હિંમતનગરના ગામમાં બાળકી સાથે દુષ્કર્મમાં અન્ય રાજ્યના આરોપીનું નામ બહાર આવ્યા બાદ જે રીતે પરપ્રાંતીયો સામે સ્થાનિક સ્તરે રોષ શરૂ થયો હતો. ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાનો મુદ્દો સ્થાનિક સ્તરે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય સોગઠાંબાજીથી આગળ વધીને આજે રાષ્ટ્રીય સ્તરે પણ ગુંજ્યો હતો. તેના પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફોન કરીને ચિંતા વ્યક્ત કરી છે. તેમ છતાં અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં પરપ્રાંતિય શ્રમિકો પર હુમલાના બનાવો જારી રહ્યા હતા.
કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના અગ્રણી અલ્પેશ ઠાકોરે પરપ્રાંતીયો વિશે કરેલાં ઉશ્કેરણીજનક નિવેદનોના વીડિયો અને તે પછીની ઘટનાઓ અંગે ભાજપ સરકાર અલ્પેશ ઠાકોરને જવાબદાર ગણાવી રહી છે. અલ્પેશ ઠાકોર આજે અમદાવાદમાં એક દિવસનાં સદ્ભાવના ઉપવાસ પર બેઠા છે. ઉપવાસ પર બેસતા પહેલા તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી. અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસને કોંગ્રેસે સમર્થન આપ્યું છે. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ગાંધી અને સરદારના ગુજરાતમાં હિંસાને કોઈ જ સ્થાન નથી. જે બનાવો બન્યાં છે તે ખૂબ જ દુઃખદ છે. જેણે પણ હિંસા ફેલાવી હોય તેને ગુજરાત સરકાર સજા કરે.’