આદિવાસી ખેડુતોની જમીનની નોંધોંમાં 73/એ, 73/એએ દાખલ કરવાની માંગ અને રાઠવાઓની જમીનની નોંધોમાં રાઠવા-કોળી, રાઠવા(કોળી) કે કોળી શબ્દો ઉમેરીને તેઓની આદિવાસી ઓળખને ગુમરાહ કરવામાં આવી રહી છે તેની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલી ન હોવાનું જાણવા મળતાં સમાજના આગેવાનોએ આગળની લડતના ભાગ રુપે એક ઠરાવ કરવાનું જાહેર કર્યું હતું.
રાઠવા સાથે કોળી શબ્દ ઉમેરીને તેઓની આદિવાસી ઓળખ સામે ઊભા કરવામાં આવી રહેલા પ્રશ્ન સામેની લડત માટેના આયોજનના ભાગા રુપે છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે રાઠવા સમાજના સામાજિક અને રાજકીય આગેવાનોએ એક મિટીંગનું આયોજન કર્યું હતું. સમાજના પ્રશ્ન સામેની લડતના આયોજનની આ મિટીંગમાં આ વિસ્તારના ભાજપ-કોંગ્રેસ સહિતના બધા રાજકીય પક્ષના આગેવાનો પક્ષા-પક્ષીથી ઉપર ઉઠીને ભેગા થયા હતા અને લડતને પરિણામ સુધી લઈ જવા માટેનું આયોજન કર્યું હતું.
પસાર કરેલા ઠરાવમાં એવું જાહેર કરવામાં આવ્યું હતું કે જ્યાં-સુધી આ વિસ્તારના આદિવાસીઓ અને ખાસ કરીને રાઠવાઓની સામેની ઓળખ સામેના સવાલોનો કાયમી ઉકેલ નહી લાવવામાં આવે અને ખેડુત ખાતેદારોની જમીનોમાં 73/એ અને 73/એએની નોંધો પાડવાની કામગીરી નહી કરવામાં આવે ત્યાં સુધી આ વિસ્તારમાં દરેક રાજકીય પક્ષનો બહિષ્કાર કરવામાં આવશે.
તેના ભાગરુપે છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકા અને તેના ગામોમાં કોઈપણ રાજકીય પક્ષની મિટીંગ, સભા, રેલી, તેના પોસ્ટર, બેનર, ટોપી, ખેસ, ઝંડા કે પક્ષને પ્રદર્શિત કરતી દરેક સામગ્રી લગાડવા સામે વિરોધ કરવામાં આવશે. અત્રે ખાસ એ પણ જોવાનું રહે છે કે છોટાઉદેપુરમાં સૌથી મોટી આદીવાસી વસ્તી ધરાવતા રાઠવા સમાજના આ આંદોલનની અસર તારીખ 31 ઓગષ્ટના વડાપ્રધાનના સરદાર સ્ટેચ્યુ અનાવરણના કાર્યક્રમમાં પડે છે કે નહી. કારણ કે તે દીવસે ગુજરાતના આદિવાસી સંગઠનોએ ગુજરાત બંધનું એલાન આપેલું છે.
22 ઓક્ટોબર 2018ના રોજ મળેલી બેઠકમાં છોટાઉદેપુર લોકસભાના ભાજપના સાંસદ રામસિંહભાઈ રાઠવા, કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સભ્ય નારણભાઈ રાઠવા, ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા તેમજ જેમલભાઈ રાઠવા, પ્રો. અર્જુન રાઠવા અને નરેન્દ્રભાઈ રાઠવા, નગીનભાઈ રાઠવા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સંબોધનો કર્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન વાલસિંહભાઈ રાઠવાએ કર્યું હતું. 9 સપ્ટેમ્બર 2018ના રોજ સમાજના આગેવાનો દ્વારા રાઠવા સમાજની ઓળખ સામે ઉભા કરાયેલા પ્રશ્ન અંગે રાજકીય નેતાઓને આવેદનપત્ર દ્વારા આપવામાં આવેલું હતું.