આણંદમાં જનેતા જ બની દુશ્મન, માસૂમ દિકરીની કરી હત્યા

કહેવાય છે કે માંની મમતા આગળ ભગવાન પણ ઝૂકી જતા હોય છે. પોતાના સંતાનને સહેજ પણ તકલીફ થાય તો સૌથી પહેલા માતાને ચિંતા થતી હોય છે. પરંતુ આણંદનાં ઉમરેઠમાં સગી જનેતાએ જ પોતાની માતાએ જ પોતાની દીકરીને નિર્મમ હત્યા કરી નાંખી. નિર્દય માતાએ પોતાની માસૂમ દિકરીને મારી નાંખતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ હત્યા પાછળ ઘર કંકાસ જવાબદાર હોવાનું કહેવાય છે.
આણંદના ઉમરેઠ નજીકથી પસાર થતી મહિસાગર નદી ઉપર આવેલ પૂલના પિલર નીચેથી ગત 14મીએ એક માસૂમ બાળકીની ઉમરેઠ પોલીસને લાશ મળી આવી હતી. ત્યારે અનેક રહસ્ય સર્જાયા હતા. પોલીસ પણ આ અજાણી બાળકીનું મોત કેવી રીતે થયું હશે એ બાબતે વિચારતી થઈ હતી. પરંતુ કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો શાતિર હોય પણ કોઈ પુરાવો તો છોડી જ જાય છે. અને આખરે ઉમરેઠ પોલીસ બાળકીના મોતનું રહસ્ય શોધવામાં સફળ થઈ.
માસૂમના મોતનું રહસ્ય શોધવા પોલીસ પહેલા દિવસથી જ કામે લાગી ગઈ હતી. પરંતુ બે દિવસ વીતવા છતાં આ મૃતક બાળકીના વાલી વારસોનો કોઈ પત્તો લાગતો નહોતો. આખરે પોલીસે બાળકીના ફોટા સહિતના 5 હજાર પોસ્ટર છપાવી બાળકીને ઓળખી બતાવનારને 5 હજાર ઈનામની જાહેરાત કરતાં પોસ્ટરો ઉમરેઠ સહિત આજુબાજુના વિસ્તારોમાં લગાવ્યા હતાં. પોલીસનો આ નુસ્ખો કારગત નીવડ્યો અને આખરે બાળકીના મોત પરથી પડદો ઊંચકાયો.
પોલીસનાં જણાવ્યા પ્રમાણે ઉમરેઠના અહીમાં ગામની રમીલાબહેન કે જેમણે અંકલાવડી ખાતે પરણાવેલી અને તેના સુખી લગ્ન જીવન દરમિયાન સૌથી મોટું સંતાન દીકરો અને ત્યારબાદ 6 વર્ષની દીકરી જન્મી હતી. પરંતુ રમીલા અને તેના પતિ વચ્ચે સતત થતા ઘર કંકાસથી ત્રસ્ત રમીલાએ આખરે ન ભરવાનું પગલું ભર્યું અને પોતાના જીવ કરતાં પણ વહાલી પોતાની 6 વર્ષની દિકરીને લઈ પહોંચી ઉમરેઠના લાલપુર પૂલ અને પોતાની દિકરીને નિર્દયતાપૂર્વક પૂલ પરથી નીચે ફેંકી દીધી. ત્યાંથી જાણે કાંઈ બન્યું ના હોય એમ ચાલતી પકડી. પરંતુ આખરે પોલીસે હત્યારી માતાને ઝડપી લીધી. હાલ તો આ નિર્દય માતા બાળકીની હત્યા પાછળનું કારણ ઘર કંકાસ બતાવી પેટ ભરીને પસ્તાઈ રહી છે. જોકે, હવે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ઉમરેઠ પોલીસે હત્યારી માતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.