. જેમાં કોઈ કોંગ્રેસના નેતાઓ સામેલ થવાનો ઈન્કાર કરી રહ્યાં છે. કોંગ્રેસના આંતરિક સૂત્રો કહે છે કે અલ્પેશની એકતા યાત્રા ખરેખર તો ભાજપને ફાયદો કરાવે તેની છે. જ્યાં ભાજપને સવર્ણોના મત મળ્યા નથી ત્યાં જો આ યાત્રા ફરે તો સવર્ણ મતદારો ફરી ભાજપ તરફ ખસે તેમ છે. તેથી કોંગ્રેસના કેટલાંક નેતાઓ આ યાત્રાને ભાજપના ફાયદા માટે કાઢવામાં આવી રહી હોવાનો આરોપ મૂકીને તેનાથી દૂર ખસી ગયા છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાના સમાચાર વહેતા થયા હતા.

ઠાકોર સેનામાં પડ્યા બે ભાગ

એક્તા યાત્રામાં ઓછા લોકોની હાજરીથી અલ્પેશની ચિંતા વધારી છે. તેણે કહ્યું કે જે લોકો સમાજને તોડવાના મનસૂબા જોવે છે, તે સફળ નહીં થાય. મુદ્દા લઈને હંમેશા લડત આપતો રહીશ. આગામી સમયમાં ગાંધીનગરમાં મોટું સંમેલન યોજવામાં આવશે. અલ્પેશ સામેના વિખવાદની અસર યાત્રામાં જોવા મળી હતી. બનાસકાંઠાના ઠાકોર સેનાના પૂર્વ પ્રમુખ મેલાજી ઠાકોર સહિત જિલ્લાના અનેક ઠાકોર આગેવાનોએ અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે. જેના કારણે ઠાકોર સમાજનો વિખવાદ ઉગ્ર બની રહ્યો છે. ઠોકર સમાજના પૂર્વ પ્રમુખ મેલાજી ઠાકોરને આમંત્રણ અપાયું ન હોવાથી અનેક આગેવાનો નારાજ થયા છે. મેલાજી ઠાકોરે સમાજના આગેવાનોને કહ્યું હતું કે જે લોકોએ ઠાકોર સેના ઊભી કરી છે તેવા લોકોને આમંત્રણ અપાયું નથી. સ્થાનિક આગેવાનોને જ ગણકાર્યા નથી. સમાજ તો પહેલેથી જ એક છે જેના કારણે અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ધારાસભ્ય બન્યા છે. તો હવે આ એકતા યાત્રા શું કામ. સમાજના લોકોને સાઈડ લાઈન કરાય છે. જેથી એકતા યાત્રા સફળ નહીં થાય. અલ્પેશ ઠાકોર પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા છે તેવો સમાજનો ઉપયોગ કરીને 2019ની ચૂંટણીમાં લાભ લેવા માંગે છે. તેમને ઠાકોર સમાજ પ્રત્યે  પ્રેમ હોય તો ઠાકોર સમાજનું ભલું કરે પણ સમાજના ભોગે રાજકારણ ન કરે. તેવું તેમણે કહ્યું હતું.

કોંગ્રેસની એકતા તૂટી

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ યાત્રાથી અંતર રાખ્યું છે અને એવું નિવેદન આપ્યું છે કે, આ યાત્રાથી કોંગ્રેસને કોઈ લેવાદેવા નથી. અલ્પેશ ઠાકોરને ભાજપમાં લાવીને કોંગ્રેસને ખતમ કરવાની ચાલ પણ રમવામાં આવી રહી હતી. કોંગ્રેસના કાર્યક્રમોમાં તેમની ગેરહાજરી પણ જોવા મળતી હતી. ત્યારબાદથી અલ્પેશ ઠાકોર ભાજપની ટોચની નેતાગીરી સાથે સંપર્કમાં હોવાની ચર્ચા વહેતી થઇ હતી. કોઈ એક ધારાસભ્ય કોંગ્રેસથી ઉપર કઈ રીતે હોઈ શકે એવો સવાલ પણ પૂછવામાં આવી રહ્યો છે. ગુજરાતના ઘણાં મોટા કોંગ્રેસના નેતાઓ ઠાકોરની વાતોથી નારાજ છે. કોંગ્રેસમાં જ અસંતોષની લાગણી છે. જગદીશ ઠાકોર, બળદેવજી ઠાકોર જેવા કેટલાંક ઠાકોર આગેવાનો અલ્પેશની પક્ષ વિરોધી વર્તુણુંકથી નાખુશ છે. પક્ષના નેતાઓ માને છે કે, હાર્દિક પટેલે અનામત માટે આંદોલન શરૂ કર્યું તેનો વિરોધ કરીને અલ્પેશ ઠાકોર નેતા બન્યા છે. તે પહેલાં તે કોંગ્રેસમાં હતા ત્યારે તેનો કોઈ ભાવ પણ પૂછતું ન હતું.

