અલ્પેશ ઠાકોરનો બન્ને પક્ષમાં વિરોધ કેમ થઈ રહ્યો છે

સત્તાની સાઠમારી – દિલીપ પટેલ – વિશ્લેષણ

ઠાકોર સમાજના આગેવાનોએ પૂર્વ સાંસદ નટુજી ઠાકોરની આગેવાનીમાં સીએમ વિજય રૂપાણીને રજૂઆત કરી હતી કે, અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ ના આપવામાં આવે. શંકર ચૌધરી જે રીતે અલ્પેશ ઠાકોરને સામેથી મળવા ગયા હોવાથી અટકળો પણ થઈ રહી છે કે, કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં  જોડાશે. જેનો વિરોધ ભાજપના નેતાઓ કરી રહ્યાં છે. તેઓ પક્ષના નેતાઓ સમક્ષ તો રજૂઆત કરી છે પણ હવે મુખ્ય પ્રધાન સમક્ષ પણ રજૂઆત કરી છે કે અલ્પેશ ઠાકોરનો ભાવ કોંગ્રેસમાં પૂછવામાં આવતો નથી તેથી તે ભાજપમાં આવવા માટે હવાતિયા મારે છે. આ વાત સાંભળીને મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, 2019ની લોકસભાની ચૂંટણની ચિંતા કરો. બીજું બધું પક્ષ પર છોડી દો.

મુખ્ય પ્રધાનને મળ્યા

ભાજપના પૂર્વ સાંસદ નટુજી ઠાકોરની આગેવાનીમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને કેટલાંક લોકો મળવા ગયા હતા. તેમની મુખ્ય વાત એ હતી કે, અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ આપવામાં ન આવે. ઉત્તર ગુજરાતના લોકો તો ભાજપ સાથે છે તો પછી અલ્પેશને લેવાથી નુકસાન થશે.

શ્રમ રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરની કચેરીમાં ઠાકોર સમાજના બધા નેતાઓએ બેઠક યોજી હતી. જેમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર, પૂર્વ પ્રધાન કેશાજી ઠાકોર, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભા શાસક પક્ષક દંડક ભરત ડાભી, પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ, પૂર્વ પ્રધાન માધુભાઈ ઠાકોર, રોહિત ઠાકોર હાજર હતા. આમ કોંગ્રેસના ધારાસભ્યને ભાજપમાં લેવામાં આવતાં તેમની સામે ભારે વિરોધ ઊભો થયો છે. કોંગ્રેસના ઠાકોર સમાજના નેતાઓ અલ્પેશથી નારાજ છે. અલ્પેશ ઠાકોર દ્વારા ઠાકોર સમાજને ભ્રમિત કરવામાં આવી રહ્યો હોવાનું મોટા ભાગના નેતાઓ માની રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આ મુદ્દે એક છે. તેઓ હવે જાહેર કાર્યક્રમો પણ આપવા લાગ્યા છે.

દિલીપ ઠાકોર પણ નિષ્ફળ

ભાજપ પાસે ઠાકોર સમાજમાં સર્વમાન્ય રાજકીય નેતા નથી. ભાજપ દ્વારા ઠાકોર નેતાઓને આગળ કરવામા આવે છે. પણ તેમાં કોઈ સફળ થયા નથી. ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ નટુજી ઠાકોરને પસંદ કરી અજમાવ્યા હતા.

દિલિપ ઠાકોરને પ્રધાન બનાવાયા પણ તેમના કુટુંબના ઝઘડાઓના કારણે સમાજમાં પ્રતિષ્ઠા ઘટી છે. તેઓ પણ નેતૃત્વ કરી શકે તેમ નથી. ભાજપના નેતાઓ માને છે કે, અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી પક્ષાંતર કરાવીને ભાજપમાં લાવવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ લોકસભાની બેઠક પર ભાજપને ફાયદો થાય તેમ છે. તેથી દિલ્હી ભાજપના નેતાઓએ અલ્પેશ ઠાકોરનું ઓપરેશન હાથ ધર્યું છે.

કોંગ્રેસને કોઈ ફાયદો ન થયો

અલ્પેશ ઠાકોરને લઈ કાંગ્રેસમાં કકળાટ, ભાજપ નેતા સાથે સંબંધ હોવાની પણ ફરિયાદ ઊભી થઈ છે. કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ એવું માને છે કે, અલ્પેશને કોંગ્રેસમાં ફરીથી લઈને મોટી ભૂલ કરી છે. તે શંકરસિંહના થઈ શક્યા નથી તો કોંગ્રેસના કઈ રીતે થશે. એવો પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે.

