ગુજરાતની પોતાની એક આગવી પ્રાંતિજ અસ્મિતા છે. જેમાં કલા-સૌંદર્યનાં અનુપમ સ્થાપત્યો રાષ્ટ્ર અને વિશ્વ સ્તરે પોતાની ઓળખ જાળવી રહ્યાં છે. જેમાં ગુજરાતનું ગૌરવ અને વિશ્વ નાં બેનમૂન સ્થાપત્યોની યાદીમાં સ્થાન પામનાર પાટણની ૧૧ મી સદીની “રાણીવાવ ” છે. આ પ્રાચીન વાવ કર્ણદેવના સમયમાં તેની માતા મહારાણી ઉદયમતિએ પતિ ભીમદેવ ૧ લાના પરમાર્થે બંધાવી હતી. ઉદયમતિ સોરઠના ચુડાસમા રાજા ખેંગારની પુત્રી હતી. આ વાવને 19 નવેમ્બર, 2015માં વિશ્વ વિરાસતની યાદીમાં સામેલ કરવામાં આવી.
તાજેતરમાં ભારત સરકારે રૂ. 100ની ચલણી નોટ પર છાપીને ગૌરવવંતુ સ્થાન આપ્યું છે. આ વાવનાં પથ્થરમાં કલા-સૌંદર્યની કંડારેલી કવિતા છે. સુંદર અને રમણીય ભાવાવેશ અભિવ્યક્ત કરતા આ શિલ્પોમાં ચૈતન્યનો ઝબકાર છે,ગરવા ગુજરાતીઓની સૌંદર્ય ઝંખનાનાં જીવંત પ્રતીકો છે. આ વાવ ક્લારસિકો અને સૌંદર્યના જિજ્ઞાસુઓ માટે નયનરમ્ય કલાધામ છે. સુડોળ અંગો અને તે અંગલયથી સર્જાતા કમનીય અંગવળાંકો એ સુંદરતાને વધુ સુરેખ કરી આપે છે. આ પથ્થરોમાં એ સમયની ગુજરાતની કલા-કૌશલપૂર્ણ જીવનશૈલીનું ઉજ્જવળ પ્રતિબિંબ પડે છે. અહીંનાં નારી શિલ્પો લાવણ્ય, લજ્જાભર્યા અંગમરોડ અને અનુપમ દેહલાલિત્યથી શોભી રહ્યાં છે. આ વાવની વિપુલ શિલ્પ સમૃદ્ધિમાં શૈવ, વૈષ્ણવ, શકિત સંપ્રદાયને લગતાં અનુપમ શિલ્પો છે. તાંત્રિક દેવી, યોગિનીઓ તથા સપ્તમાતૃકા, ગણેશ, હનુમાનજીનાં ઉત્કૃષ્ટ શિલ્પો પ્રવાસીઓને દિગ્મૂઢ બનાવી દે છે. ખરેખર, આ રાણીવાવ પથ્થરમાં કંડારેલું કલા-સૌંદર્યનું મહાકાવ્ય છે.
પ્રાધ્યાપક ડો. રામજી સાવલિયા ( નિયામક, ભો. જે. અધ્યયન સંશોધન વિઘાભવન દ્વારા ) ફોટો – સંકલન -દિલીપ ઠાકર
ગુજરાતી
English




