ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા છેલ્લાં કેટલાંક સમયથી પોતાનાં નિવેદનોનાં મામલે ચર્ચામાં રહ્યાં છે. અગાઉ તેમણે દારૂ પીવા મામલે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તો આજે તેઓ ફરી એક વાર સુર્ખિયોમાં જોવા મળ્યાં છે. આજે તેઓ લોકરક્ષક દળનાં એક ઉમેદવાર ઉપર ભડકી ઉઠ્યાં હતાં.
સાંસદ મનસુખ વસાવા ડેડિયાપાડામાં હતાં ત્યારે કેટલાંક લોકોએ તેમને રોકીને તેમનાં પ્રશ્નોની ઝડી વરસાવી હતી. દરમિયાનમાં લોક રક્ષકદળની ભરતીનાં એક ઉમેદવારે કરેલાં સવાલને લઈને વસાવા એકદમ લાલચોળ થઈ ગયાં હતાં. અને આ ઉમેદવારને તેમનાં પ્રશ્નનો ઉકેલ ઝડપથી લાવી દેવામાં આવશે એવો રાગ આલાપતા હતાં. પરંતુ આ ઉમેદવાર વારંવાર એક જ સવાલ કર્યા કરતો હોવાથી તેઓ એકદમ ઉકળી ઉઠ્યાં હતાં અને ત્યાંથી નીકળી ગયાં હતાં.
લોક રક્ષક દળની પરીક્ષા પેપર લીક થવાનો મામલો હજી પણ રહી રહીને ભાજપના નેતાઓ સામે આવી રહ્યો છે. ત્યારે મનસુખ વસાવાનો ગુસ્સે ભરાયા હોય એવો વીડિયો વાઈરલ થયો છે. અને આ વીડિયો ડેડીયાપાડાથી નેત્રંગ ગામ વચ્ચેનો વિડીયો હોવાનું અનુમાન છે. વસાવાનાં આ પ્રકારનાં વીડિયોથી ભાજપની પ્રદેશ નેતાગીરી પણ ચોંકી ઉઠી છે. હવે જોવું એ રહ્યું કે ભાજપની પ્રદેશ નેતાગીરી સાંસદ મનસુખ વસાવાને 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રજા સાથે શાંતિથી વર્તવા જણાવે છે કે પછી દરવખતની માફક આ વાત ઉપર પડદો પાડી દેવામાં આવે છે.