35 બેઠક એવી છે કે જ્યાં ઠાકોર ઉમેદવાર જ જીતે

40 હજારથી 1 લાખ સુધીના ઠાકોર મતદારો ધરાવતી વિધાનસભઆની 35 બેઠકો છે. જે ખરેખર તો અલ્પેશના પ્રભાવથી જીતવી જોઈતી હતી, પણ કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં 8 બેઠક જ ઠાકોરની આવી છે. મધ્ય ગુજરાતમાં 4 આવી છે. તેની સામે પાટીદારોના 18 ધારાસભ્યો છે. તેનો મતલબ કે ઠાકોર મતદાર જ્યાં વધુ હતા ત્યાં ભાજપને વધુ બેઠક મળી છે. 40 હજારથી 1 લાખ ઠાકોર મતદારો ધરાવતી બેઠકો જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પૂરતા જ ઠાકોર મતદારો છે.

વાવ, કાંકરેજ, રાધનપુર, ચાણાસ્મા, પાટણ, સિદ્ધપુર, ખેરાલુ, વિસનગર, બેચરાજી, કડી, હિંમતનગર, ઈડર, ભીલોડા, મોડાસા, બાયડ, પ્રાંતિજ, દહેગામ, ગાંધીનગર-નોર્થ, કલોલ, વિરમગામ, દસક્રોઈ, ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજીત્રા, માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા અને કપડવંજનો સમાવેશ થાય છે.

12 બેઠકો એવી છે કે ઠાકોર મતદારોની સાથે રહીને જીતી શકાય તેવી હતી. જેમાંથી કોંગ્રેસને બહુ ઓછી મળી છે. 12 બેઠક એવી છે કે, જ્યાં પક્ષના અન્ય જ્ઞાતિના ઉમેદવારને જીતવા મદદ કરી શકે. થરાદ, ધાનેર, વિરમગામ, પાલનપુર, ડીસા, વિજાપુર, ખેડબ્રહ્મા, મહેસાણા, ગાંધીનગર, સાણંદ, માણસાનો સમાવેશ થાય છે.

કેમ એંધલા-વિરમગામ છોડ્યું?

અલ્પેશ ઠાકોરનું વતન અને કાર્યક્ષેત્ર વિરમગામ છે જ્યાં ઠાકોર મતદારો વધુ છે તેમ છતાં તે છોડીને તેમણે સિદ્ધપુર જવું પડ્યું હતું. જો તેઓ ખરા નેતા હોત તો વિરમગામથી જ ચૂંટણી લડ્યા હોત. ઠાકોર સમાજના મતદારો પહેલેથી જ પરંપરાગત રીતે કોંગ્રેસની મત બેંક રહી છે. માધવસિંહ, ભરતસિંહ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર જેવા નેતાઓ કોંગ્રેસે આપ્યા છે. માધવસિંહ સોલંકીને બાદ કરતા તમામ ઠાકોર નેતાઓએ ઠાકોર સમાજનો મત બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે. હવે અલ્પેશ ઠાકોર કરી રહ્યા છે. દારૂબંધીનું આંદોલન બંધ છે. સમાજ સુધારાની વાતો હવે હવાઈ ગઈ છે. માત્ર રાજકારણ ખેલી રહ્યા છે.

અલ્પેશ ઠાકોરનો ઉદય કેમ થયો?

અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજી ઠાકોર 1997થી કોંગ્રેસમાં છે. 2009મા અલેપશ ઠાકોર યુવક કોંગ્રેસની ચૂંટણી લડ્યા હતા પણ તે પ્રમુખ તરીકેની ચૂંટણી હારી ગયા હતા. તેથી તે યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ બન્યા હતા. પછી શંકરસિંહની ઠાકોર સેના બંધ કરી તો તે અલ્પેશ ઠાકોરને આપી દેવામાં આવી હતી. તે સમયે અલ્પેશ ઠાકોર શંકરસિંહ વાઘેલાની કાર ચલાવવાનું પણ કામ કરતા હતા. ત્યાં સુધી તેમને કોઈ ઓળખતું પણ ન હતું પરંતુ હાર્દિક પટેલે અનામત આંદોલન શરૂ કર્યું એટલે શંકરસિંહ વાઘેલા જગદીશ ઠાકોરને હાર્દિક પટેલ સામે ઊભા કરીને રાજનીતિ કરવા માગતા હતા. આ અંગે અમદાવાદ સર્કિટ હાઉસમાં બેઠક પણ થઈ હતી. આ રાજકીય ચાલની જાણ કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકીને થતા તેમણે અલ્પેશ ઠાકોરને હાર્દિક પટેલ સામે સુભાષ બ્રિજ – આરટીઓ સર્કલ પર ઉપવાસ કરવા બેસાડી દીધા હતા. મીડિયાએ હાર્દિક સામે અલ્પેશ ઠાકોરની પણ વાત લખવા માંડી અને અલ્પેશ ઠાકોર ઝીરોમાંથી હીરો બની ગયા હતા અને પછી કોંગ્રેસમાં જવાનું નર્યું નાટક કર્યું હતું. તે કોંગ્રેસમાં જ વર્ષો સુધી રહ્યા છે. તે નેતા ન હતા પણ તેમને ભરત સોલંકીએ નેતા બનાવી દીધા હતા. ઓછી મહેનતે તે નેતા બની ગયા હતા. ગુજરાતનું રાજકારણ હમેશ પટેલ અને ક્ષત્રિય સમાજ વચ્ચે ખેલાતું રહ્યું છે. જેનો સીધો ફાયદો અલ્પેશ ઠાકોરને મળ્યો હતો.

