આણંદ જિલ્લાના બોરસદ ભાજપના પૂર્વ શહેર પ્રમુખ ભંવરસિંહ પુરોહિત પોતાના 200 જેટલા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા છે, ભંવરસિંહ સાથે તેમની પત્ની ભગવતીબેને કે જેઓ વર્તમાન કોર્પોરેટર છે અને અપક્ષના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર સુરેશ પરમારે પણ ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. ભંવરસિંહના ભાજપ છોડવા પાછળ જૂથવાદનું કારણ સામે આવ્યું છે.
ભંવરસિંહ પુરોહિતે આ બાબતે જણાવ્યું હતું કે, અમારા દ્વારા જિલ્લાના સંગઠનને અનેકો રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ બોરસદને અન્યાય કરવામાં આવે છે, અમારી રજૂઆતોનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાર્ટીમાં થતી કાર્યકર્તાઓની અવગણના અને વધી રહેલા જુથવાદના કારણે કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો હતો અને પ્રજાલક્ષી કામોની ઉપેક્ષા કરવામાં આવતી હતી, જેના કારણે તેમના દ્બારા ભાજપ છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.