ગુજરાતને ક્લીન-ગ્રીન ગુજરાત સાથોસાથ પોલ્યુશન ફ્રી પ્રદૂષણ મુક્ત ગુજરાત બનાવવા ક્લાયમેટ ચેન્જ વિભાગ શરૂ કર્યા બાદ દેશભરમાં પ્રથમ ઈમિશન ટ્રેડિંગ સ્કીમ- ઉત્સર્જક વેપાર યોજનાના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે.
ઈમિશન ટ્રેડિંગ સ્કીમ અંતર્ગત Emission Trading Market ગુજરાતે ઊભું કર્યું છે. આ યોજના થકી ઓછું પ્રદુષણ કરનારા તથા નિયમોનું પાલન કરનારા ઉદ્યોગોને નાણાકીય ફાયદો થશે તથા હવા પ્રદુષણ નિયંત્રણ સાધનોની કાર્યક્ષમતા વધશે અને પ્રદુષણ નિયમનના ખર્ચમાં ઘટાડો થશે. Emission Tradingના પાયલોટ પ્રોજેક્ટના અમલીકરણથી પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે લાભ થશે અને CEMS જેવી આધુનિક તકનીકનો ઉપયોગ કરીને મોનીટરીંગને મજબૂત બનાવી પ્રદુષણ પર અંકુશ મેળવી શકાશે. CEMS ના સભ્ય થયેલ ઉદ્યોગોને ઓછામાં ઓછા ખર્ચમાં ઉત્સર્જન, કાયદાકીય પાલન માટે રાહત અને ઉત્સર્જન ઘટાડવા માટેના વળતર પણ મળશે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશો અને સૂચનાઓનું ગુજરાતમાં સુયોગ્ય પાલન રાજ્ય સરકાર કરે છે, વાપીમાં ઉદ્યોગોને ક્લોઝર નોટિસ આપી છે અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. મોરબીના સિરામિક ઉદ્યોગો માટે પીએનજી ગેસની ઉપલબ્ધિ પણ કરાવી છે.
વાયુ પ્રદૂષણથી થતા ગંભીર ખતરા સાથે રાજ્યમાં જળ પ્રદૂષણની પણ ચિંતા કરીને રાજ્ય સરકારે જેતપુરના સાડી ઉદ્યોગ, અમદાવાદના વટવા તથા વડોદરાના ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને ટ્રીટ કરીને ડિપ-સી ડિસ્ચાર્જ માટેની પાઇપલાઇન યોજના પણ શરૂ કરી છે.
ગીર ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત નેશનલ હેરિટેઝ ઓફ ગુજરાત, પિકટોરિયલ ગાઈડ ઓફ કચ્છ અને ગગનવિહારી સફાઈ કામદારો પુસ્તિકાઓનું વિમોચન પણ કર્યું હતું.
ગુજરાત દેશમાં ઔદ્યોગિકીકરણ ક્ષેત્રે આગળ છે તે જ રીતે પ્રદૂષણ નિયંત્રણના પગલાંઓ લેવા માટે પણ અગ્રેસર રહેશે. ઉદ્યોગો દ્વારા ફેલાતા પ્રદૂષિત પાણીના નિકાલ માટે દરિયામાં ઊંડે સુધી પાઈપલાઈન દ્વારા પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં આવશે.
ચીનનો કેમિકલ ઉદ્યોગ ગુજરાત તરફ વળી રહ્યો છે ત્યારે આપણા પાસે આ ક્ષેત્રે વિકાસની ઘણી તકો છે. લોકોના જીવનધોરણમાં પણ તેનાથી સુધારો આવશે પરંતુ, ઔદ્યોગિકીકરણથી વનો ઓછા ન થાય અને પાણી પ્રદૂષણ ન થાય તે માટે કડક કાયદા બનાવીને રાજ્ય સરકાર આગળ વધવા માંગે છે.
હાવર્ડ, એમ.આઈ.ટી.ના સહકારથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જે પ્રોજેક્ટ બનાવ્યો છે તેના દ્વારા સૌને સાથે રાખીને, સૌનો સાથ- સૌનો વિકાસ, સાથે સૌનો વિશ્વાસ દ્રઢીભૂત કરવો છે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, નવી દિલ્હીના ચેરપર્સન જસ્ટિસ આદર્શકુમાર ગોયલે જણાવ્યું કે, પર્યાવરણ છે તો જીવન છે. હવા અને પાણી કોઈ ફેક્ટરીમાં ઉત્પાદિત કરી શકાતા નથી અને તેના વગર જીવન શક્ય નથી. ૧૯૭૨માં સ્ટોકહોમમાં પર્યાવરણની ચિંતા માટે સંમેલન યોજવામાં આવ્યું હતું અને તેમાં ૫મી જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરવાનું નક્કી કરાયું અને વર્ષ ૧૯૭૪થી તેની પ્રતિવર્ષ ઉજવણી થાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા મુજબ વિશ્વમાં ૧૭ લાખ લોકો હવા પ્રદૂષણને લીધે મોતને ભેટે છે. શુદ્ધ પાણી-શુદ્ધ હવા તમામ નાગરિકોનો અધિકાર છે પરંતુ તે મર્યાદિત છે તેથી તેનો ઉપયોગ પર નિયંત્રણ જરૂરી છે. તેથી પ્રદૂષણ નિયંત્રણના કાયદા અમલી બનાવાયા છે.
હાવર્ડ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રાજકીય અર્થતંત્રના પ્રોફેસર રોહિણી પાંડેએ જણાવ્યું કે ભોપાલ ગેસ દુર્ઘટના બાદ પ્રદુષણને લગતા કાયદા દેશમાં વધુ કડક બન્યા છે. ઉદ્યોગો પોતાનો નફો જાળવી રાખવા માટે પર્યાવરણના કાયદાઓનો પૂર્ણત: અમલ કરવામાં પાછી પાની કરે છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા માત્ર નિયંત્રણ નહીં પણ ઉદ્યોગોને ઓછું પ્રદુષણ કરવા માટે સમજાવવા માટે ડોક્ટરની ભૂમિકા પણ ભજવી છે. ઉદ્યોગોના દૂષિત પાણીને ટ્રીટ કરવા માટે એફલૂઅન્ટ પ્લાન્ટ કાર્યાન્વિત કરી નદીઓમાં પ્રદૂષિત પાણી વહેતુ બંધ થયું છે અને નદીઓ દૂષિત બનતા અટકી છે.