ભાજપની જાદુઈ આંગળીથી નાચતા અલ્પેશ ઠાકોર ન તો ભાજપે સ્વિકાર્યો કે ન તો કોંગ્રેસે સ્વિકાર કર્યો. કોંગ્રેસે ઘસીને કહી દીધું કે અલ્પેશે જે દિવસે પક્ષમાંથી રાજીનામું આપી દીધું તે જ દિવસથી કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્વિકારી લીધું હતું. ધારાસભ્ય પદેથી હટાવવા માટે કોંગ્રેસે માસ્ટર પ્લાન ઘડી નાખ્યો છે.
કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવેએ જાહેરાત કરી હતી કે, અલ્પેશ ઠાકોરની કોંગ્રેસમાંથી વિદાય નિશ્ચિત છે. અલ્પેશનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષે સ્વિકારી લીધુ છે. હવે અલ્પેશનો મામલો કોંગ્રેસ અને અમારા માટે ખતમ થઇ ગયો છે. અલ્પેશને કોંગ્રેસે તાકાત આપી હતી. પરંતુ અલ્પેશે હંમેશાં પાર્ટી વિરોધી સૂર અને કામો કર્યા છે. રાહુલ ગાંધીએ તો અલ્પેશ પર વિશ્વાસ મૂકીને AICCના સેક્રેટરીની જવાબદારી આપી હતી. પરંતુ અલ્પેશે તેની પર કદર કરી નહોતી.
અલ્પેશનું ધારાસભ્ય પદ છીનવવા માટે 7 વકીલની ટીમની મદદથી કોંગ્રેસ તરફથી એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે કોર્ટમાં અલ્પેશ વિરુદ્ધ મજબૂત લડાઇ લડશે.
આમ હવે અલ્પેશ ઠાકોરની રાજકીય કારકીર્દી ખતમ થઈ ગઈ છે.
લોકસભા ચૂંટણીના ખરા સમયે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડીને દગો કર્યો છે. ઠાકોર સેનાના નામે બનાસકાંઠા અને ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા કરી ભાજપને જીતાડવાની સોપારી લીધી છે. ઠાકોર સમાજના આગેવાનો જાહેરમાં કહી રહ્યા છે કે, અલ્પેશે સમાજના ખભે બંધૂક મૂકી રાજકીય રોટલા શેક્યા છે, સમાજ સાથે ગદ્દારી કરી છે.
એક સમયે તે અમદાવાદના રાણીપમાં સાદા મકાનમાં રહેતો હતો, આજે એ જ જગ્યાએ મકાન તોડીને આલીશાન બંગલો તૈયાર કરાવ્યો છે. પહેલાં તે સાદી કારમાં ફરતો હતો, આજે મોંઘીદાટ કારમાં ફરતો થયો છે, તેની પાસે એક નહીં પરંતુ સ્કોડા, ટોયોટા ઈનોવા સહિતની 4 કાર થઈ ગઈ છે. છેલ્લા એક દોઢ વર્ષમાં જ આ ગાડીઓ આવી છે.
પોતે સમૃદ્ધ થયો છે પણ, જેના માટે લડાઈ લડી એ ઠાકોર સમાજના યુવાનોને હજુ સુધી નોકરી મળી નથી. શિક્ષણનો હક્ક અપાવવાની વાત કરી હતી એ આજે ય રઝળપાટ કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોરની અસ્થિરતાનો ભોગ આજે ઠાકોર સમાજ બન્યો છે. સમાજને માત્રને માત્ર ગુમરાહ કર્યો છે. જે કોંગ્રેસે ધારાસભ્ય બનાવ્યો તેના જ ઉમેદવારને હરાવવા માટે ધમપછાડા કરી રહ્યો છે. અલ્પેશે અન્ય મિલકતો પણ વસાવી હોવાનો સૂત્રોનો દાવો છે.
2017ની વિધાનસભાની ચૂંટણી રાધનપુરથી લડ્યો એ પહેલાં રાધનપુરમાં એક ડોક્ટરને ટિકિટ આપવાનું વચન આપ્યું હતું. તેથી તબીબે સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું. અલ્પેશે પોતે જ ચૂંટણી લડતાં ડોક્ટરને વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થયો હતો. રોષે ભરાયેલા આ ડોક્ટરે એક તબક્કે અપક્ષ તરીકે પણ ઉમેદવારી કરી નાંખી હતી.
અલ્પેશ ભાજપમાં જોડાય તો કોંગ્રેસની માફક ભાજપને નુકસાન કરશે. તેથી તે હવે અપક્ષ કે નાના પક્ષ સાથે જોડાઈ રહેશે. તેના પિતા ખોડાજી ઠાકોરની જેમ તેમણે પણ રાજકીય આત્મહત્યા કરી છે.
પરપ્રાંતીયો ઉપર હિંસાની ઉપરાછાપરી ઘટનાઓ બનતા ગુજરાતમાં થોડોક સમય માટે 15 લાખ કામદારોની રોજીરોટીને સીધી અસર થઈ હતી. ગુજરાતના ઉદ્યોગો ઠપ્પ થઈ ગયા હતા. 50 લાખ પરપ્રાંતિય કામદારો ગુજરાતમાં છે. તેથી કોંગ્રેસ હાઈકમાન્ડે તેનાથી અંતર રાખવાનું શરૂ કર્યું હતું. અલ્પેશ જો ભાજપમાં જોડાય તો ભાજપને પણ ફાયદા કરતાં વધુ નુકસાન પહોંચાડે તેવી પૂરેપૂરી શક્યતા છે.
લોકસભાની ચૂંટણીલક્ષી 7 સમિતિમાં પોતે હોદ્દા લીધા હતા. પણ ઠાકોર સમાજના એક પણ કાર્યકર્તા કે નેતાને સ્થાન આપવાના બદલે પોતે મહત્વના પદો પર ચઢી બેઠો હતો.
થોડાક સમય પહેલાં અલ્પેશના પરિવારમાં લગ્ન હતા. આ લગ્ન સમારોહમાં ભપકો-ઝગમગાટ એવાં હતા કે કોઈ ઉદ્યોગપતિને પણ ટક્કર મારે એવા લગ્ન હતા. ઓછામાં ઓછો રૂ.2 કરોડ ખર્ચ સમારોહ પાછળ થયો હતો.