સરકાર દ્વારા ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, તેમ છતાં વર્તમાન સમયમાં ખુલ્લેઆમ ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. સ્થાનિક વહીવટી તંત્ર આ બાબતે હાથ પર હાથ મૂકીને તમાશો જોઈ રહ્યું છે.
તાજેતરમાં જ અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી ગળું કપાઈ જતા એક યુવકનું મોત નીપજ્યું હોવાની દર્દનાક ઘટના સામે આવી છે. ત્યારે આવી જ દુર્ઘટના ડીસામાં પણ બની શકે છે. ડીસામાં અત્યારે ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. અને તે પણ તંત્રની રહેમ નજર હેઠળ. ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે અને ગુજરાતીઓ આ તહેવારની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરતા હોય છે. પરંતુ ઉત્તરાયણના આ ઉત્સાહમાં ચાઈનીઝ દોરી ખલેલ પહોંચાડી શકે છે. કારણ કે ડીસા શહેરમાં અત્યારે તંત્રની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ ટૂક્કલનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ચાઈનીઝ દોરી ખૂબ ખતરનાક માનવામાં આવે છે અને પક્ષીઓ ઉપરાંત અનેક લોકોએ પણ ચાઈનીઝ દોરીના લીધે જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત ચાઈનીઝ ટૂક્કલના કારણે ગરીબ પરિવારોના ઝૂંપડાઓમાં આગ લાગી જવાની પણ ઘટનાઓ બનતી હોય છે. ત્યારે તંત્રની વેપારીઓ પ્રત્યેની આ રહેમનજર ગમે ત્યારે કોઈ મોટી હોનારત સર્જી શકે તેમ છે. ત્યારે તંત્રની આ રહેમ નજર સામે ડીસાના જાગૃત નાગરિકો પણ રોષ ઠાલવી રહ્યા છે.
એવું નથી કે ઉતરાયણના તહેવારની ઉજવણી માત્ર ચાઈનીઝ દોરી અને ટૂક્કલ સાથે જ ઉજવી શકાય. વર્ષોથી લોકો સાદા માંજાની દોરીનો ઉપયોગ કરતા હતા. ત્યારે લોકોએ ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ ટૂક્કલનો બહિષ્કાર કરવો જોઈએ કે જેનાથી પક્ષીઓના સાથે સાથે લોકોના જીવ પણ બચાવીને સાચા અર્થમાં આ તહેવારની ઉજવણી કરી શકાય.