આશ્રમમાં ગાંધીજીની જાસૂસી થતી હતી, ગાંધીજીને પોલીસ સાથે કેવો નાતો હતો ?

આશ્રમની વસતીમાં સી.આઈ.ડી. પોલીસ પણ સક્રિય હતી. મહંમદભાઈ કરીને એક ગુપ્તચર દરરોજ ચાર માઈલ ચાલીને અમદાવાદથી આશ્રમ સુધી આવતાં હતા. તેનું શરીર ખૂબ જાડું હતું. ભીનો વાન હતો. માથે રાતી તુર્કી ટોપી પહેરતાં હતા. સદાય તેઓ હસતાં રહેતાં હતા. ઝાંપાની ઘટાદાર આંબલી નીચે સવારે 8 થી 9ની વચ્ચે તેઓ હાજર થઈ જતાં હતા. શરૂઆતમાં આશ્રમના દરવાજા આગળથી પસાર થતાં લોકોને આજે કોણ આવેલું હતું. કોણ ગયું તેના જેવા પ્રશ્નો પૂછતાં હતા. સત્યાગ્રાહી અને સી.આઈ.ડી. એકબીજાને સારી રીતે ઓળખતાં હતા. છુપી પોલીસ સાથે રોજનો નાતો હતો. પહેલાં તો આશ્રમને આ ગુપ્તચરની જાણ મગનલાલ ગાંધીને થઈ ત્યારે ત્યારે ગુપ્તચરને બોલાવીને કહ્યું હતું કે તમારે જોઈતી માહિતી રોજ આશ્રમનું દફતર જોઈને મેળવી લેવી. આ વાત સાંભળીને તો ગુપ્તચર આભો બની ગયો હતો. ગાંધીજીની બાબતમાં ગુપ્ત વાતો ન હતી. બધું જ જાહેર હતું. મહંમદભાઈ પોતાના ખિસ્સામાંથી ચોકલેટ કાઢીને બાળકોને આપતાં હતા. અને પછી ભોળા બાળકો પાસેથી તેઓ માહિતી કઢાવતાં હતા. તેઓ 10 વર્ષ સુધી આશ્રમની જાસૂસી કરતાં રહ્યાં હતા. 1917થી 1915 સુધી આશ્રમમાં રાજકીય હિલચાલ રહેતી હતી. મતલબ કે આશ્રમના છેલ્લાં 10 વર્ષમાં દરેક બાબત અહીં જાસૂસી હેઠળ હતી. જાસૂસને આશ્રમના સંચાલક મગનલાલ ગાંધી સામેથી વિગતો મેળવી લેવા કહેતાં હતા. આવું તો સત્યાગ્રહ આશ્રમમાં જ શક્ય બને.

આશ્રમમાં ક્રાંતિવાદીએ આશ્રય લીધો હતો

1919માં 175 લોકો આશ્રમમાં રહેતાં હતા. જે દાંડી કૂચ વખતે વસતી વધીને 300 માણસોની થઈ હતી. જેમાં એક વ્યક્તિ આશ્રમમાં આવીને વસી હતી. ઈમામમંઝિલ પાસે વાંસની ઝૂંપડીમાં એક ઉત્તર ભારતના એક નાગરિક આવીને રહ્યાં હતા. એક દિવસ સાંજે પ્રાર્થના પૂરી થઈ પછી મગનલાલ ગાંધીએ જાહેર કર્યું હતું કે, જગતનારાયણ એકાએક આશ્રમ છોડીને જતા રહ્યાં છે. પોલીસ એટલે કે મહંમદભાઈએ તેની પૂછપરછ કરી હતી. તે વાત જગતનારાયણના કાને પડતાં તેમણે આશ્રમ છોડી દીધો હતો. જતી વખતે તેઓ એક ચિઠ્ઠી મૂકતાં ગયા હતા અને આશ્રમનો આભાર માન્યો હતો. તેઓ એક ક્રાંતિકારી પણ હતા. એક એનુમાન છે કે તે સરદાર પૃથ્વીસિંહની જમાતના હોવાની શક્યતા છે. કે જે હિંસાથી આઝાદી મેળવવાના મતના હતા. એવું તનસુખ ભટ્ટે જાહેર કર્યું હતું.

