આણંદમાં પશુઓની ફિઝિયોથેરપી લેબ શરું

અકસ્માત હોય કે અન્ય તકલીફોમાં મનુષ્ય માટે ફાયદાકારક પુરવાર થઈ રહેલી ફિઝિયોથેરપીની સારવાર હવે પશુઓ અને પ્રાણીઓ માટે પણ અસરકારક નીવડી રહી છે. આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન વેટરનરી હોસ્પિટલ ખાતે ફિઝિયોથેરપી લેબ ફોર એનિમલ શરૂ કરવામાં આવી છે. જ્યાં ઘોડા, શ્વાન અને ગાય, ભેંસને ફિઝિયોથેરપીની અપાયેલી સારવારમાં સારું પરિણામ મળ્યું છે.
પશુઓ અને પ્રાણીઓની સારવારમાં ફિઝિયોથેરપીનો પ્રયોગ કરનાર આણંદ વેટરનરી હોસ્પિટલના સર્જરી વિભાગના ડો. પી. વી. પરીખના કહેવા મુજબ મનુષ્યને આપવામાં આવતી ફિઝિયોથેરપી માટે મેડિકલ ક્ષેત્રમાં અલગ જ ડિસિપ્લીન છે, જેની કોલેજ જુદી છે. સેન્ટર અલગ હોવા છતાં સાથે ટ્રીટમેન્ટ માટેની વ્યવસ્થા પણ જુદી હોય છે. બીજી તરફ પશુઓ અને પ્રાણીઓ માટે ફિઝિયોથેરપી ચિકિત્સા પદ્ધતિ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું નથી. ભારતમાં પશુઓ અને પ્રાણીઓ માટે ફિઝિયોથેરપીની સારવાર પદ્ધતિનો ઉપયોગ અને વિકાસ નહિવત છે. આણંદ વેટરનરી હોસ્પિટલમાં અમે પશુઓ અને પ્રાણીઓ માટે ફિઝિયોથેરપી સારવારની ધીમે ધીમે શરૂઆત કરી છે. જેની માટે ફિઝિયોથેરાપીની લેબ ઊભી કરવામાં આવી છે. જ્યાં પશુઓ અને પ્રાણીઓ સારવાર માટે લાવવામાં આવે છે. અને તેમાં તેઓને સારું પરિણામ પણ મળી રહ્યું છે. ગુજરાતભરમાંથી શ્વાન અને ઘોડાને ફિઝિયોથેરપીની સારવાર માટે લાવવામાં આવે છે. અત્યાર સુધીમાં ૭૫ વધુ કેસ આવ્યા. જેમાં શ્વાન, ઘોડા અને ગાય, ભેંસને ફિઝિયોથેરપીની સારવાર આપતા પરિણામ સારું મળ્યું છે.
અકસ્માત કે આંશિક લકવા જેવા કેસમાં પશુઓ અને પ્રાણીઓ માટે ફિઝિયોથેરપીની સારવાર ફાયદાકારક પુરવાર થઈ રહી છે. પરંતુ એમાં પશુઓ અને પ્રાણીઓ કયા સ્ટેજમાં હોસ્પિટલમાં લાવવામાં આવે છે તે ખૂબ અગત્યનું છે. જો પશુઓ કે પ્રાણીઓને સમયસર હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં ના આવે તો ધાર્યું પરિણામ મેળવી શકાતું નથી. પરંતુ જો શરૂઆતમાં જ સારવાર માટે લાવવામાં આવે ત્યારે તેઓની ટ્રીટમેન્ટની સાથે ફિઝિયોથેરપી આપવામાં આવે તો ઝડપથી રિકવરી મળે છે