ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની હડતાળ ડોક્ટર્સના સમર્થનમાં કે ભાજપના? કોંગ્રેસ

પશ્ચિમ બંગાળમાં એક અનિચ્છનીય અને નિંદનીય ઘટના બની જેનો ભોગ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા એક જુનીયર ડોક્ટર બન્યા. સરકારના જડ વલણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું અને ત્યાંના ડોક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા. દર્દીઓના સગાઓ દ્વારા એક તબીબ પર હમલો થાય એ માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં દેશના કોઈપણ ખુણે આ પ્રકારની ઘટનાનું સમર્થન હોઈ જ ના શકે. તબીબ ક્યાંક લાલચુ હોઈ શકે પણ કાતીલ તો કદીય ના હોઈ શકે. કોઈપણ ડોક્ટર તેના દર્દીને જાણી જોઈને નુકસાન ના જ પહોંચાડી શકે તે સૌ એ સમજવાની જરૂર છે તેવી જ રીતે
જમણાના બદલે ડાબો પગ કપાઈ જાય ત્યારે દર્દીના પરિવાર પર શું વીતે તે મેડીકલ કાઉન્સીલ કે એસોસિએશને પણ સમજવાની જરૂર છે. ખરેખર ખાસતો જનતાએ પણ સમજવાની જરૂર છે કે ખાટલે ક્યાં ખોડ છે ???
તબીબોની સંખ્યા ખુબજ ઓછી , સ્ટાફની ખુબ અછત , તબીબી જ્ઞાન ધરાવતા સ્ટાફ, નર્સીસ અને ફાર્માસીસ્ટ નો સરકારી ઉપેક્ષાના કારણે અભાવ, વધુ પડતો કામનો બોજ , આધુનિક સાધનોનો અભાવ આ બધી બાબતોમાં તો સરકાર અને સીસ્ટમનો દોષ છે દર્દીનો નહીં. લડવુ હોય તો સીસ્ટમ સામે લડો પણ સીસ્ટમનો વાંક કાઢી બેદરકારીનો બચાવ તો ના જ કરી શકાય ને…
અહીં આજે ચર્ચા કરવી છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ખરેખર ડોક્ટર્સને પડખે છે કે ભાજપના ???? આ હડતાળની પાછળ રમાતી રાજનીતિની ચર્ચા કરવી છે.. આ પ્રકારની અનેક ઘટનાઓ તમામ પ્રદેશમાં ઘટતી રહી છે જેના પરિપેક્ષમાં આ બનાવ કોઈ અલગ કે ક્યારેય ના બની હોય તેવી વાત નહોતી. હા આ ઘટનામાં ઇન્ડિયન મેડિકલ અસોસિઓએશ(IMA) નું કુદી પડવું અને રાષ્ટ્રીય સ્તરે તેનો પડઘો પાડી આખાય દેશમાં રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરવું એ પ્રથમ વખત બનેલી ઘટના ચોક્કસ છે. ગુજરાત સમેત બીજા પણ કેટલાય રાજ્યોમાં એસ્મા કાનુન સામે નતમસ્તક રહેનાર ઈન્ડીયન મેડીકલ એસોસિએશન પશ્ચિમ બંગાળમાં  એસ્મા  ધારા સામે માથું ઉંચકનાર જુનીયર
ડોક્ટર્સનો સાથ આપવા કેમ તત્પર છે તે સમજાતું નથી.

ભાજપના સાંસદ અનંત હેગડે દ્વારા ત્રણ ડોક્ટર પર લાત અને મુક્કા ચલાવ્યા બાદ એક હરફ તે માર ખાનાર તબીબો માટે નહીં ઉચ્ચારનાર આઈ.એમ.એ. ને પ.બંગાળના જુનીયર તબીબ પ્રત્યે આટલી અનુકંપા કેમ જાગી તે જાણવું જરૂરી છે. હાલમાં જ આઈ.એમ.એ.દીલ્હીની નજીકની જ રાઉતુલારાવ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલ દર્દીના સગાઓ દ્વારા તબીબ પર હુમલો થયેલો , ડી. વાય. પાટીલ મેડીકલ કોલેજમાં હાર્ટએટેક થી મૃત્યુ પામેલ એક દર્દીના સંબંધીઓએ હુમલો કર્યાની ઘટના પણ તાજી જ છે. જયપુરની સવાઈ માનસિંહ મેડિકલ કોલેજમાં મહીલા ડોક્ટર પર હુમલો કરાયો હતો. આ અને આવી અનેક ઘટનાઓ સંદર્ભે આઈએમએ ક્યારેય રાષ્ટ્રીય સ્તરે રોષ ઠાલવતુ નજરે નથી પડ્યું.