આશ્રમમાં બોંબ બનાવવામાં આવતાં હતા

ગાંધીઆશ્રમ સામે કલમખુસ પાસે એક મકાનમાં માનસીંગ ડોડીયા નામના સ્વતંત્ર સેનાની રહેતાં હતા. તેમની મુલાકાત આ લેખકે 8 વર્ષ પહેલાં લીધી હતી. તે અંગેનો એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે હું આશ્રમમાં રહીને બોંબ બનાવતો હતો. મારી સાથે ત્રણ લોકો પણ હતા. બોંબ કઈ રીતે બને તેની પૂરી જાણકારી તેમણે મેળવી હતી. આશ્રમના મકાનોમાં રહીને તેઓ બોંબ બનાવતાં હતા. આ બાબતની જાણ ગાંધીજીને ન હતી. બોંબના પ્રયોગો પણ તેમણે કર્યાં હતા. થોડા વર્ષો પહેલાં તેમનું અવસાન થયું હતું. તેઓની માનસિક હાલત છેલ્લે ખરાબ થઈ ગઈ હતી. પણ આશ્રમની દરેક બાબત તેમના ધ્યાનમાં હતી. તે બધી બાબતો ગૌરવભેર કરી સંભળાવતાં હતા.

બંગાળી જાસૂસ કોને તાર કરતો હતો

આશ્રમમાં ખાદી વણાટકામ શિખવા માટે બંગાળી બાબુ આવ્યા હતા. તેઓ મોમાં પાન રાખી ખાતા અને મારામારી પણ કરતાં હતા. તેમનું શરીર મજબૂત હતું. ઘોડાગાડી વાળાને માર માર્યો હતો. ત્યારે તનસુખ ભટ્ટને લાગેલું તે આ કોઈ ગાંધી વિચારો ધરાવનાર વ્યક્તિ નથી. એવું જ આશ્રમના મેનેજર મગનલલા ગાંધીને લાગતાં તેમણે આ માણસ પાછળ પોતાના માણસો જાસૂસી કરવા ગોઠવી દીધા હતા. તેનો મતલબ કે આશ્રમના સંચાલક મગનલાલ ગાંધી પણ કોઈકની જાસૂસી કરાવી શકતાં હતા. તેમણે મૂકેલા માણસો પેલા બંગાળી બાબુની દરેક હિલચાલ પર નજર રાખવા લાગ્યા હતા. જેમાં એવું શોધી કાઢવામાં આવ્યું હતું કે આ વ્યક્તિ રોજ સાંજે સાબરમતી રેલવે સ્ટેશને જતો હતો અને ત્યાંથી રોજે રોજ ક્યાંક લાંબા તાર કરતો હતો. મગનલાલ ગાંધીએ થોડા દિવસમાં જ આશ્રમમાંથી પાણીચું આપી દીધું હતું. જોકે તે કોણ હતો અને કોને તાર દ્વારા વિગતો મોકલાવતો હતો તે આજ સુધી રહસ્ય રહ્યું છે. શું ભારતના કોઈ લોકો જ ગાંધીજીની જાસૂસી કરાવતાં હતા ?

