ઉજાલા બલ્બ ખરીદ્યા વગર બિલોમાં જોડાઈ બલ્બની રકમ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક યોજનો અમલી બનાવવામાં આવી છે, પરંતુ લોકોના કલ્યાણ માટે ઉપલબ્ધ બનાવવામાં આવેલી આ યોજનાઓ અત્યારે લોકોનું કલ્યાણ કરવાના બદલે લોકોને પરેશાનીમાં મૂકી રહી છે. આવી જ એક ઉજાલા યોજનાને લઈ પણ બનાસકાંઠા જિલ્લાના લોકો પરેશાન થઈ ઉઠ્યા છે.
દેશના લોકો ઉર્જાનું મહત્વ સમજતા થાય અને ઉર્જાની વધુને વધુ બચત થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન ઉજાલા યોજના અમલી બનાવાઈ છે. આ યોજના અંતર્ગત દેશવાસીઓને રાહત દરે એલ.ઇ.ડી.બલ્બનું વિતરણ કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં એલ.ઇ.ડી.ના વિતરણનો આ સૌથી મોટો કાર્યક્રમ છે. સરકાર દ્વારા લોકોના કલ્યાણ માટે શરૂ કરવામાં આવેલી આ સ્કીમ અત્યારે સૌથી વધુ લોકોને પરેશાન કરી રહી છે. ત્યારે સરકાર દ્વારા એલ.ઇ.ડી.બલ્બ લોકોને રાહત દરે મળી રહે તે માટે વીજ કંપનીઓ સાથે જોડાણ કરવામાં આવ્યું હતું અને ગ્રાહકોને રાહત દરે વીજ કંપનીની કચેરી પરથી જ આ એલ.ઇ.ડી.બલ્બ ઉપલબ્ધ કરવામાં આવતા હતા. ગ્રાહકોને આ એલ.ઇ.ડી.બલ્બની કિંમત તેમના વીજ બિલમાં ઉમેરવામાં આવતી હતી. પરંતુ હવે ડીસા સહિત આસપાસના વિસ્તારોમાં એક એવી મુશ્કેલી સર્જાઈ છે કે જે લોકોએ એલ.ઇ.ડી.બલ્બ નથી ખરીદ્યા તેમના વીજ બિલમાં પણ એલ.ઇ.ડી.બલ્બ ખરીદેલા દર્શાવીને વીજબિલમાં વધારાની રકમ જોડવામાં આવી રહી છે. જેનાથી વીજ ગ્રાહકો પરેશાન થઈ ઉઠ્યા છે. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા અત્યારે ઉજાલા યોજના અંતર્ગત એલ.ઇ.ડી.બલ્બનું રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ સમગ્ર છબરડો થવા પાછળ પણ ગ્રાહકો ઉત્તર ગુજરાત વીજ કંપનીને જવાબદાર માની રહ્યા છે.
આ સમગ્ર છબરડા અંગે ઉત્તર ગુજરાત વીજ કંપનીના જવાબદાર અધિકારીઓએ આ અંગે પોતાની જવાબદારી ન હોવાનો રાગ આલાપ્યો હતો અને બંધ કેમેરા આગળ તેમણે કબુલ્યું પણ હતું કે આ કોન્ટ્રાકટ જે કંપનીને આપવામાં આવ્યો છે તેના દ્વારા જ આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. સરકાર દ્વારા ઉર્જાની બચત માટે તૈયાર કરવામાં આવેલી ઉજાલા યોજના અત્યારે તો લોકોના ખિસ્સા ખંખેરી રહી છે અને આ બાબતે જવાબદાર અધિકારીઓ પણ કઈ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. ત્યારે આ સત્ય શું છે તે તો તપાસનો વિષય છે. શું આ કોઈ છબરડો છે કે સમજી વિચારીને કરવામાં આવતો મોટો ભ્રષ્ટાચાર. તે ચર્ચાનું મુદ્દો છે.