અલ્હાબાદ પ્રયાગરાજ થયું, અમદાવાદ કર્ણાવતી કે આશાવલ ન થયું, ભાજપની 30 વર્ષની છેતરપીંડી 

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની ભાજપ સરકાર સત્તામાં આવતા જ અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી દીધુ છે. ગુજરાતમાં 30 વર્ષથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની ગુજરાતના લોકોને વચનો આપવામાં આવી રહ્યાં છે પણ ભાજપની કેન્દ્ર સરકાર હોવા છતાં અમદાવાદનું નામ કર્ણાવતી કે આશાવલ કરાયું નથી. ગુજરાતમાં ભાજપની 23 વર્ષથી સરકાર છે. છતાં અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરી શકી નથી, કરવા માંગતી નથી એવું હવે યોગી સરકારના નિર્ણય પછી લાગે છે.

હાલમાં કેન્દ્રમાં પણ સંપૂર્ણ બહુમતી વાળી ભાજપ સરકાર છે અને ગુજરાતમાં ભાજપની રૂપાણી સરકાર છે ત્યારે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવામાં રૂપાણી સરકારને જરા પણ રસ નથી. અગાઉના અમદાવાદના 18 મેયર અને પાંચ મુખ્ય પ્રધાનો અમદાવાદનું નામ કર્ણાવતી કરવાના વચનો આપી ચૂક્યા છે. પણ હવે તેમને કોઈ શરમ નથી.

નિર્જરના ધારાસભ્ય સુનિલ ગામીત દ્વારા ગુજરાત વિભાનસભામાં ભાજપની વિજય રૂપાણી સરકારને આકરો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તેનો ઉત્તર 31 માર્ચ 2018માં આપવામાં આવ્યો હતો કે, ગુજરાત સરકારે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા માટે કેન્દ્ર સરકારને કોઈ દરખાસ્ત કરી નથી. અમદાવાદના મેયર પણ કહી શકતાં નથી કે તે અમદાવાદ રાખવા માંગે છે કે કર્ણાવતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ રાજ્ય કે કેન્દ્ર સરકારના એવી કોઈ જ દરખાસ્ત કહી નથી કે અમદાવાદનુ નામ બદલીને કર્ણાવતી કરવામાં આવે.

ગુજરાતનો ઈતિહાસ કહે છે કે અમદાવાદ પહેલાં આશાવલ કે આશાપલ્લી શહેર હતું. જે હાલના રાયપુર-ખાડીયા પાસે બતાવવામાં આવે છે. અહીં ખાડીયા પાસે આશાભીલનો ટેકરો છે. જે સૌથી મોટો પૂરાવો છે. પણ કર્ણાવતી નામના કોઈ પુરાવા ઈતિહાસમાં નથી.

ભીલીસ્તાન ટાઈગર સેના કહે છે કે અમદાવાદ પૂર્વે કર્ણાવતી નામ ન હતું. અમદાવાદનું પહેલું નામ આશાવલ હતું અને તે આશાવલ નામના ભીલ રાજા દ્વારા વસાવવામાં આવ્યું હતું તેથી તેનું નામ આશાવલ રાખવું જોઈએ, નહીં કે અમદાવાદ કે કર્ણાવતી. 6 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલાં છોટુભાઈ વસાવા આ માંગ કરી રહ્યાં છે.

21 ઓક્ટોબર 2018માં ચીખલી ખાતે છોટુભાઈ વસાવાની જાહેર સભા છે જેમાં આ મુદ્દો ઊભો કરવામાં આવે તેવી શક્યતા છે.

રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘનાં દેશની 83 હજાર સ્થળો પર અને ગુજરાતમાં 2500 સ્થળો પર સંઘની પ્રવૃત્તિ થાય છે ત્યાં તમામ સ્થળે અમદાવાદના બદલે કર્ણાવતી નામ બોલવામાં આવે છે. તેઓ આગ્રહ રાખી રહ્યાં છે કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં આવે પણ વિજય રૂપાણી કે જે પોતે સંઘમાંથી આવે છે અને તેઓ પોતે અમદાવાદનું નામ કર્ણાવતી રાખવામાં સદંતર નિષ્ફળ ગયા છે અને ભાજપે આપેલાં વચનોથી તેઓ ફરી ગયા છે.