કાકાસાહેબના ઘરેણાંની ચોરી થઈ

એક વખત નાગપુરની પોલીસ કાકાસાહેબ કાલેકરના ઘેર આવી પહોંચી હતી. સત્યાગ્રહીને પોલીસનું દર્શન કાયમનું થઈ ગયું હતું. પણ આ પોલીસ તો ચોરીની બાબત તપાસવા માટે આવી હતી. નાગપુરનો કોઈ મહારાષ્ટ્રીયન છોકરો આશ્રમમાં ભણતો હતો. તેણે કાકાસાહેબના ઘરની સાથે ઓળખાણ વધારી હતી. તેને ગાંધીવાદી વાતોમાં ઓછો રસ હતો પણ કાકીના ઘરેણાંના ડબલામાં વધું રસ હતો. તે ડાબલો ક્યા મૂકવામાં આવે છે તે તેણે ચાલાકીથી જાણી લીધી હતી. પછી તે ડબલો હળવેકથી સેરવી લીધો હતો. પછી તે તુરંત નાગપુર જતો રહ્યો હતો. તેણે ત્યાં ઘરેણાં વેચવા માંડ્યાં હતા. ખરીદદાન વેપારીને શંકા જતાં તેણે પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસે તેને ઘરેણાં સાથે પકડી લીધો હતો. મહારાઠા પોલીસ વધારે તપાસ કરવા માટે કાકાસાહેબના ઘરે આવી હતી. કાકાસાહેબે તુરંત કહી દીધું કે મારે આ છોકરા સામે કોઈ પોલીસ ફરિયાદ નથી કરવી. પોલીસે ડાબલો કાકાસાહેબને આપી દીધો અને યુવાનને છોડી મૂક્યો હતો. ગાંધીજીએ દેશની અદાલતોનો બહિષ્કાર કરવા માટે તે દિવસોમાં એલાન કર્યું હતું તેથી આ કેસ તો આદાલતમાં ચાલી શકે નહીં. તે બાબત આશ્રમની નીતિની વિરોધમાં હતી તેથી ફરિયાદ લખાવવામાં આવી ન હતી. કાકાસાહેબના કેટલાં ઘરેણાં હતા તે વાત તો ત્યાં જ દબાઈ ગઈ હતી. આ રીતે એક સાયકલ પણ આશ્રમના એક વ્યક્તિની ચોરાઈ હતી. પણ તેણે અદાલતમાં ફરિયાદ કરી હતી.

ગાંધી વિરોધી સમાચાર પત્ર

આશ્રમના સુવર્ણકાળમાં અને આઝાદીના સૌથી મજબૂત સમયમાં અમદાવાદમાં સમાચાર પત્રો નિકળતાં હતા. જેમાં એક ગુજરાતી માણસનું સમાચાર પત્ર મહાત્મા ગાંધીના બદલે અંગ્રેજોની સાથે રહેતું હતું. જે ગુજરાતી પંચ તરીકે જાણીતું હતું. આશ્રમની શરૂઆતમાં આ સ્થિતી હતી. દેશમાં ધીમેધીમે ગાંધીવાદ ફેલાઈ રહ્યો હતો. પણ ગુજરાતી પંચ નામનું સમાચારપત્ર સરકારી તરફદારી કરતું હતું. તેનો મતલબ કે તે ગાંધીજીનો વિરોધ કરતું હતું. જ્યારે પ્રજાબંધુ નામનું અખબાર હાલનું ગુજરાત સમાચાર ત્યારે પ્રકાશિત થતું હતું. જે ગાંધીજીની તરફેણ કરતું હતું. આઝાદીની લડતમાં તેનું મહત્વનું યોગદાન હતું. તે સમયે પ્રજાબંધુ સમાચારપત્રના માલિકો અલગ હતા. એક સાયકલ ચોરાઈ ત્યારે ગુજરાતી પંચ સમાચારપત્રએ એવું લખ્યું હતું કે, અસહકારી (સત્યાગ્રહી) એવા વ્યક્તિએ અસહકારી (સત્યાગ્રહી) વ્યક્તિની ચોરેલી સાયકલ.

ગાંધીજી સાથે પોલીસનો નાતો

ગાંધીજી સાથે પોલીસનો નાતો કાયમ રહ્યો હતો. તેમની ધરપકડ કરવા અને બચાવવા માટે દક્ષિણ આફ્રિકા અને ભારતમાં કાયમ પોલીસ સાથે પનારો તેમને રહ્યો હતો. તેમના પર ચાર જીવલેણ હુમલા થયા હતા. છેલ્લાં હુમલામાં તેની હત્યા થઈ હતી. જે ગોળી સાચવવા પોલીસે દિલ્હી મ્યુઝિયમમાં આપી છે. તેમણે પોલીસ અંગે લખેલી વાતો અહીં તેમના જ શબ્દોમાં અક્ષરશઃ મૂકી છે. જે આજના સમયે ઘણાંને માર્ગદર્શન આપીને નૈતિક તાકાત વધારવા મદદરૂપ થાય તેવી છે.

