દોઢ વીઘામાં મરેઠીની ખેતી અપનાવતા ધોરાજીના ખેડૂત : એક કિલો મરેઠીનો ભાવ ૩૦૦થી ૪૦૦ રૃપિયા : ખેડૂત દોઢ વીઘામાંથી ૨.૮૦ લાખ રૃપિયાની કમાણી કરશે
પરિવર્તન ખેતીમાં પણ જરૃરી છે. કપાસ અને મગફળી જેવા એકના એક પ્રકારના પાકોનું વાવેતર કરી અને ખેડૂતો ભાવ ન મળતા હોવાની બૂમરાણ મચાવી રહયા છે. પાકના ભાવો એસી ઓફિસમાં બેસતા સરકારી અધિકારીઓ અને વેપારીઓ નક્કી કરતા હોય છે. ખેડૂત પોતે ઉત્પાદીત કરેલી પ્રોડક્ટનો ભાવ પણ નક્કી કરી શકતો નથી તેના જેવી કમનસીબી ખેડૂતો માટે કઇ હોઇ શકે. માટે જ ખેતીમાં બદલાવની જરૃર છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના એક ખેડૂતે નવો ચીલો ચાતરી એવી ઔષધિય પાકની ખેતી કરી છે. જેના ખેડૂત ભાવ જાતે નક્કી કરી કંપનીમાં મોકલાવે છે. મરેઠી નામની આયુર્વેદ ઔષધીય પાકની ખેતીમાં ખેડૂત કમાણી તો માત્ર ત્રણ લાખની કરે છે. જોકે, આ પાકના વાવેતર બાદ ખેડૂતને ભાવ ગગડી જશે તેવી કોઇ ચિંતા સતાવતી નથી.
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના શિક્ષિત યુવાન ખેડૂત સંદિપ કાછડિયાએ અન્ય ખેડૂતોની જેમ ચીલાચાલું ખેતી કરવાને બદલે આયુર્વેદ ઔષધીય મરેઠીની ખેતી અપનાવી છે. ખેતી અંગે વાત કરતાં ખેડૂત સંદિપે જણાવ્યું હતું કે, મરેઠીનો ઉપયોગ મગજના જ્ઞાાનતંતુ તથા અન્ય શારીરિક શક્તિવર્ધક દવાઓની બનાવટમાં કરવામાં આવે છે. સૌરાષ્ટ્રનું હવામાન આ ખેતીને અનુકૂળ છે. સાથે જ જમીન કાળી અને ફળદ્રુપ હોય તો આ ખેતી બિલકુલ ઉત્તમ ગણી શકાય છે એટલે મેં આ વર્ષે પહેલી વાર ખેતી અપનાવી હતી. ઠંડું વાતાવરણ થાય એટલે બીજ એક ક્યારામાં છાંટી રોપ તૈયાર કર્યા હતા અને ૪૫ દિવસનો રોપ તૈયાર થયા પછી ફેરરોપણીથી ૨૪ની ઝાળીએ એક ક્યારામાં ત્રણ હાર રાખી લગભગ ભાદરવા માસની મધ્યમાં દોઢ વીઘા જમીનની અંદર પાયાનું ખાતર એન.પી.કે વીઘે ૧૦ કિલો નાંખી ફેરરોપણીથી વાવેતર કર્યું હતું. ત્યારબાદ ૪થી ૫ દિવસે પિયત આપ્યાં હતાં અને પૂરક ખાતર તરીકે વીઘે ૧૦ કિલો યુરિયાના મહિનામાં બે છંટકાવ કર્યા હતા.
આ ખેતીમાં ફૂગ, મોલોમશી અને ઝીણી ઈયળનો ઉપદ્રવ હોય તો ૧૦થી ૧૨ દિવસે દવાના છંટકાવ કરવા પડે છે. પૂરક ખાતર અને પિયત આપ્યા બાદ ફૂલ બેસવાનું શરૃ થાય છે. ફેરરોપણી કર્યા બાદ ૫૦ દિવસે ઉતારો કરવાનો રહે છે. શરૃઆતમાં ફૂલ મરૃન રંગનાં હોય છે. જ્યારે પાછળનો ભાગ પીળો રહે છે, પરંતુ ફૂલ પરના મરૃન કલરનાં ટપકા આખેઆખાં પીળાં થઈ જાય પછી ઉતારો કરવાનો રહે છે. ફૂલને તોડયા બાદ ત્રણથી ચાર દિવસ સૂકવવાના હોય છે અને બાદમાં તેને એક કોથળામાં ભરીને સંગ્રહ કરવામાં આવે છે. સૂકવ્યા પછી આ ફૂલ વજનમાં એકદમ હલકાં થઈ જાય છે એટલે સૂકો માલ વેચવાનો રહે છે. સંદિપભાઈએ જણાવ્યું હતું કે, કુલ દોઢ વીઘામાંથી અંદાજે ૭૦૦થી ૮૦૦ કિલો જેટલું ઉત્પાદન થશે, એક કિલો મરેઠીનો ભાવ અત્યારે ૩૦૦થી ૪૦૦ રૃપિયા જેટલો ચાલે છે. કુલ ૭૦૦ કિલોગ્રામ મરેઠીનું ૪૦૦ રૃપિયા લેખે વેચાણ કરીએ તો ૨ લાખ ૮૦ હજાર જેટલી આવક થશે. આ મરેઠીનું વેચાણ ખાસ કરીને દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કોલકાત્તામાં થાય છે. વિવિધ શહેરોની કંપનીઓમાંથી ખેડૂતને ફોન કરવામાં આવે છે અને ખેડૂત સાથે જ સીધું ડિલિંગ કરવામાં આવે છે. જે તે કંપની સીધી જ ખેડૂત પાસેથી મરેઠીની ખરીદી કરે છે એટલે વેચાણ માટે પણ કોઈ મુશ્કેલી સર્જાતી નથી. માત્ર જે તે રાજ્યની કંપની હોય ત્યાં માલ પહોંચાડવાનો રહે છે અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ માત્ર ખેડૂતે ભોગવવાનો રહે છે. વળી કંપની દ્વારા જે તે ખેડૂતના બેંક એકાઉન્ટમાં એડવાન્સ પેમેન્ટ જમા કરી દેવામાં આવે છે એટલે નાણાંની લેવડ-દેવડ અંગેની મુશ્કેલી સર્જાતી નથી. આ ખેતીમાં મજૂરી, ખાતર, દવા અને રોપનો અંદાજે પ્રતિ કિલોએ ૭૦ રૃપિયા જેટલો ખર્ચ થાય છે. ૮૦૦ કિલો ઉત્પાદન મળેે તો કુલ ૫૬,૦૦૦ હજાર રૃપિયા જેટલો ખર્ચ થાય છે. સંદિપભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ ખેતીને ખાસ કરીને કાળી અને ફળદ્રુપ જમીન વધારે અનુકૂળ છે એટલે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ઉત્તમ ગણવામાં આવે છે.
સંપર્ક : ૯૯૭૯૨ ૮૮૧૨૦