અલ્પેશ ઠાકોરનો નવો દાવઃ જો ઠાકોર સેના કહેશે તો હું રાજીનામું આપીશ

ગુજરાતમાં પરપ્રાંતિયો પર થઈ રહેલાં હુમલામાં રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઠાકોર સેના દ્વારા પરપ્રાંતિયો વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો જવાબદાર હોવાનો આરોપ ભાજપ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. તો છેલ્લાં કેટલાંક દિવસોથી ચાલી રહેલી હુમલાની ઘટના અને તેનાં કારણે શરૂ થયેલી હિજરતનાં દૌરમાં તમામ ઠીકરાં અલ્પેશ પર ફૂટી રહ્યાં છે ત્યારે આજે અલ્પેશ ઠાકોરે આ મામલે મોટું નિવેદન કર્યું હતું. અલ્પેશે વ્યથિત થઈને કહ્યું હતું કે, જો મેં કે મારી ઠાકોર સેના દ્વારા આ હુમલા કરાવાયા હોવાનું સાબિત થાય તો બે દિવસમાં હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ. આ પ્રકારનું નિવેદન કરીને તેણે પોતાનો બચાવ કર્યો છે અને પોતાનાં પક્ષમાં પોતાનાં તરફી વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો અલ્પેશનાં આ નિવેદન મામલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ખોટી રીતે કોંગ્રેસ અને અલ્પેશ ઠાકોરને બદનામ કરવાનું ષડયંત્ર ભાજપ કરી રહ્યું છે.
હિંમતનગરનાં ઢૂંઢર ગામે 14 મહિનાની બાળકી પર પરપ્રાંતિય દ્વારા કરાયેલાં દુષ્કર્મ બાદ પરપ્રાંતિયો પરનાં હુમલા શરૂ થયાં હતાં. જેનાં કારણે ભયથી ધ્રુજી ઉઠેલાં પરપ્રાંતિયો અને તેમાં પણ ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારનાં લોકો જે અહીં રોજગારી માટે સ્થાયી થયાં હતાં તેઓએ પોતાનાં વતનની વાટ પકડી લીધી છે. એક અહેવાલ મુજબ અત્યારસુધીમાં અંદાજે એક લાખ જેટલાં લોકો ગુજરાત છોડીને પોતાનાં વતન તરફ ચાલ્યાં ગયાં છે.
28મી સપ્ટેમ્બરે ઢૂંઢર ગામે બનેલી ઘટના બાદ કોંગ્રેસનાં રાધનપુરનાં ધારાસભ્ય અને ઠાકોર સેનાનાં વડાં અલ્પેશ ઠાકોરનાં વિવાદિત નિવેદનોને કારણે ઉશ્કેરાયેલા ઠાકોર સેના દ્વારા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં નોકરી માટે આવેલાં કે પેટિયું રળતાં પરપ્રાંતિયો પર હુમલા કરવાની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે. ત્યારે તેનો દોષનો ટોપલો કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ઉપર ફોડવામાં ભાજપે કોઈ કચાશ રાખી નથી. અને તેનાં કારણે આજે સવારે અમદાવાદ ખાતે અલ્પેશ ઠાકોરે જો આરોપ પૂરવાર થાય તો પોતે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેશે એવી ચીમકી ઉચ્ચારી હતી. જેનાં કારણે આ મામલે રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. અલ્પેશ ઠાકોરે khabarchhe.comને જણાવ્યું હતું કે, પોતાનાં સમાજને બદનામ કરવાનું ષડયંત્ર ભાજપ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. અને આ મામલે તે પોતે ઠાકોર સમાજ સાથે વાતચીત કરીશ અને જો ઠાકોર સેના કહેશે તો ગુરૂવારે સદભાવના ઉપવાસ કરવાનો છું ત્યારબાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ. જોકે પોતે કે તેની ઠાકોર સેના પરપ્રાંતિયો પરનાં હુમલા માટે જવાબદાર નથી એવો રાગ પણ તેમણે આલાપ્યો હતો. અલ્પેશે વધુમાં જણાવ્યું કે, તેને કોંગ્રેસ પક્ષ દ્વારા બિહારનો સહપ્રભારીનો હવાલો આપવામાં આવ્યો હોવાનાં કારણે અને બિહારમાં વધી રહેલી લોકપ્રિયતાને પચાવી ન શકનાર ભાજપ દ્વારા ગંદી રાજનીતિ રમવામાં આવી રહી છે.
જોકે અલ્પેશનાં આ નિવેદન બાદ રાજ્યનાં મુખ્યમંત્રી નીતિન પટેલે સણસણતો જવાબ આપતાં કહ્યું કે, પરપ્રાંતિયો પર હુમલાઓ કોણે કરાવ્યાં છે તે તમામ લોકો જાણે છે. અને કોનું સંગઠન આ હુમલાઓ માટે જવાબદાર છે તે પણ લોકો જાણે છે. તેમણે વધુમાં કહ્યું કે, આ મામલે તપાસ ચાલી રહી છે અને તપાસ બાદ જે કોઈ જવાબદાર હશે તેની ધરપકડ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાં સમય પૂર્વે બહુચરાજી ખાતે એક સંમેલનમાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, ગુજરાતનાં લોકોની રોજગારી બીજા રાજ્યોમાંથી આવેલાં લોકો છીનવી રહ્યાં છે અને તેનાં કારણે ગુજરાતનો યુવાન બેકારીનાં ખપ્પરમાં છે. ત્યારે અન્ય રાજ્યોનાં લોકો આપણી રોજગારી ન છીનવી જાય તે માટે આપણે સામનો કરવો પડશે. આ પ્રકારનાં નિવેદનોને કારણે પરિસ્થિતિ આજે એટલી વણસી છે કે, પરપ્રાંતિયો પર હુમલાનું પ્રમાણ છેલ્લાં આઠ દિવસ દરમિયાન વધ્યું છે. અને એક અહેવાલ મુજબ આઠ દિવસમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં કેટલાંક વિસ્તારો સહિત અમદાવાદ શહેરમાં પણ પરપ્રાંતિયો પર હુમલા કરીને તેમને ધમકીઓ આપવામાં આવી છે. જોકે, રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહીની શરૂઆત કરાયા બાદ અત્યાર સુધીમાં 450થી વધુ લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે.