ઈટ હેપન્સ ઓન્લી ઈન ઈન્ડિયાઃ સરકારી અધિકારી જમવા જાય એટલે કચેરીને તાળું મારીને જાય

સામાન્ય રીતે કોઈપણ સરકારી કચેરીમાં જાવ તો કચેરી ખૂલ્લી હોય પણ સાહેબ કે કર્મચારી ડ્યૂટી પર હાજર ન મળે. પરંતુ ગુજરાતનાં ધાનેરાની એક કચેરી એવી છે જ્યાં સાહેબ કે અધિકારી હાજર ન હોય તો કચેરીએ ખંભાતી તાળું ચોક્કસ મારેલું જોવા મળશે.
ધાનેરાની સીટી સર્વે કચેરીની કામગીરીને લઈ લોકોમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ત્યારે લોકોનું કહેવું છે કે આ કચેરી અધિકારીઓ મનફાવે ત્યારે ખોલે છે, બાકી તો આ કચેરીને તાળું જ જોવા મળે છે. ત્યારે બે વખત આ કચેરીની મુલાકાત લીધી. તો તે સમયે આ કચેરીને બંને વખત ખંભાતી તાળું જોવા મળ્યું હતું.
પહેલા દિવસે કચેરીને તાળું જોયું તો કચેરીના અધિકારી પ્રકાશ  ગહેલોતનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હું હાઇકોર્ટ ગયો છું એટલે કચેરી બંધ છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે અધિકારી હાજર ન હોય તો કચેરીને તાળું મારી દેવાનું અને લોકોને કામ માટે ધક્કા જ ખાવાના શું?  આ કચેરીમાં અધિકારી સિવાય બીજું કોઈ જ કામ નથી કરતું કે જયારે અધિકારી બહાર જાય ત્યારે આ કચેરીને તાળાં લાગી જાય છે. ત્યારે આજે પણ આ કચેરીની અચાનક મુલાકાત લેતા કચેરીને મોટું તાળું મારેલું જોવા મળ્યું હતું અને તૂટેલા દરવાજામાંથી અંદર જોયું તો લાઈટ પંખા કોમ્પ્યુટર સહિતની ઇલેક્ટ્રિક વસ્તુઓ ચાલુ જોવા મળી હતી, પણ કચેરીને તાળું મારેલું જોવા મળ્યું હતું. ત્યારે આજે પણ આ અધિકારી પ્રકાશ ગહેલોતનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે હું જમવા ગયો છું એટલે કચેરી બંધ છે. લો ધાનેરા માં અધિકારીઓ જમવા જાય તો પણ કચેરીને તાળું મારીને જાય છે. કેમ કે કચેરીમાં અધિકારી સિવાય કોઈ સ્ટાફ જ નથી.
મોડે મોડે આ અધિકારી પ્રકાશ ગહેલોત આવ્યા હતા અને સીટી સર્વે કચેરીમાં પટ્ટાવાળા તરીકે કામ કરતા બળવંત રાણા ઉર્ફે બળિયાના ઘરે જઈ કચેરીની ચાવી લાવી કચેરી ખોલી હતી. કચેરી ખુલતાં જ સ્થાનિક લોકોએ સવાલ કર્યો હતો કે સાહેબ આ બધી લાઈટો અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ચાલુ કેમ છે તો તેમણે  જવાબ આપ્યો કે જો બંધ કરું તો બધું બળી જાય અને વિવિધ સવાલ કરતાં તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે જણાવ્યું  હતું કે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરો તો સ્થાનિક લોકોએ ધાનેરાના પ્રાંતઅધિકારીને સમગ્ર બાબતે જાણ કરતા પ્રાંત અધિકારીએ માત્ર તપાસ કરવાની ખાતરી આપી હતી.