ચૂંટણીમાં કેટલા પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યા છે, એ જાણવાના ઈરાદાથી ઈલેક્શન કમિશને કેશ ટ્રાંઝેક્શનમાં વધુ કડકાઈથી વર્તવાનુ શરૂ કર્યુ છે. ઉમેદવાર પ્રચાર માટે રોજ 10 હજાર રૂપિયાથી વધુ કેશની લેવડ-દેવડ નહીં કરી શકશે. તેનાથી વધુ રકમની લેવડ-દેવડ માટે ઉમેદવારે અથવા પાર્ટીએ ક્રોસ ચેક, ડ્રાફ્ટ, NEFT અથવા RTGSનો ઉપયોગ કરવા માટે કહ્યુ છે.
5 રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં લાગુ થશે આ નિયમો
એપ્રિલ 2011માં ચૂંટણી આયોગે આ પ્રકારના રોજબરોજના કેશ લેવડ-દેવડની લિમિટ 20 હજાર રૂપિયા નક્કી કરી હતી, પરંતુ ઈન્કમટેક્સની કલમ 40A (3)માં કરવામાં આવેલા સંશોધનને ધ્યાનમાં રાખીને નવી મર્યાદા નક્કી કરવામાં આવી છે.
નવા બદલાવ 12 નવેમ્બરથી લાગૂ કરવામાં આવ્યા છે અને પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પણ તે નિયમોનો અમલ કરવામાં આવશે. હવે કોઈ ઉમેદવાર કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને 10 હજારથી વધુ દાન કે દેવુ કેશમાં નહીં લઈ શકશે.
પાર્ટીઓ તેમજ ઉમેદવારો દ્વારા ચૂંટણી ખર્ચમાં પારદર્શિતા લાવવા માટે આયોગે આ પગલા લીધા છે.
પ્રતિસ્પર્ધીઓ વચ્ચે સામાન્ય સહમતિના આધાર પર 2015માં બનેલા ચૂંટણી આયોગના નિયમ અનુસાર, ઉમેદવારો જે પાર્ટીઓમાંથી ચૂંટણી લડી રહ્યા છે, તેમના ચૂંટણી ખર્ચની સીમા નક્કી હોવી જોઈએ. હાલ, જ્યાં ઉમેદવાર દ્વારા ચૂંટણી માટે કરવામાં આવતા ખર્ચાઓની મર્યાદા છે, તે પ્રકારની કોઈ મર્યાદા રાજકીય પાર્ટીઓ માટે નક્કી કરવામાં આવી નથી.