હું રાજીનામું આપીશ

થરાદના લાખાણીમાં આવેલા આગથળા ગામમાં શાળા સંકુલ માટે ડાયરામાં અલ્પેશ ઠાકોરે નોટોનો વરસાદ કર્યો હતો. જે કાયદા વિરૃદ્ધ છે. તેમણે રૂ.25 હજારની નોટો સ્ટેજ પર ફેંકી હતી. આવું પ્રદર્શન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો વિરૂદ્ધ છે. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા નોટોનો વરસાદ વરસતો હતો ત્યારે નારાજ થઈને સ્થળ છોડીને જતાં રહ્યાં હતા. ત્યારે ઠાકોરે કહ્યું કે, ઠાકોર સમાજને 50 સરકારી શાળાઓ આપે તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ.

18 જૂન 2018માં ગાયિકા ગીતા રબારીના ડાયરામાં આ રીતે જાહેરમાં ભારતની ચલણી નોટો તેમણે ફેંકી હતી. ત્યારે પણ તેમની સામે પગલાં લેવાયા ન હતા.

રૂ.100 કરોડ ક્યાં ગયા

26 જાન્યુઆરી 2016માં જીએમડીસી મેદાનમાં અલ્પેશે કહ્યું હતું કે ઠાકોર સમાજનો દરેક વ્યક્તિ રોજ એક રૂપિયો દાન કરે તો એક વર્ષમાં 100 કરોડ રૂપિયા એકઠા થશે, તેનાથી 100 સ્કુલો બાંધી શકાશે. રોજગારી આપવી જોઈએ, ગામડે-ગામડે લાઈબ્રેરી ખોલવી જોઈએ. ઠાકોર સમાજની મહિલાઓને અપીલ કરી હતી કે તમારો ભાઈ દારૂ પીતો હોય તો રાખડી નહી બાંધો. સરકાર દારૂની હાટડીઓ બંધ કરે એવું પણ કહ્યું હતું. લોકોએ રૂ.100 કરોડ આપ્યા કે કેમ અને જો આપ્યા હોય તો તે ક્યાં વાપર્યા તેવો સવાલ પણ પૂછવામાં આવી રહ્યો છે.

લાખોની કેરેવાનમાં ગરીબો માટે યાત્રા

ગુજરાતના ક્ષત્રિય નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય 20 જાન્યુઆરીથી ખેડૂતોના સમસ્યા અને રોજગારીના પ્રશ્નોને લઈને એકતાયાત્રા નીકાળવા જઈ રહ્યા છે. રોજગારી અને ખેડૂતો માટે એકતા યાત્રાનો કોઈ મતલબ નથી. ફિલ્મસ્ટારને ટક્કર મારે તેવી આધૂનિક કેરેવાનમાં તે નિકળ્યો છે. જેમાં બધી જ સુખ સુવિધા છે. ગરીબ લોકો રસ્તા પર છે અને અલ્પેશ ભવ્ય કારમાં ફરે છે. આરામદાયક સોફા, વિશાળ ટીવી સ્ક્રીન, સાઉન્ડ સિસ્ટમ, સંડાસ બાથરૂમ અને મીની ફ્રીજ સહિતની સુવિધાઓથી સજ્જ વાન છે. લકઝરીયસ વાનમાં અલ્પેશ ઠાકોર ગરીબ વર્ગની વાત કરી રહ્યો છે. અલ્પેશની યાત્રાથી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ તેજ બની રહ્યાં છે. કોંગ્રેસની એકતા તૂટી રહી છે. ગરીબોની વેદનાને વાચા આપવા માટે વૈભવી વાનમાં બેસીને ફરે છે. અલ્પેશ ઠાકોરે પરપ્રાંતીયો મુદ્દે ટિપ્પણી કરતાં ગુજરાતમાં તોફાનો થયાં હતા અને એક લાખ પરપ્રાંતીયોને ગુજરાત બહાર હિજરત કરવી પડી હતી. ગરીબ ખેડોતા માટેની યાત્રા સાદગીને બદલે શાહી ઠાઠ ધરાવે છે. તેના નાણાં ક્યાંથી આવ્યા તે સવાલ ઊભો થયો છે. શાહી ઠાઠ સાથે તૈયાર કરાયેલી આ લક્ઝુરિયસ વાન 25 નવેમ્બર 2011માં આરટીઓમાં બી-નાનજીભાઈ એન્ટરપ્રાઈઝ લિ., અમદાવાદના નામે નોંધાયેલી છે. ઈન્ટીરીયર ડેકોરેશન સાથે તે રૂ.42 લાખની હોવાનું માનવામાં આવે છે. 28 મે 2017માં તેમણે ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચની અમદાવાદ થી સોમનાથ સુધીની ગુજરાત વિજય સંકલ્પ યાત્રા કાઢી ત્યારે રૂ.80 લાખની જગુઆર સહિતની 182 મોંઘી ગાડીઓ ગાડીઓના કાફલો જોડાયો હતો. જીએમડીસીની સભામાં પણ વૈભની કાર લઈને સભા સ્થળે તે આવ્યા હતા.