કોંગ્રેસે 7 ટિકિટ આપી

અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં લાવવાનું અહેમદ પટેલે નક્કી કર્યું તે સમયે અલ્પેશ ઠાકોર જાહેરમાં કહેતા હતા કે ગુજરાતના મુખ્યમંત્રી ઠાકોર હશે પણ મુખ્યમંત્રીની વાત કોંગ્રેસે માની નહીં એટલે નાયબ મુખ્યમંત્રીની વાત કરી પછી વિધાનસભાની 30 ટિકિટો માગી. તેટલી આપવા ઇનકાર કર્યો એટલે 17 ટિકિટ માગી અને છેલ્લાં કોંગ્રેસે તે કહે એવી 7 ટિકિટો આપી હતી. વિધાનસભાની 7 ટિકિટ આપી તેમાં ત્રણ જીતી શકાઈ અને 4 બેઠકો કોંગ્રેસે ગુમાવી હતી. સિદ્ધપુર, બહુચરાજી અને ધવલસિંહ જીતી શક્યા. ખેરાલુ અને ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરના ઉમેદવાર હારી ગયા હતા.

અલ્પેશ ઠાકોર તેના પિતા સાથે ભાજપમાં જશે તો શું થશે?

જેમના પર હમણાં જ કોંગ્રેસની અંદર ભ્રષ્ટાચારના આરોપો મૂકાયા છે એવા અલ્પેશ ઠાકોર ભાજપમાં જવા તમામ પ્રયાસો કરી રહ્યો છે. અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજી ઠકોર પર પણ ભાજપમાં હતા. તેમની સામે અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચારના આરોપો હતા. પિતા અને પુત્રને કોંગ્રેસમાં હવે તેમને પ્રદેશ નેતાઓ ગાંઠતા નથી અને તેને મહત્ત્વના પદો જોઈએ છે. તેથી કુંવરજી બાવળીયાની જેમ તેને જો પ્રધાન બનાવવામાં આવે તો સત્તા મેળવવા તે ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપના કેટલાક નેતાઓને તે મળી ચૂક્યો છે. તેમાં પણ તેમણે કેટલીક આકરી શરતો મૂકી છે.

તે જો ભાજપ સ્વીકારી લે તો ભાજપમાં ગુલાંટ મારી શકે છે. તેમના પિતા ખોડાજી ઠાકોરને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી અમિત ચાવડાએ ખરાબ રીતે હાંકી કાઢ્યા બાદ તેઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે. કારણ કે ખોડાજી ઠાકોર ભાજપમાં હતા અને આનંદીબેન પટેલના પતિ સાથે કામ કરી ચૂક્યા છે. જો ભાજપમાં પિતા પુત્ર જશે તો અમદાવાદ અને ઉત્તર ગુજરાત ભાજપમાં વિરોધ પ્રદર્શન થશે. જોકે કોંગ્રેસના ઠાકોર સમાજના કોઈ કાર્યકર તેમની સાથે નહીં જાય. કારણ કે ઠાકોર સમાજ હંમેશાં કોંગ્રેસ સાથે રહેલો છે.

આમ કંગ્રેસના વિવેચકો માને છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં આવ્યા તેનાથી પક્ષને ફાયદો થવો જોઈતો હતો પણ નુકસાન વધું થયું છે. તેથી તેનું મહત્વ કોંગ્રેસમાં ઓછું થયું છે. હવે ભાજપમાં પણ એવો જ વિરોધ થઈ રહ્યો છે. ભાજપના ઠાકોર સમાજના નેતાઓ એવું માને છે કે, અલ્પેશ ભાજપમાં આવશે તો ફાયદો થવા કરતાં નુકસાન વધું થશે. શંકર ચૌધરી તેમને એટલા માટે મળવા ગયા હતા કારણ કે તે ઠાકોરને ભાજપમાં લાવવા માંગે છે અને તેનો ઉપયોગ કરીને ઉત્તર ગુજરાતમાં લોકસભાની તેઓ ચૂંટણી જીતવા માંગે છે.