ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય દિવસથી કોમર્સ સહિતની પ્રવેશ પ્રક્રિયામાં EWS ના અમલને લઇને વિવાદ ચાલી રહ્યો છે. એબીવીપી દ્વારા ત્રીજા રાઉન્ડમાં નવેસરથી ૨૫ ટકા EWS લાગુ કરવાની માંગણી સાથે આંદોલન ચલાવવામાં આવી રહ્યુ છે. બીજીબાજુ યુનિવર્સિટી સત્તાધીશો આ મુદ્દે હજુસુધી કોઇ નિર્ણય ન કરી શકતાં દિનપ્રતિદિન પરિસ્થિતિ વણસે તેવી શકયતાંઓ ઉભી થઇ રહી છે.
રાજય સરકાર દ્વારા તમામ અભ્યાસક્રમમા ૨૫ ટકા EWS દાખલ કરવાની જાહેરાત કરતાની સાથે જ ગુજરાત યુનિવર્સિટીએ પણ કોમર્સ સહિતના પ્રવેશમાં ૨૫ EWS બેઠકોની ગણતરી કરીને પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરી દીધી હતી. બે રાઉન્ડ પુરા થયા બાદ સત્તાધીશોને ખબર પડી કે EWS કારણે કેટલીક કોલેજોમાં વિદ્યાર્થીઓ બેસી શકે નહી તે પ્રકારે પ્રવેશ ફાળવી દેવામાં આવ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિ અને ફરિયાદના પગલે ગ્રાન્ટેડ કોલેજોમાં EWS કેટેગરીની બેઠકો બાકી હતી તે રદ કરવાની સૂચના આપી દેવામાં આવી હતી. જેના કારણે અંદોજ ૯૦૦થી વધારે બેઠકો પર EWS કેટગરીના વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી. આ મુદ્દે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી આંદોલન ચલાવવામાં આવી રહ્યુ છે. આજે પણ એબીવીપીના કાર્યકર્તાઓએ યુનિવર્સિટીમાં જઇને ત્રીજો રાઉન્ડ ૨૫ ટકા કેટેગરી પ્રમાણે જ કરવાની માંગણી કરવામાં આ હતી. બીજીબાજુ એબીવીપીના આંદોલનના કારણે યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બનતાં પ્રવેશ સમિતિના કો-ઓર્ડીનેટરો રજા પર ઉતરી ગયા હતા અને કેટલાકે કામ કરવા ઇન્કાર કરી દીધો હતો. હાલની સ્થિતિ એવી છે કે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે કે નહી તે મુદ્દે યુનિવર્સિટી સત્તાધીશો પણ કોઇ સ્પષ્ટતાં કરવા તૈયાર નથી. એબીવીપીના કાર્યકર્તાઓ કહે છે આજે યુનિવર્સિટી સત્તાધીશોએ આગામી દિવસોમાં સિન્ડીકેટની બેઠક બોલાવીને આ મુદ્દે યોગ્ય નિર્ણય કરવાની બાંયેધરી આપી છે. જો યોગ્ય નિર્ણય કરવામાં ન આવે તો એબીવીપીએ આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી પણ આપી છે.
કુલપતિમાં નિર્ણય કરવાની અસમર્થતાથી પરિસ્થિતિ વણસી !
યુનિવર્સિટી અને પ્રવેશ સમિતિ સાથે સંકળાયેલા તજજ્ઞો કહે છે સામાન્ય રીતે કોઇપણ પરિસ્થિતિ ઉભી થાય કુલપતિ તાકીદે યોગ્ય નિર્ણય કરી દેતાં વાત થાળે પડી જતી હોય છે. પરંતુ હાલની સ્થિતિમાં છેલ્લા ૧૦ દિવસની પ્રવેશના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કુલપતિ હજુસુધી કોઇ નિર્ણય કરી શકતા નથી. અગાઉ પરિસ્થિતિ વણતી ત્યારે કુલપતિએ ઉપ કુલપતિના અધ્યક્ષસ્થાને કમિટી બનાવવાની જાહેરાત કરીને હાથ ઉંચા કરી દીધા હતા. હવે આજે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા ગયા ત્યારે આગામી દિવસોમાં સિન્ડીકેટની બેઠક બોલાવીને યોગ્ય નિર્ણય કરીશુ તેમ કહીને પોતાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી દીધા છે. એટલે કે કુલપતિ સારો કે ખોટો કોઇપણ પ્રકારનો નિર્ણય કરવા અસમર્થ હોવાથી ધીમે ધીમે પરિસ્થિતિ વણસી રહી છે.