ઉત્તર પ્રદેશના ગોરખપુરની ઓક્સિજન કાંડ વાળી ઘટનામાં સરકારી પોલ ઉઘાડી પાડનાર ડો. કફીલ અને ડો. રાજીવ  દંપતિને જેલમાં ધકેલી દેનાર યોગી સરકાર સામે મદદ માટે આઈ.એમ.એ. ને સતત ગુહાર કરનાર આ તબીબોને ન્યાય અપાવવા ઈન્ડીયન મેડીકલ એસોસિએશન કેમ આગળ ના આવ્યું ? ડો. કફીલ અને ડો. મીશ્રા એ એક વરસ જેલમાં રહીને સ્વયંના સંઘર્ષ દ્વારા પોતાને નિર્દોષ સાબિત કરવા પડ્યા ત્યારે આઈ.એમ.એ.ના આ સરકારી મળતીયાઓ ક્યાં હતા? અરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર મંચ ઉપરથી ડોક્ટરને લુંટારા અને “ ડર “ નો વેપલો કરનાર કહ્યા હતા ત્યારે એમનું ડોક્ટર્સ અને એસોસિએશનનું આત્મસન્માન ક્યાં ગાયબ થઈ ગયુ હતું ? હૃદયરોગના દર્દીને નળીના બ્લોકેજને ખોલવા વપરાતા આઠ હજારના સ્ટેન્ટ બે લાખમાં વેચી ડોક્ટર્સ લૂંટ ચલાવે છે અને પંદર રૂપીયાની દવા દોઢસોમાં વેચવાનો આરોપ મુક્યો ત્યારે ડોક્ટર્સનું સ્વમાન ક્યાં ગયું હતું ? ખાલી ગરીબોને રાજી કરવા ડોક્ટર્સને હંમેશા ભાંડતા નરેન્દ્ર મોદી પાસે મમતા બેનરજીની જેમ માફી મંગાવવાની જીદ કેમ ન્હોતી કરાઈ?
આ તમામ સવાલના અનુત્તરિત જવાબમાં આઈ.એમ.એ. રાજકીય હાથો બન્યા હોવાની ગંધ આવે છે. આઈ.એમ.એ. ક્યારેય મેડીકલ શિક્ષણ ની માફીયાગીરી સામે લડત લડતુ નજરે નથી પડ્યું. આઈ.એમ.એ. માં બેઠેલા હોદ્દેદારોએ જ ખાનગી મેડીકલ કોલેજોને ઉઘાડી લૂંટ કરવાનો પરવાનો મેળવી લીધો હોય ત્યારે કોઈ બોલે તો ય શું બોલે ? નેતાઓને હંમેશા ગાળો આપનારાઓ ડોક્ટર ના દીકરા – દીકરીઓ જ મહદંશે ડોક્ટર બની શકે તેવી ખર્ચાળ સિસ્ટમ સામે ક્યારેય સવાલ કરતા નજરે નથી પડતા. કરોડો ખર્ચી ડોક્ટર બનેલા  મની માઈન્ડેડ  તબીબોનો એક ફાલ કોર્પોરેટ કલ્ચરના સોહામણા નામ હેઠળ સંવેદના ગુમાવી ચુક્યો છે અને બીજી તરફ મધ્યમવર્ગીય હજારો તેજસ્વી તબીબ નાણાના અભાવે પ્રાઈવેટ પ્રેકટીસ નહીં કરી શકતા સરકારી દવાખાનામાં કમને કામ કરી રહ્યા છે. આ બંન્ને સ્થિતિ સમાજ માટે ખતરનાક છે. એક તરફ ડોક્ટર થવા કરેલા કરોડોના રોકાણનું વળતર મેળવી લેવાની અધીરાઈ ધરાવનારાઓ છે તો બીજી તરફ યોગ્યતા છતાં આર્થિક સંકડામણે ફીક્સ પગારમાં કામ કરનારાઓની હતાશા છે.આ બંને તરફની ગુંગણામણમાં  સેવા   શબ્દ લુપ્ત થતો ગયો છે અને વ્યવસાય હાવી થઈ રહ્યો છે. આમ ને આમ ચાલશે તો
તબીબી સેવા  જે શબ્દ વપરાય છે તેની જગ્યાએ લોકો   તબીબી વ્યવસાય   ગણવા લાગશે..