ભાજપે 1986ની ચૂંટણીમાં અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વચન આપ્યું હતું. 30 વર્ષ થયા છતાં ભાજપના સત્તાધીશો તેમ કરવામાં સફળ થયા નથી. કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં નામ બદલી શકાયું નથી. અમદાવાદ ભાજપના અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના હોદ્દેદારોના પત્રવ્યવહારમાં કર્ણાવતી શહેર તરીકે જ સરનામું લખે છે. પણ આવું કોઈ શહેરનું અસ્તિત્વ ગુજરાતમાં નથી. આમ ભાજપના નેતાઓ કાયમ આ મુદ્દે પ્રજાને ગેરમાર્ગે દોરતા આવ્યા છે. જે શહેરનું અસ્તિત્વ નથી તે શહેરનું સરનામું ભાજપના નેતાઓ સત્તાવાર આપી રહ્યાં છે.

ગુજરાતમાં વર્તમાન સમયે 720 સ્થાનો પર 1,460 શાખા, 952 સાપ્તાહિક મિલન, 489 સંઘ મંડળીઓ કાર્યરત છે. ગુજરાતમાં સેવાકાર્યો માટેના 2,442 પ્રકલ્પો ચાલે છે. પ્રાથમિક વર્ગ ગુજરાતના 19 સ્થાનો પર થયા જેમાં 2,850 સ્વયંસેવકોએ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. અમદાવાદ મહાનગર દ્વારા 4 માર્ચ, 2018ના રોજ મહાનગર પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 5,336 સ્વયંસેવકોએ પૂર્ણ ગણવેશમાં ભાગ લીધો હતો. તેઓ તમામ પોતાની વાતચિતમાં હંમેશ અમદાવાદના સ્થાને કર્ણાવતી શહેર તરીકે જ બોલે છે. ગુજરાતમાં સંઘે 2850 નવા સ્વયંસેવકો છે. અખિલ ભારતીય પ્રતિનિધિ સભાના પ્રારંભમાં સરકાર્યવાહ ભૈયાજી જોશી દ્વારા વાર્ષિક અહેવાલ આપવામાં આવ્યો હતો. પ્રતિનિધિ સભામાં પરિવાર ક્ષેત્રના 35 સંગઠનના 1538 શીર્ષસ્થ પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા. જે અપેક્ષિત સંખ્યા 90% ઉપસ્થિતિ છે. સંઘની કામગીરી દેશના કુલ 95% જિલ્લામાં ચાલું છે. દેશમાં 37,190 સ્થાનો પર 58,967 નિત્ય શાખા, 16,405 સાપ્તાહિક મિલન, 7,976 સંઘ મંડળી કાર્યરત છે. આ પ્રકારે કુલ 83,348 સ્થાનો પર સંઘની ગતિવિધિ ચાલે છે.

આમ ભાજપના ગુજરાતના તમામ નેતાઓએ ગુજરાતને સદંતર મૂર્ખ બનાવવાનું કામ કરેલું છે. હજુ પણ 6 મહિના છે ત્યારે અમદાવાદનું નામ કર્ણાવતી કે અશાવલી રાખવું જોઈએ. આશાવલી – આશાવલ માટે કોઈને વાંધો ન હોઈ શકે. પણ કર્ણાવતી અંગે કોઈ જ પુરાવા ન હોવાથી તેની સામે ઈતિહાસ વીદ્દોને અને સામાન્ય લોકોને વાંધો હોઈ શકે છે, પણ તે માટે ઓન લઈન મતદાન હાથ ધરીને સર્વસંમતિ સાધી શકાય તેમ છે.

(દિલીપ પટેલ)