ગાંધીજીને એક બજારું ઓરત પાસે તેમના જ ઘરમાં તેના એક સાથી લઈ ગયા હતા ત્યારે તેમણે લખ્યું હતું કે,

સાથીને કહ્યું, ‘આજથી તમારો ને મારો સંબંધ બંધ છે. હું ખૂબ ઠગાયો ને મૂરખ બન્યો. મારા વિશ્વાસનો આ બદલો નહોતો ઘટતો.’

સાથી વીફર્યો. મારું બધું ઉઘાડું પાડવાની મને ધમકી આપી.

‘મારી પાસે કંઈ છૂપું છે જ નહીં. મેં જે કંઈ કર્યું હોય તે તમે સુખેથી જાહેર કરજો. પણ તમારી સાથેનો સંબંધ બંધ છે.’

સાથી વધારે તપ્યો. મેં નીચે ઊભેલા મહેતાને કહ્યું, ‘તમે જાઓ. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને મારી સલામ કહો ને કહો કે મારા એક સાથીએ મને દગો દીધો છે, તેને હું મારા ઘરમાં રાખવા નથી માગતો, છતાં તે નીકળવાની ના પાડે છે. મહેરબાની કરીને મને મદદ મોકલો.’

ગુનો રાંક છે. મેં આમ કહ્યું તેવો જ સાથી મોળો પડયો. તેણે માફી માગી. સુપરિન્ટેન્ડેન્ટને ત્યાં માણસ ન મોકલવા આજીજી કરી ને તુરત ઘર છોડી જવાનું કબૂલ કર્યું. ઘર છોડયું.

ભારતથી ફરી દક્ષિણ આફ્રિકા ગાંધી ગયા ત્યારે તેમને પર હુમલો

અમે આગબોટમાંથી ઊતર્યાં તેવા જ કેટલાક છોકરાઓએ મને ઓળખી કાઢયો, અને ‘ગાંધી, ગાંધી,’ એમ બૂમ પાડી. લાગલા બે ચાર માણસો એકઠા થયા ને બૂમો વધી. મિ. લૉટને જોયું ટોળું વધી જશે, તેથી તેમણે રિક્ષા મગાવી. મને તો તેમાં બેસવાનું કદી ન ગમતું. આ મારો પહેલો જ અનુભવ થવાનો હતો. પણ છોકરાઓ શાના બેસવા દે? તેમણે રિક્ષાવાળાને ધમકી આપી એટલે તે નાઠો.

અમે આગળ ચાલ્યા. ટોળું પણ વધતું ગયું. સારી પેઠે ભીડ થઈ. સૌ પહેલાં તો ટોળાએ મને મિ. લૉટનથી નોખો પાડયો. પછી મારા મિત્ર ઉપર કાંકરાનાં, સડેલાં ઈંડાંના વરસાદ વરસ્યા. મારી પાઘડી કોઈએ ઉડાડી દીધી. લાતો શરૂ થઈ.

મને તમ્મર આવી. મેં પડખેના ઘરની જાળી પકડી શ્વાસ ખાધો. ત્યાં ઊભું રહેવાય એમ તો નહોતું જ. તમાચા પડવા લાગ્યા.

એટલામાં પોલીસના વડાની સ્ત્રી, જે મને ઓળખતી હતી, તે આ રસ્તે થઈને જતી હતી. મને જોતાં જ તે મારે પડખે આવી ઊભી, ને જોકે તડકો નહોતો છતાં પોતાની છત્રી ઉઘાડી. આથી ટોળું કંઈક નમ્યું. હવે ઘા કરે તો મિસિસ અલેક્ઝાંડરને બચાવીને જ કરવા રહ્યા.

દરમ્યાન કોઈ હિંદી જુવાન મારા ઉપર પડતો માર જોઈ પોલીસ થાણા પર દોડી ગયેલો. સુપરિન્ટેન્ડેન્ટ અલેક્ઝાંડરે એક ટુકડી મને ઘેરી વળીને બચાવી લેવા મોકલી. તે વેળાસર પહોંચી. મારો રસ્તો પોલીસ થાણા પાસે થઈને જ જતો હતો. સુપરિન્ટેન્ડેન્ટે મને થાણામાં આશ્રય લેવા સૂચવ્યું. મેં ના પાડી. ને કહ્યું, ‘જ્યારે લોકો પોતાની ભૂલ જોશે ત્યારે શાંત થશે. મને એમની ન્યાયબુદ્ધિમાં વિશ્વાસ છે.’

બળિયા સાથે બાથ

હવે એશિયાઈ અમલદારો તરફ નજર કરીએ.

એશિયાઈ અમલદારોનું મોટામાં મોટું થાણું જોહાનિસબર્ગમાં હતું. એ થાણામાં હિંદી, ચીના વગેરેનું રક્ષણ નહીં પણ ભક્ષણ થતું હતું એમ હું જોઈ રહ્યો હતો. મારી પાસે રોજ ફરિયાદો આવેઃ ‘હકદાર દાખલ થઈ નથી શકતા, ને બેહક સો સો પાઉન્ડ આપીને આવ્યે જાય છે. આનો ઇલાજ તમે ન કરો તો કોણ કરશે? મને પણ એવી જ લાગણી હતી. જો આ સડો ન નીકળે તો મારું ટ્રાન્સવાલમાં વસવું ફોગટ ગણાય.

હું પુરાવા એકઠા કરવા લાગ્યો. જ્યારે મારી પાસે ઠીક જમાવ થયો ત્યારે હું પોલીસ કમિશનરની પાસે પહોંચ્યો. તેનામાં દયા અને ઇન્સાફ હતાં એમ મને લાગ્યું. મારી વાત છેક કાઢી નાખવાને બદલે તેણે ધીરજથી સાંભળી ને પુરાવા રજૂ કરવા કહ્યું. સાક્ષીઓને પોતે જ તપાસ્યા. તેની ખાતરી થઈ. પણ જેમ હું જાણતો હતો તેમ તે પણ જાણતો હતો કે દક્ષિણ આફ્રિકામાં ગોરા પંચોની પાસે ગોરા ગુનેગારને દંડ દેવડાવવો એ મુશ્કેલ હતું. ‘તોપણ આપણે મહેનત તો કરીએ. આવા ગુનેગાર જૂરીને હાથે છૂટી જશે એવી બીકથી તેમને ન પકડાવવા એ પણ બરોબર નથી. એટલે હું તો તેમને પકડાવીશ. મારી મહેનતમાં કચાશ નહીં રાખું એટલી તમને ખાતરી આપું છું.’

મને ખાતરી હતી જ. બીજા અમલદારો ઉપર પણ શક તો હતો, પણ તેમની સામે મારી પાસે કાચો પુરાવો હતો. બેને વિશે મુદ્દલ શક નહોતો. તેથી બેની ઉપર વોરંટ નીકળ્યાં.

મારી હિલચાલ છૂપી રહી જ ન શકે તેવી હતી. હું લગભગ રોજ પોલીસ કમિશનરને ત્યાં જાઉં એ ઘણા દેખે. આ બે અમલદારોના નાનામોટા જાસૂસો તો હતા જ. તેઓ મારી ઑફિસની ચોકી કરે ને મારી આવજાના ખબર પેલા અમલદારોને આપે. અહીં મારે એટલું કહેવું જોઈએ કે મજકૂર અમલદારોનો ત્રાસ એટલો બધો હતો કે તેમને બહુ જાસૂસો નહોતા મળતા. હિંદીઓની તેમ જ ચીનાની મને મદદ ન હોત તો આ અમલદારો ન જ પકડાત.

આ બેમાંથી એક અમલદાર ભાગ્યો. પોલીસ કમિશનરે બહારનું વૉરંટ કઢાવી તેને પકડાવ્યો ને પાછો આણ્યો. કેસ ચાલ્યો. પુરાવા પણ સરસ પડ્યા. છતાં, અને એક તો ભાગ્યો હતો એમ જૂરીની પાસે પુરાવો પડયો હતો તોપણ, બંને છૂટી ગયા!