હું મુખ્ય પ્રધાન બનીશ

બરાબર ત્રણ વર્ષ પહેલાં 26 જાન્યુઆરી 2016માં – ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા વ્યસનમુક્તિ મહાકુંભના નામે જીએમડીસી મેદાન અમદાવાદમાં શક્તિ પ્રદર્શન યોજાયું હતું. તેણે કહ્યું હતું કે, રાજકીય મહાકુંભ નથી. પણ દારુ દૂર કરવા માટે છે. પછી તે તુરંત કહે છે કે મને એક દિવસ મુખ્યપ્રધાન બનાવવામાં આવે તો દારૂબંધી લાદી દઉં. પછી તુરંત કહે છે કે, 2017માં મુખ્ય પ્રધાન પોતે નક્કી કરશે. પણ મારી સેના બિન રાજકીય છે.  નેતા નથી બનવું, પણ મુખ્યપ્રધાન બનવું છે. એક મહિનો દારુના અડ્ડાઓ સામે જનતા રેડ કરી હતી.

ઠાકોર સેનામામાં બાળવાની સ્થિતી

ઠાકોર સેનામાં 7 ઓક્ટોબર 2018માં ઠાકોર સેનામાં બળવા જેવી સ્થિતી ઊભી થઈ હતી. દશેરા બાદ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ગાંધીઆશ્રમથી અંબાજી સુધીની ન્યાય યાત્રા શરુ કરી શક્તિ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. તેમાં કેટલાંય યુવાઓ અલ્પેશ ઠાકોરનો સાથ છોડવાની તૈયારી કરી ચૂક્યાં હતા. ઠાકોર યુવાઓનો સાથ ન મળતા અલ્પેશ ઠાકોરે 29 સપ્ટેમ્બર 2018થી શરુ થનારી OBC અધિકાર યાત્રા બીજીવાર રદ કરવી પડી હતી. યુવાઓ હવે અલ્પેશ ઠાકોરને સાથ આપવાના મૂડમાં નથી. જે તેના પરથી સ્પષ્ટ થાય છે. આમ જ્યારે યુવાનો પોતાનો સાથ છોડી રહ્યાં હતા.  ઠાકોર સેનાના ખભે બંદૂક ફોડી અલ્પેશ ઠાકોર હવે રાજકીય કારણોસર યાત્રા કાઢીને ભાજપને આડકતરો ફાયદો કરાવી રહ્યા છે. અલ્પેશ સામે ઠાકોર યુવાઓમાં આક્રોશ ભભૂક્યો હતો. ઠાકોર સેનાના નામે ભાજપ સરકાર સાથે રાજકીય સેટિંગ કરાતાં ઠાકોર યુવાઓ હવે ઠાકોર સેનાને અલવિદા કરવાના મૂડમાં આવી ગયા છે. એક તબક્કે અલ્પેશ ઠાકોરની મનમાનીભરી રાજનીતિથી કંટાળી ઠાકોર યુવાઓ ક્ષત્રિય ઠાકોર સેનાને નવું રુપ આપવાની તૈયારી કરી હતી. અત્યારે તો ઠાકોર સેનામાં ઊભા ફાડીયા થાય તેમ છે.

200 યુનાનોના ગુના અંગે મૌન

સાબરકાંઠામાં 14 માસની બાળકીના દુષ્કર્મ પ્રકરણ બાદ સાબરકાંઠા, અરલ્લી, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં 200 ઠાકોર યુવાઓ વિરુધ્ધ પોલીસકેસો નોંધાયા હતા તે અંગે અલ્પેશ કંઈ કરવા તૈયાર નથી અને પોતાની રાજકીય મહત્વકાંક્ષા માટે સેનાનો ઉપયોગ કરી રહ્યાં હવાનું જણાય છે. 200 કાર્યકરો સામે ઠાકોર સેનાના યુવા આગેવાન અમિત ઠાકોરની લોકપ્રિયતા વધી હતી કારણ કે સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ તેમણે આપ્યું હતું. જેના કારણે સરકારે ફાસ્ટકોર્ટનો નિર્ણય લેવો પડયો પણ અલ્પેશ ઠાકોરે હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો ન હતો.

હાર્દિકના પગલે અલ્પેશ

હાર્દિક પટેલે અનામત આંદોલન શરૂ કર્યું તેની સાથે અલ્પેશ ઠાકોરે અનામત બચાનો આંદોલન શરૂ કર્યું હતું. ખરેખર તો બીજા અનામત પર કોઈ તરાપ આવતી ન હોવા છતાં લોકોની સાથે તેમણે બનાવટ કરી હતી. હવે જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જવાની તૈયારી કરી રહ્યાં છે ત્યારે જ અલ્પેશ ઠાકોરે ફરી એક વખથ યાત્રાનું ત્રાગું કર્યું છે. આમ તે હાર્દિકના પગલે ચાલતા રહ્યા છે જેમાં તેના રાજકીય ફાયદો થતો રહ્યો છે.

(દિલીપ પટેલ)