હું બહુ નિરાશ થયો. પોલીસ કમિશનરને પણ દુઃખ થયું. વકીલના ધંધા પ્રત્યે મને અણગમો ઉત્પન્ન થયો. બુદ્ધિનો ઉપયોગ ગુનો છુપાવવામાં થતો જોઈ મને બુદ્ધિ જ અળખામણી લાગી.

બન્ને અમલદારોનો ગુનો એટલો પ્રસિદ્ધ થઈ ગયો હતો કે તેઓ છૂટયા છતાં સરકાર તેમને સંઘરી તો ન જ શકી. બન્નેને બરતરફી મળી ને એશિયાઈ થાણું કંઈક ચોખ્ખું થયું. કોમને હવે ધીરજ આવી અને હિંમત પણ આવી.

ચંપારણ્યમાં પોલીસ જાસૂસ

ચંપારણમાં હાથીનો ઉપયોગ, જેમ ગુજરાતમાં ગાડાનો થાય છે એમ લગભગ થાય છે. અર્ધે રસ્તે પહોંચ્યા ત્યાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનો માણસ આવી પહોંચ્યો ને મને કહ્યું: ‘તમને સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ સલામ દેવડાવે છે.’ હું સમજ્યો. ધરણીધરબાબુને મેં આગળ જવાનું કહ્યું. હું પેલા જાસૂસની સાથે તેણે ભાડે લીધેલી ગાડીમાં બેઠો. તેણે ચંપારણ છોડવાની નોટિસ મે આપી. મને ઘેર લઈ ગયો ને મારી સહી માગી. મેં જવાબ લખી આપ્યો કે, હું ચંપારણ છોડવા ઇચ્છતો નથી, ને મારે તો આગળ વધવું છે ને તપાસ કરવી છે. બહિષ્કારના હુકમનો અનાદર કરવા સારુ બીજે જ દિવસે કોર્ટમાં હાજર રહેવાનો સમન મળ્યો.

પંજાબમાં પોલીસે અટકાવ્યા

પલવલ સ્ટેશન આવે તે પહેલાં પોલીસ અમલદારે મારા હાથમાં હુકમ મૂક્યો. ‘તમારા પંજાબમાં પ્રવેશ કરવાથી અશાંતિ વધવાનો ભય છે, તેથી તમારે પંજાબની સરહદમાં દાખલ ન થવું,’ આવી જાતનો હુકમ હતો. હુકમ આપી મને ઊતરી જવા પોલીસે કહ્યું. મેં ઊતરવાની ના પાડી ને કહ્યું: ‘હું અશાંતિ વધારવા નહીં પણ આમંત્રણ મળવાથી અશાંતિ ઘટાડવા જવા માગું છું, એટલે હું દિલગીર છું કે, આ હુકમને મારાથી માન નહીં આપી શકાય.’

પલવલ આવ્યું. મહાદેવ મારી સાથે હતા. તેમને દિલ્હી જઈ શ્રદ્ધાનંદજીને ખબર આપવા ને લોકોને શાંત રાખવાનું કહ્યું. હુકમનો અનાદર કરી જે સજા હશે તે વહોરી લેવાનો નિશ્ચય કર્યો છે એમ કહે, અને સજા થતાં છતાં લોકોના શાંત રહેવામાં જ આપણી જીત છે એમ સમજાવે. એમ મહાદેવને કહ્યું.

પલવલ સ્ટેશન ઉપર મને ઉતારી લીધો ને પોલીસને હવાલે કર્યો. દિલ્હીથી આવતી કોઈ ટ્રેનમાં ત્રીજા વર્ગના ડબ્બામા મને બેસાર્યો, સાથે પોલીસની પાર્ટી બેઠી. મથુરા પહોંચતાં મને પોલીસ બૅરેકમાં લઈ ગયા. મારું શું થશે ને ક્યાં લઈ જવાનો છે એ કંઈ અમલદાર મને કહી ન શક્યો. સવારના ચાર વાગ્યે મને ઉઠાડયો ને માલની ગાડી મુંબઈ તરફ જતી હતી તેમાં મને લઈ લઈ ગયા. બપોરના સવાઈમાધુપુર ઉતારી મૂક્યો. ત્યાં મુંબઈની મેલ ટ્રેનમાં લાહોરથી ઇન્સ્પેક્ટર બોરિંગ આવ્યા. તેમણે મારો કબજો લીધો.

હવે મને પહેલા વર્ગમાં ચડાવ્યો. સાથે સાહેબ બેઠા. અત્યાર લગી હું સામાન્ય કેદી હતો. હવે ‘જેન્ટલમૅન કેદી’ ગણાવા લાગ્યો. સાહેબે સર માઇકલ ઓડવાયરનાં વખાણ શરૂ કર્યાં. તેમને મારી સામે તો કંઈ જ નથી, પણ મારા પંજાબમાં જવાથી તેમને અશાંતિનો પૂરો ભય છે વગેરે કહી, મારી મેળે પાછા જવા ને ફરી પંજાબની સરહદ ન ઓળંગવા વીનવ્યો. મેં તેમને કહી દીધું કે, મારાથી હુકમનો અમલ નહીં થઈ શકે ને સ્વેચ્છાએ હું પાછો જવા તૈયાર નથી. એટલે સાહેબે લાચારીથી કાયદાનો અમલ કરવાની વાત કરી. ‘પણ મારું શું કરવા ધારો છો એ કહેશો?’ મેં પૂછયું. તો કહે, ‘મને ખબર નથી. મને બીજા હુકમ મળવા જોઈએ. હમણાં તો તમને હું મુંબઈ લઈ જાઉં છું.’

સુરત આવ્યા એટલે કોઈ બીજા અમલદારે મારો કબજો લીધો. રસ્તામાં મને કહ્યું: ‘તમે છૂટા છો, પણ તમારે સારુ મરીન લાઇન્સ સ્ટેશન પાસે ગાડી થોભાવીશ ને તમે ત્યાં ઊતરો તો વધારે સારું. કોલાબા ઉપર વધારે ભીડ થવાનો સંભવ છે.’ મેં તેને અનુકૂળ થવા ખુશી બતાવી. તે રાજી થયો ને ઉપકાર માન્યો. મરીન લાઇન્સ ઊતર્યો. ત્યાં કોઈ ઓળખીતાની ઘોડાગાડી જોઈ. તે મને રેવાશંકર ઝવેરીને ઘેર મૂકી ગયા. તેમણે મને ખબર આપ્યાઃ ‘તમારા પકડાવાના ખબર મળવાથી લોકો ગુસ્સામાં આવી ગયા છે ને ગાંડા જેવા બની ગયા છે. પાયધૂની પાસે હુલ્લડનો ભય છે. મૅજિસ્ટ્રેટ અને પોલીસ ત્યાં પહોંચી ગયા છે.’

ગાંધીજીની ધરપકડ ક્યારે થઈ અને જેલવાસ 

9-4-1919 થી 11-4-1919 રેલવે ગાડીમાં

10-3-22થી 20-3-1922 સાબરમતી જેલ

21-3-22થી 11-1-1924 યરોડા જેલ

12-1-1924થી 5-2-1924 યગોડા જેલ (સાસુન હોસ્પિટલ)

5-5-1930 થી 26-1-1931 યરોડાજેલ

4-1-1932 થી 8-5-1933 યરોડા જેલ

1-8-1933 સાબરમતી જેલ

2-8-1933થી 4-8-1933 યરોડા જેલ

4-8-1933થી 23-8-1933 યરોડા જેલ

9-8-1942થી 6-5-1944 યરોડા જેલ (આગાખાન મહેલ)

આમ ગાંધીજીને પોલીસ સાથે અને ગાનેગારો સાથે કાયમ પનારો રહ્યો છે. પોલીસ તેમની સાથે સન્માન પૂર્વ વર્તતી હતી. આજે ગુજરાત અને ભારતનાં જેટલી પોલીસ સખ્ત છે એટલી અંગ્રેજોના સમયમાં ન હતી. ત્યારે અંગ્રેજો દરેકને સભા કરવા દેતા હતા. આજે એવું નથી. મોટા ભાગે સભાની મંજૂરી આપવામાં આવતી નથી.